(૧) મૃત્યુ પછીની દુનિયા કેવી હશે?
રક્ષિત વોરા ક્ષિતિજ (ગાંધીનગર)
એમાં મૃત્યુનો ભય નહી હોય.
(૨) મારે આખી દુનિયામાં ડંકો વગાડી દેવો છે. તો શું કરવું?
નીરવ ડણાંક (અમરેલી)
પહેલા નિશાળમાં રીસેસ પૂરી થાય ત્યારે બેલ વગાડતા શીખી જાઓ.
(૩) પ્યાર ચાહીએ કિ પૈસા ચાહીએ?
ધીરુભાઈ પટેલ (અમદાવાદ)
બેય આવવા દો તમતમારે.
(૪) કાનને ચશ્મા હોય?
ના, એટલે તો એ આંખના ચશ્માની દાંડી પકડી રાખે છે!
(૫) ગાંધીજી અને તમારા વચ્ચે કોઈ સમાનતા ખરી?
ઉન્નતિ મહેતા (રાજકોટ)
હા, અમને બન્નેને પુરણપોળી બહુ ભાવે!
(૬) સેલ્ફીને ગુજરાતીમાં શું કહેવાય?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
સ્વયંછબી!
(૭) હનુમાનજીના ભાઇનું નામ લખો.
બાલુભાઈ કિકાણી (લીલિયા મોટા)
ભગવાન શ્રીરામે હનુમાનજીને કહ્યું હતું કે તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ!
(૮) જીંઇ કામગીરી ચાલતી હતી ત્યારે તમને ટેન્શન આવી ગયું હતું કે નહિ?
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
એટલે જ કહું છું કે અંગ્રેજીમાં સર બોલવાને બદલે ગુજરાતીમાં સાહેબ બોલવાનું રાખો.
(૯) કેવી સ્પર્ધામાં ભાગ ન લેવાય?
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
આપણી લાગવગ ન ચાલે એવી!
(૧૦) માણસને ગુસ્સો ક્યારે આવે..?
ધોરાજીયા ચંદ્રકાન્ત એન. (સાજણટીંબા)
કોક આવો સવાલ પૂછે ત્યારે!
(૧૧) સાહેબ..! પહેલા માસ્તર મુછો કેમ રાખતા..?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
નોકરી કરતા એ ગામમાં જ રહેતા હતા એટલે!
(૧૨) કોઈ પ્યાલીમાં ભરીને પીરસે ત્યારે પાણીની જેમ ભૂલથી ચા પણ ઊંચેથી પીવાઈ જાય છે. શું કરવું?
કનુભાઈ પરમાર (દામનગર)
પ્યાલી પર લખી નાખો કે આ ચા છે અને એને મોઢે માંડવાની છે!
(૧૩) ઠંડી કેમ ઓછી પડે છે. જણાવશો ?
મુસ્તુફા કનોજિયા (રાજુલા)
થોડું વહેલાં ઉઠવાનું રાખો. દસ વાગે તો ઓછી જ લાગે.
(૧૪) જીવન સંધ્યાટાણે ગોઠણના દુઃખાવા કેમ થાય છે?
ડાહ્યાભાઈ આદ્ગોજા (લીલિયા મોટા)
મગજનો દુખાવો થાકીને નીચે ઉતર્યો હોય.
(૧૫) તાપણાં અને આપણાં બન્ને વચ્ચે શું ફરક?
હરેશભાઇ મકનભાઈ કાવઠિયા (નવા ઉજળા)
નવા ઉજળા અને જૂના ઉજળા જેટલો.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..