સુપ્રીમ કોર્ટે શુક્રવારે દિલ્હી હાઇકોર્ટના ડિસેમ્બર ૨૦૨૫ના આદેશના એક ભાગ પર સ્ટે આપ્યો, જેમાં લોકપાલને કથિત કેશ-ફોર-ક્વેરી કેસમાં તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી સાંસદ મહુઆ મોઇત્રા સામે ચાર્જશીટ દાખલ કરવાની મંજૂરી આપવાનું વિચારવાની મંજૂરી આપવામાં આવી હતી.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જાયમલ્યા બાગચીની બનેલી બેન્ચે હાઇકોર્ટના આદેશને પડકારતી લોકપાલની અરજી પર મોઇત્રાને નોટિસ ફટકારી હતી. મહુઆ ઉપરાંત, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને ફરિયાદી નિશિકાંત દુબેને પણ નોટિસ ફટકારવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ત્રણ અઠવાડિયામાં નોટિસનો જવાબ માંગ્યો છે.
અગાઉ, ૧૯ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજના પોતાના નિર્ણયમાં, હાઈકોર્ટે લોકપાલના આદેશને રદ કર્યો હતો જેમાં સીબીઆઈને કથિત ‘કેશ-ફોર-ક્વેરી’ કૌભાંડમાં મહુઆ મોઇત્રા સામે ચાર્જશીટ દાખલ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
હાઈકોર્ટે પોતાના નિર્ણયના ફકરા ૮૯ માં જણાવ્યું હતું કે, “લોકપાલને લોકપાલ કાયદાની કલમ ૨૦ હેઠળ પરવાનગી આપવાનું વિચારવા વિનંતી કરવામાં આવે છે. આ વિચારણા ઉપર વર્ણવ્યા મુજબ કાયદાની જાગવાઈઓ અનુસાર સંપૂર્ણપણે હોવી જાઈએ. આ વિચારણા આજથી એક મહિનાની અંદર પૂર્ણ થવી જાઈએ.”
સીજેઆઈ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે હાઈકોર્ટના નિર્ણયના ફકરા ૮૯ પર સ્ટે આપ્યો હતો. તેણે લોકપાલ કાયદાની કલમ ૨૦ હેઠળ સત્તાઓ અને પ્રક્રિયાઓ સંબંધિત અરજીઓના જૂથ પર નોટિસ પણ જારી કરી હતી.
‘કેશ-ફોર-ક્વેરી’ કેસ એવા આરોપો સાથે સંબંધિત છે કે ટીએમસી સાંસદ મોઇત્રાએ એક ઉદ્યોગપતિ પાસેથી પૈસા અને ભેટોના બદલામાં લોકસભામાં પ્રશ્નો પૂછ્યા હતા. હાઇકોર્ટનો આ નિર્ણય મોઇત્રાની અરજી પર આવ્યો જેમાં તેમણે ગયા વર્ષે લોકપાલના ૧૨ નવેમ્બરના આદેશને પડકાર્યો હતો, જેમાં લોકપાલે સીબીઆઈને તેમની સામે ચાર્જશીટ દાખલ કરવાની પરવાનગી આપી હતી.
હાઇકોર્ટે પોતાનો આદેશ રદ કર્યા પછી, લોકપાલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો અને મહુઆ મોઇત્રાને નોટિસ જારી કરીને તેમનો જવાબ માંગ્યો.






































