સરકારે લોકસભામાં માહિતી આપી હતી કે તે કેન્દ્ર હેઠળની સિવિલ પોસ્ટ્સ અને સેવાઓમાં સીધી ભરતીમાં અન્ય પછાત વર્ગો માટે ૨૭ ટકા અનામત પ્રદાન કરે છે. સામાજિક ન્યાય અને સશકિતકરણ રાજ્ય મંત્રી બી.એલ. વર્માએ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે કર્મચારી અને તાલીમ વિભાગ અનામત નીતિનો અમલ કરી રહ્યું છે. “સરકાર પાસે કર્મચારી અને તાલીમ વિભાગના ૮.૯.૧૯૯૩ ના ઓએમ (ઓફિસ મેમોરેન્ડમ) અને સમયાંતરે જારી કરાયેલ અન્ય સૂચનાઓ દ્વારા અનામત નીતિ છે, જે હેઠળ સરકાર હેઠળની સિવિલ પોસ્ટ્સ અને સેવાઓમાં સીધી ભરતીમાં ૨૭ ટકા ખાલી જગ્યાઓ ઓબીસી (સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો) માટે અનામત છે,” તેમણે એક લેખિત જવાબમાં જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે મંત્રાલય વાઇબ્રન્ટ ઇન્ડિયા માટે પીએમ યંગ એચિવર્સ સ્કોલરશીપ એવોર્ડ સ્કીમની છત્ર યોજના હેઠળ ઓબીસીના કલ્યાણ માટે પગલાં લઈ રહ્યું છે, જેમાં પ્રી-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ, શાળાઓ અને કોલેજામાં ઉચ્ચ કક્ષાનું શિક્ષણ અને ઓબીસી છોકરાઓ અને છોકરીઓ માટે છાત્રાલયોનું નિર્માણ શામેલ છે.
મંત્રીએ કહ્યું કે આ ઉપરાંત, “યુવાન એચિવર્સ માટે ઉચ્ચ શિક્ષણ શિષ્યવૃત્તિ યોજના પણ છે, જેમાં ઓબીસી માટે રાષ્ટ્રીય ફેલોશિપ અને ઓબીસી અને આર્થિક રીતે પછાત વર્ગો માટે વિદેશી અભ્યાસ માટે શૈક્ષણિક લોન પર વ્યાજ સબસિડી માટે ડા. આંબેડકર સેન્ટ્રલ સેક્ટર સ્કીમનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે ઓબીસીના કલ્યાણ માટેની યોજનાઓની સમયાંતરે તમામ હિસ્સેદારો અને સંબંધિત મંત્રાલયો અને વિભાગો સાથે પરામર્શ કરીને સમીક્ષા કરવામાં આવે છે.









































