ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વલાદર ગામે ગત મોડી સાંજે દીપડાના હિંસક હુમલાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાયો છે. વલાદરમાં રહેતા ૫૫ વર્ષીય રસીદાબેન નૂરમોહમ્મદભાઈ બ્લોચ પોતાના કાકાના ઘરેથી પરત ફરી રહ્યા હતા, ત્યારે વંડી ટપીને અચાનક દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો. જોકે, આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા યુવકની સમયસૂચકતા અને સતર્કતાને કારણે મહિલાનો આબાદ બચાવ થયો હતો. યુવક હરસુખભાઈએ જણાવ્યું હતું કે, “હું કોડીનારથી વલાદર તરફ મારા ઘરે જઈ રહ્યો હતો. એ દરમિયાન મારી આગળ જઈ રહેલા રસીદાબેન પર રસ્તાની બાજુમાંથી અચાનક દીપડો ત્રાટક્યો હતો. મેં તરત જ જોરથી દેકારો કરતાં દીપડો મહિલાને છોડીને નાસી ગયો હતો, જેથી તેમનો જીવ બચી ગયો.” આ હુમલામાં રસીદાબેનને ડોક અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, વન વિભાગ દ્વારા ગામની આસપાસના વિસ્તારમાં ૪ થી ૫ જેટલા પાંજરાઓ મૂકી દીપડાને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.








































