અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર સનસનાટીભર્યો દાવો કર્યો છે. ટ્રમ્પે કહ્યું છે કે કેનેડા યુનાઇટેડ સ્ટેટ્‌સનું ૫૧મું રાજ્ય બનવાનું વિચારી રહ્યું છે. ટ્રમ્પના મતે, અમેરિકા અને કેનેડા વચ્ચેનો આ સોદો ગોલ્ડન ડોમ એર ડિફેન્સ સિસ્ટમ વિશે હોઈ શકે છે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું હતું કે કેનેડાને તેમની પ્રસ્તાવિત ‘ગોલ્ડન ડોમ’ મિસાઇલ સંરક્ષણ પ્રણાલીમાં મફતમાં સામેલ કરી શકાય છે, પરંતુ જો તે યુનાઇટેડ સ્ટેટ્‌સનું ૫૧મું રાજ્ય બનવા માટે સંમત થાય તો જ. નહિંતર, તેમણે ચેતવણી આપી હતી કે, તેનો ખર્ચ કેનેડાને યુએસ ડો.૬૧ બિલિયન થશે. ટ્રમ્પે વધુમાં દાવો કર્યો હતો કે કેનેડા યુએસનું ૫૧મું રાજ્ય બનવા માટે એક અસામાન્ય પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે. જો કે, કેનેડિયન અધિકારીઓએ હજુ સુધી ડોનાલ્ડ ટ્રમ્પના આ દાવાનો જવાબ આપ્યો નથી.
તાજેતરમાં, કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નેએ પુષ્ટિ આપી હતી કે તેમની સરકાર અમેરિકાના પ્રસ્તાવિત ‘ગોલ્ડન ડોમ’ મિસાઇલ સંરક્ષણ કાર્યક્રમમાં જોડાવા માટે અમેરિકા સાથે વાતચીત કરી રહી છે. પીએમ કાર્નેએ કહ્યું, “શું આ કેનેડા માટે સારો વિચાર છે? હા, આપણા નાગરિકોની સુરક્ષા માટે પગલાં લેવા જરૂરી છે.” તેમણે એમ પણ કહ્યું કે આ મુદ્દા પર ટ્રમ્પ સાથે સીધી વાતચીત થઈ છે અને હાલમાં વરિષ્ઠ અધિકારીઓના સ્તરે ચર્ચાઓ ચાલી રહી છે. કાર્નેએ એ પણ ભાર મૂક્્યો કે આગામી સમયમાં કેનેડાને સંભવિત મિસાઇલ જાખમોનો સામનો કરવો પડી શકે છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં અમેરિકા માટે અદ્યતન મિસાઇલ સંરક્ષણ કાર્યક્રમનું વચન આપ્યું હતું. આ ક્રમમાં, અમેરિકાએ ગોલ્ડન ડોમ મિસાઇલ સંરક્ષણ શીલ્ડ બનાવવાની જાહેરાત કરી છે. તેની અંદાજિત કિંમત ૧૭૫ બિલિયન હોવાનો અંદાજ છે. એવું માનવામાં આવે છે કે ગોલ્ડન ડોમ વર્ષ ૨૦૨૯ સુધીમાં તૈયાર થઈ જશે. ડોનાલ્ડ ટ્રમ્પનો બીજા કાર્યકાળ પણ આ સમય દરમિયાન સમાપ્ત થશે.
ગોલ્ડન ડોમ કેવી રીતે કાર્ય કરશે
૧. પ્રક્ષેપણ પહેલાં લક્ષ્યને શોધી કાઢવું અને તેનો નાશ કરવો.
૨. ઉડાનના પ્રારંભિક તબક્કામાં મિસાઇલને રોકવી.
૩. ઉડાનના મધ્ય તબક્કામાં હવામાં મિસાઇલનો નાશ કરવો.
૪. લક્ષ્ય સુધી પહોંચવાની તૈયારીમાં હોય ત્યારે અંતિમ તબક્કામાં મિસાઇલને રોકવી.