કોડીનાર શહેર કોંગ્રેસ પ્રમુખ અને બે-બે વખત નગરપાલિકા ચૂંટણી લડનાર મેંહદીહસન સૈયદમેહમુદ નકવીનું ફોર્મ નંબર ૭ ભરાતા આ અંગે મેંહદીહસને પોલીસમાં અરજી કરીને તેમના નામનું ફોર્મ ભરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી છે. આ અંગેની વિગત મુજબ કોડીનાર વિધાનસભામાં ૪૭ જેટલા શખ્સોએ મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી ૬૭૨૨ મતદારોના ફોર્મ નંબર ૭ ભરી દેતા કોડીનાર મુસ્લિમ સમાજમાં નારાજગી વ્યાપી છે. મેહદીહસન નકવીએ આ અંગે તંત્રમાં રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે તેમણે કોડીનાર પોલીસ સ્ટેશનમાં અરજી આપી તેમના નામ નું ફોર્મ નંબર ૭ ભરનાર બ્રિજેશકુમાર વજુભાઈ જેઠવા (રહે.ડોળાસા) સામે કાર્યવાહી કરવા માગણી કરી હતી. તેમનો આક્ષેપ છે કે, આ શખ્સે કોડીનાર વિધાનસભામાં આવતા મતદાન મથકોમાં પૂર્વ આયોજન સાથે ખોટી રીતે ૩૧૭ જેટલી વાંધા અરજીઓ કરી ફોર્મ નંબર ૭ ભર્યા છે.