કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ અભિનયમાં પાછા ફરવાની ઇચ્છા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તેઓ તેમની ફિલ્મ કારકિર્દી ચાલુ રાખવા માંગે છે. ત્રિશૂરના સાંસદ અને અભિનેતામાંથી રાજકારણી બનેલા ગોપીએ કન્નુરમાં એક કાર્યક્રમમાં બોલતા કહ્યું કે મંત્રી બન્યા પછી તેમની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમણે કહ્યું, “હું ખરેખર અભિનય ચાલુ રાખવા માંગુ છું. મારે વધુ કમાણી કરવાની જરૂર છે; મારી આવક સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે.”
અભિનેતામાંથી રાજકારણી બનેલા ગોપીએ કહ્યું કે તેઓ રાજ્યના સૌથી યુવા ભાજપ સભ્યોમાંના એક છે અને સૂચન કર્યું કે રાજ્યસભાના સાંસદ સી. સદાનંદન માસ્ટરને તેમની જગ્યાએ કેન્દ્રીય મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવે.
તેમણે કહ્યું, “મેં ક્યારેય મંત્રી બનવા માટે પ્રાર્થના કરી નથી. ચૂંટણીના એક દિવસ પહેલા, મેં પત્રકારોને કહ્યું હતું કે હું મંત્રી બનવા માંગતો નથી; હું સિનેમામાં મારી કારકિર્દી ચાલુ રાખવા માંગુ છું.”કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્યમંત્રીએ કહ્યું, “હું ઓક્ટોબર ૨૦૦૮ માં પાર્ટીમાં જાડાયો હતો. હું લોકો દ્વારા ચૂંટાયેલો પહેલો સાંસદ હતો, અને પાર્ટીને લાગ્યું કે મને મંત્રી બનાવવો જાઈએ.”
આ વર્ષની શરૂઆતમાં, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કન્નુરથી વરિષ્ઠ ભાજપ નેતા સદાનંદન માસ્ટરને રાજ્યસભામાં નોમિનેટ કર્યા હતા. કન્નુર જિલ્લાના વરિષ્ઠ ભાજપ નેતા સદાનંદન માસ્ટર રાજકીય હિંસાનો ભોગ બન્યા છે. ૧૯૯૪ માં સીપીઆઈ(એમ) કાર્યકરો દ્વારા કરવામાં આવેલા કથિત હુમલામાં તેમણે બંને પગ ગુમાવ્યા હતા.
આ દરમિયાન, કન્નુરમાં એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન, સુરેશ ગોપીએ આરોપ લગાવ્યો કે ઘણા લોકો તેમના શબ્દોને વિકૃત કરવા ટેવાયેલા છે. તેમણે સમજાવ્યું કે તેમના મતવિસ્તાર, ત્રિશૂરના લોકોનું વર્ણન કરવા માટે “પ્રજા” શબ્દનો ઉપયોગ કરવા બદલ તેમની ટીકા થઈ હતી. ગોપીએ કહ્યું કે લોકો શબ્દનો ઉપયોગ કરવામાં શું ખોટું છે?









































