આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કોડીનારના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે નારી શક્તિના ઉત્થાન માટે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. અંબુજા ફાઉન્ડેશન અને સોરઠ મહિલા વિકાસ સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત મહિલાઓ આત્મનિર્ભર બને તે હેતુથી ૧૦ બહેનોને ઇ-રિક્ષા અર્પણ કરવામાં આવી હતી. આ બહેનોને ‘સેડી’ સંસ્થા દ્વારા બે મહિનાની ખાસ ડ્રાઇવિંગ તાલીમ આપવામાં આવી હતી. અંબુજા સિમેન્ટના સી.એમ.ઓ. સંજય વશિષ્ટના હસ્તે આ રિક્ષાઓનું લોકાર્પણ કરાયું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ અને વિદ્યાર્થિનીઓની મુસાફરી સુરક્ષિત બનાવવાનો છે. ૧૮,૦૦૦ થી વધુ સભ્યો ધરાવતી સોરઠ મહિલા મંડળી આજે આર્થિક અને સામાજિક બદલાવનું પ્રતીક બની છે. આ કાર્યક્રમમાં ૧૫૦૦ થી વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.





































