કેન્દ્ર સરકારે બુધવારે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા. આ માહિતી આપતાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વીની વૈષ્ણવે જણાવ્યું હતું કે ઘઉંનો એમએસપી પ્રતિ કવિન્ટલ ૧૬૦ વધારીને ૨,૫૮૫ પ્રતિ કવિન્ટલ કરવામાં આવ્યો છે. સરકારનો અંદાજ છે કે ૨૦૨૬-૨૭ રવિ સિઝનમાં ૨૯૭ લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી થશે. કેન્દ્રીય મંત્રી અશ્વીની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “રવી સિઝન માટે એમએસપીમાં વધારાથી આપણા ખેડૂત ભાઈઓની મહેનતથી કમાયેલા પૈસામાં કુલ ૮૪,૨૬૩ કરોડનો ઉમેરો થશે… રવી સિઝન ૨૦૨૬-૨૭ દરમિયાન અંદાજિત ખરીદી ૨૯૭ લાખ મેટ્રિક ટન થવાની ધારણા છે અને પ્રસ્તાવિત એમએસપી પર ખેડૂતોને ચૂકવવાની રકમ ૮૪,૨૬૩ કરોડ છે.”
મંત્રીમંડળના નિર્ણયો અંગે પત્રકારોને સંબોધતા, કેન્દ્રીય મંત્રી અશ્વીની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “રવી સિઝન માટે એમએસપી વધારવાનો નિર્ણય આપણા ખેડૂતોને તેમની મહેનત માટે લાભદાયી રહેશે.સીએસીપીની ભલામણોના આધારે, છ મુખ્ય રવિ પાક માટે એમએસપી મંજૂર કરવામાં આવ્યા છેઃ ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો, સરસવ અને સૂર્યમુખી. આ નીતિ ખાતરી કરે છે કે દરેક પાક માટે એમએસપી ઉત્પાદન ખર્ચ કરતાં ઓછામાં ઓછું ૫૦% માર્જિન પૂરું પાડે છે.”
કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “ભારત વિશ્વમાં કઠોળના સૌથી મોટા ઉત્પાદકો અને ગ્રાહકોમાંનો એક છે. ભાજપના ૨૦૨૪ના ચૂંટણી ઢંઢેરામાં કઠોળ માટે એક મિશનની હાકલ કરવામાં આવી હતી, અને અમે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા અને આયાત ઘટાડવા માટે ૧૧,૪૪૦ કરોડનું મિશન શરૂ કરી રહ્યા છીએ. આ પહેલનો ઉદ્દેશ્ય સુધારેલા બીજ સાથે ઉત્પાદકતામાં સુધારો કરવાનો, ૨૭.૫ મિલિયન હેક્ટરથી ૩૧ મિલિયન હેક્ટર સુધી ખેતીનો વિસ્તાર કરવાનો અને ખેતીથી સંગ્રહ સુધીની સમગ્ર મૂલ્ય શૃંખલાને મજબૂત બનાવવાનો છે. ધ્યેય ૮૮૧ કિલોગ્રામ પ્રતિ હેક્ટર ઉપજથી ૧,૧૩૦ કિલોગ્રામ સુધી વધારવાનો છે, જેનાથી ઉત્પાદનમાં વધારો થાય છે અને આત્મનિર્ભરતા સુનિશ્ચિત થાય છે.
કેન્દ્રીય મંત્રીમંડળે આસામમાં કાલિયાબાર-નુમાલીગઢ રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૭૧૫ ના ૮૬ કિલોમીટરના પટને ચાર-માર્ગીય બનાવવાને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટનો ખર્ચ ૬,૯૫૭ કરોડ થશે. તેમાં કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન દ્વારા ૩૪ કિલોમીટરના એલિવેટેડ વાયાડક્ટનું બાંધકામ શામેલ હશે.
કેન્દ્ર સરકાર ‘બાયોમેડિકલ રિસર્ચ કરિયર પ્રોગ્રામ’ (તબક્કો ૩) ને પણ મંજૂરી આપી છે. આ યોજના પર ૧,૫૦૦ કરોડ ખર્ચવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય તબીબી અને વૈજ્ઞાનિક સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે.
તેમણે વધુમાં કહ્યું, “જો તમે નોંધ્યું હોય, તો વડા પ્રધાન મોદીના ઐતિહાસિક ત્રીજા કાર્યકાળ દરમિયાન, મંજૂર કરાયેલી પ્રથમ નીતિઓમાંની એક બાયો-ઈ૩ હતી, જે આઇટી સેમિકન્ડક્ટર અને છૈં જેવા સંભવિત બાયોમેડિકલ, બાયોસાયન્સ અને બાયોટેકનોલોજી ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી. બાયોમેડિકલ, બાયોફિઝિક્સ, બાયોટેકનોલોજી અને બાયોસાયન્સ મુખ્ય વિકાસ ક્ષેત્રો તરીકે ઉભરી રહ્યા છે અને તેમને ઉચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.