કેનેડામાં  ખાલિસ્તાનીઓની પ્રવૃત્તિઓ અને તેમને મળતી નાણાકીય મદદ અંગે એક મોટો ખુલાસો થયો છે. કેનેડા સરકારના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં ખાલિસ્તાની આતંકવાદીઓ અને તેમના જૂથોને ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે. કેનેડા સરકારે પહેલીવાર સ્વીકાર્યું છે કે બબ્બર ખાલસા, ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન અને શીખ ફોર જસ્ટીસ જૂથો તેની ધરતી પર કામ કરી રહ્યા છે અને તેમને નાણાકીય મદદ મળી રહી છે. આ અહેવાલ મહત્વપૂર્ણ છે કારણ કે ખાલિસ્તાનનો મુદ્દો ભારત અને કેનેડા વચ્ચે તણાવનું કારણ બન્યો છે.

કેનેડાના નાણાં વિભાગના મની લોન્ડરિંગ અને આતંકવાદી ભંડોળ સંબંધિત અહેવાલમાં ખાલિસ્તાનીઓ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ખાલિસ્તાની જૂથો કેનેડા સહિત ઘણા દેશોમાંથી ભંડોળ એકત્ર કરી રહ્યા હોવાની શંકા છે. અહેવાલમાં હિંસક ઉગ્રવાદ નિવારણ શ્રેણી હેઠળ હમાસ અને હિઝબુલ્લાહ જેવા જૂથો વચ્ચે નાણાકીય સંબંધોનો સંકેત આપવામાં આવ્યો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,’કેનેડામાં ક્રિમિનલ કોડ હેઠળ સૂચિબદ્ધ હમાસ,હિઝબુલ્લાહ, બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ અને ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન જેવા સંગઠનો અને પીએમવીઇ શ્રેણી હેઠળ આવતા જૂથોને કાયદા અમલીકરણ અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા કેનેડા તરફથી નાણાકીય સહાય મળતી જાવા મળી છે. આ જૂથો ડ્રગ દાણચોરીમાં ચેરિટેબલ ફંડનો ઉપયોગ કરી રહ્યા છે.

રિપોર્ટમાં કેનેડાને આતંકવાદી ભંડોળનું કેન્દ્ર તરીકે વર્ણવવામાં આવ્યું છે. તે ખાલિસ્તાની આતંકવાદીઓ દ્વારા બિન-લાભકારી ક્ષેત્રના દુરુપયોગ અને ઇમિગ્રન્ટ્‌સ પાસેથી મળેલા દાન તરફ પણ નિર્દેશ કરે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ જૂથો પાસે પહેલા કેનેડામાં ભંડોળ એકત્ર કરવાનું મોટું નેટવર્ક હતું. હવે તેમાં એવા વ્યક્તિઓનો સમાવેશ થાય છે જે હેતુ પ્રત્યે વફાદારી ધરાવે છે અને કોઈ ચોક્કસ જૂથ સાથે જોડાયેલા નથી.

રિપોર્ટમાં ક્રાઉડફંડિંગ, ક્રિપ્ટોકરન્સી અને આ જૂથો માટે ભંડોળ એકત્ર કરવાની અન્ય પદ્ધતિઓ ઓળખવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ આતંકવાદી જૂથો તેમના કાર્ય માટે વિવિધ નાણાકીય પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. આમાં  બેંકિંગ ક્ષેત્રોનો દુરુપયોગ, ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ, રાજ્ય ભંડોળ, ચેરિટી, એનપીઓ ક્ષેત્રનો દુરુપયોગ અને ગુનાહિત પ્રવૃત્તિનો સમાવેશ થાય છે.

ખાલિસ્તાનીઓના વીડિયો અને નિવેદનો સતત કેનેડાથી આવી રહ્યા છે. જોકે, કેનેડા સરકારે આ અંગે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. કેનેડાના ભૂતપૂર્વ વડા પ્રધાન જસ્ટીન ટૂડો પર ખાસ કરીને ખાલિસ્તાનીઓની પ્રવૃત્તિઓ પર મૂક પ્રેક્ષક રહેવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જસ્ટીન ટૂડો પછી પીએમ બનેલા માર્ક કાર્નીએ પણ હજુ સુધી ખાલિસ્તાનીઓ પર કડક વલણ અપનાવ્યું નથી.