(૧) દીકરા અને દુજાણાનું અભિમાન ન કરાય એ સાચું છે?
હરેશભાઇ મકનભાઈ કાવઠિયા (નવા ઉજળા)
વાહ, ઊંચું જ્ઞાન! તમારા દીકરા અને દુજાણા નસીબદાર !
(ર)કહેવાય છે કે સોના કરતા ઘડામણ મોંઘું, પણ અત્યારે સોનું પણ મોંઘું થયું છે હવે શું કરવું જોઇએ?
રાજુ એન. જોષી ધરાઈ(બાલમુકુંદ)
કહેવત બદલી નાખો. ઘડામણ કરતા સોનુ મોંઘું!
(૩)ટી શર્ટ અને બૂશર્ટ વચ્ચે શું તફાવત?
નીરવ ડણાંક (અમરેલી)
ટી(ચા) થી બગડેલો શર્ટ એટલે ટી શર્ટ અને અઠવાડિયું પહેરી રાખવાથી જેમાં બૂ આવે બુશર્ટ!
(૪)તમારું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ જાય તો તમે શું કરો?
જય દવે (ભાવનગર)
બેઠોબેઠો પ્રાઉડ ફિલ કરું!
(૫)ફૂલીફાલી ફાંદનો ફેલાવો રોકી શકાય?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
હા, શર્ટ એકદમ ફીટોફીટ પહેરવા પડે.
(૬)વાંદરા વારંવાર પોતાના શરીરને કેમ ખંજવાળે છે? બાલુભાઈ કિકાણી (લીલિયા મોટા)
એ લોકોમાં ચામડીના ડોક્ટર નથી હોતા એટલે.
(૭)તમે મારા સવાલના જવાબ કેમ મોડા આપો છો?
ઉન્નતિ મહેતા (રાજકોટ)
મારો એવો સિધ્ધાંત છે કે જવાબ ભલે મોડો આપવો પણ બીજીવાર સવાલ ઊભો ન થાય એવો આપવો!
(૮) અમુક રવિવારે તો એવું રાખો કે સવાલ તમારો અને જવાબ અમારો.. અમારો ફોટો તો પેપરમાં છપાય..!
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
એવું કરવા જાઉં તો છાપામાંથી મારો ફોટો કાયમ માટે નીકળી જાય!
(૯)સાહેબ..! તમારાં ધ્યાનમાં એવું કોઈ ખાતું છે કે જે ક્યારેય ખાતું ના હોય?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
નથી દેખાતું!
(૧૦)કોઈ સવાલ જ ઊઠતો નથી તો શું પૂછવું?
સરદારખાન મલેક (મહેસાણા)
જવાબ ઉઠાવો.
(૧૧)તમારી અટક દવે કેમ છે?
સંગીતાબેન ઓઝા (ભાવનગર)
મને પણ એ સવાલ થાય છે. કેમ કે દવે એટલે બે વેદના જાણકાર. મને એમ તો ચાર વેદના નામ આવડે છે!
(૧૨)હું નાનો હતો ત્યારે બધા મને શાળામાં મૂકવા કેમ આવતા હતા? મારો શું વાંક હશે?
નિકુંજભાઈ કરપડા (જસદણ)
આમાં વાંક તમારો નહી શિક્ષકોનો હોવો જોઈએ!
(૧૩)કવિ ગંભીરતા વધારે કેમ લેતા હશે?
પ્રકાશ સોજીત્રા (કૃષ્ણ પ્રિયતમ) (સીમરણ)
તમારે પણ કવિને ગંભીરતાથી લેવા!
(૧૪)રીંગણ અને ભીંડાની જેમ બટેટા અને કોબીજ કેમ ઘરડા થતા નથી?
કનુભાઈ પરમાર (દામનગર)
તમે તો એવી રીતે પૂછો છો જાણે હું તમારા ઘર આગળ કાયમ શાકભાજીની લારી લઈ ને ઊભો રહેતો હોઉં!
(૧૫)હોર્ન મારવું અને હોર્ન વગાડવું એ બે વચ્ચે શું તફાવત?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
આગળવાળા સાવચેત થઈ જાય એ રીતે વગાડાય એ હોર્ન વગાડ્યું કહેવાય. આગળવાળા બોમ્બ ધડાકો થયો હોય એમ ડરી જાય એને હોર્ન માર્યું કહેવાય.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..











































