કોડીનાર સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહની ઉજવણી તા. ૧૪.૧૧.૨૦૨૫ થી તા. ૨૦.૧૧.૨૦૨૫ દરમિયાન કરવામાં આવી હતી. આ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૫ જેટલી બહેનો અને ૧૦ જેટલા ભાઈઓ સહિત કુલ ૨૫ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ઉજવણીના ભાગરૂપે ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા અને પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ત્યારબાદ મિતલબેન ગોવિંદભાઈ બારડે વિદ્યાર્થીઓ અને સ્પર્ધકોને સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમમાં વકૃત્વ સ્પર્ધા અંતર્ગત ભૌતિકભાઈએ ‘મોબાઇલ હટાવો, પુસ્તકો અપનાવો’ અને રિદ્ધિબેને ‘આજની યુવા પેઢી’ વિષય પર ખૂબ જ પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મદદનીશ ગ્રંથપાલ એ.કે. નકુમ, પરમાર ગોપાલભાઈ અને પરમાર રાહુલભાઈએ જહેમત ઉઠાવી હતી.







































