ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૯મી સીઝન ૨૮ માર્ચથી શરૂ થશે, અને તમામ ૧૦ ફ્રેન્ચાઇઝીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોલકાતા નાઈટ રાઈડર્સે ૧૩ માર્ચની સાંજે એક મોટી જાહેરાત કરી હતી, જેમાં મુસ્તફિઝુર રહેમાનના રિપ્લેસમેન્ટનો ખુલાસો થયો હતો. કેકેઆરએ આગામી સીઝન માટે ૬ ફૂટ ૮ ઈંચ ઊંચા ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર બ્લેસિંગ મુઝારબાનીનું નામ પોતાની ટીમમાં રાખ્યું છે. મુઝારબાની અગાઉ આગામી પાકિસ્તાન સુપર લીગમાં ઈસ્લામાબાદ યુનાઈટેડ તરફથી રમવાના હતા, પરંતુ હવે તેમણે નામ પાછું ખેંચી લીધું છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને તેમની ટીમમાંથી બહાર કરવાથી ઘણો વિવાદ થયો હતો.આઇપીએલ ૨૦૨૬ના પહેલા તબક્કાના શેડ્યૂલની જાહેરાત સાથે, બધાની નજર રિપ્લેસમેન્ટ ખેલાડીની જાહેરાત પર હતી, જેની જાહેરાત કેકેઆરએ હવે કરી છે.કેકેઆરએ બ્લેસિંગ મુઝારબાનીને પોતાની ટીમમાં ઉમેર્યો અને એ પણ પુષ્ટિ કરી કે તે ૧૭ માર્ચે ટીમમાં જાડાશે. બ્લેસિંગ મુઝારબાનીને અગાઉ આઇપીએલ ૨૦૨૬ ની હરાજીમાં પસંદ ન કરવામાં આવ્યા પછી, તે પછીથી પીએસએલ તરફ વળ્યો, જ્યાં તેને ઇસ્લામાબાદ યુનાઇટેડ દ્વારા કરારબદ્ધ કરવામાં આવ્યો હતો અને રમવાની અપેક્ષા હતી, પરંતુ હવે તે આઇપીએલમાં રમતા જાવા મળશે.
આઇપીએલ અને પીએસએલ સતત બીજા વર્ષે એકસાથે યોજાઈ રહ્યા છે. પાકિસ્તાન સુપર લીગમાં ટીમનો ભાગ બન્યા પછી આ બીજી વખત છે જ્યારે કોઈ ખેલાડીએ આઇપીએલમાં રમવાનો નિર્ણય લીધો છે. બ્લેસિંગ મુઝારબાની પહેલા, કોર્બિન બોશે પણ ગયા સિઝનમાં આવું જ કર્યું હતું જ્યારે તેને પીએસએલમાં પેશાવર ઝાલ્મી દ્વારા કરારબદ્ધ કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેણે મુંબઈઇન્ડિયન માટે રમવાનું નક્કી કર્યું અને પીએસએલમાંથી ખસી ગયો.