પોલીસ શા માટે વાસ્તવિક દારૂબંધી લાવી શકતી નથી?
પોલીસ ગુજરાતમાં વાસ્તવિક દારૂબંધી આટલા વર્ષોમાં અમલી બનાવી શકી નથી તેના પોલીસ દ્વારા લેવાતા હપ્તા સહિતના અનેક કારણો છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પકડાયેલ આરોપીને દારુ આપી જનારનું નામ ખોલાવીને તેની સામે પણ ગુનો દાખલ થાય છે. એટલે ઉપલી સપાટી ઉપર આપણને એમ લાગે કે પોલીસ દારૂના કેસમાં ઊંડા ઉતરીને તેમાં જે જે કોઈ સંડોવાયેલા છે તેના સુધી પહોંચે છે અથવા પહોચવા માગે છે. પરંતુ પોલીસના પ્રોહિબીશનલ ડ્રામાનું આ એક ફિલ્મી સ્ટાઇલનું રૂપ છે. એટલે કે આ કેસમાં પોલીસ બંને આરોપીને પકડીને જામીન-બામીન વિધિ કે “જે કંઈ થતી હોય તે” વિધિ કરીને “જય ભારત” કરી નાખશે. વાસ્તવમાં આવા કેસમાં આરોપીની કોલમમાં તપાસના કામે જેના નામ ખૂલે તે તમામ સામે એફઆઇઆર થવી જોઈએ. એટલે કે સુનિલને દારૂ આપી જનાર નાગા’જણ’ સામે તો હ્લૈંઇ થાય છે પરંતુ નાગાજણને પણ કોઈ આપી ગયું છે તેનું શું? અને તેને આપી જનારને પણ કોઈ આપી ગયું છે તેનું શું? અને તે આપી જનારના આપી જનારના આપી જનારને પણ કોઈ આપી જનારું છે તથા તેને આપી જનાર નાગા’જણ’ પણ કોઈ છે. પોલીસે તમામ આપી જનારાઓના આપી જનારાઓ સુધી પહોંચવું જોઈએ કારણકે પાઘડીનો વળ છેડે જે જગ્યાએ આવ્યો છે તે વળ તમામ આપી જનારાઓને આપી જનાર કોઈ એક વ્યક્તિ સુધી પહોંચે છે અને પોલીસે આ ગુનાના કામે ત્યાં સુધી પહોંચવું જોઈએ તો જ સાચી અને સાયન્ટિફિક તપાસ થઈ ગણાય.
બાકી તો દારૂના કેસમાં તપાસના નામે બોંતેર જાતનાં ડિંડક ચાલે છે. તોંતેર જાતના તીક્ડમ ચાલે છે. દારૂબંધી ખરેખર આવી જાય તો અમુક પોલીસ અધિકારીઓની સાઈડ ઇન્કમનું શું? પોલીસમાં સારા અધિકારીઓ આવે છે પણ તેની નીચેના હપ્તાખાઉં અધિકારીઓ એ પ્રમાણિક અધિકારીઓને પણ ઉલ્લુ-ગુલ્લુ બનાવે છે. એટલે જ ગુજરાતમાં હવે બહુ મોટો વર્ગ એવું માને છે કે પોલીસને જો ખરેખર દારૂબંધી અમલમાં લાવવી જ ન હોય તો પછી દારૂબંધી હટાવી દો. સરકારને કાયદેસર ઇન્કમ આવતી તો થાય. ચોરીછૂપીથી લોકો દારૂ પીવે છે તેના કારણે અવારનવાર થતા લઠ્ઠાકાંડ પણ બંધ થાય અને લોકો ચોખ્ખો દારૂ પીતા પણ થાય. દારૂની છૂટ મળી જવાથી ગુજરાતમાં અરાજકતા ફેલાઈ જશે અને દારૂડિયાઓ ગામ આખાને અને સમાજ આખાને માથે લેશે એવું માનવું પણ ભૂલભરેલું છે. ઊલટાનું દારૂનો મેળ પડતાની સાથે જ અમુક લોકો દારૂ ક્યારેય જોયો જ ન હોય એ રીતે પીને ચિક્કાર થતા અટકી જશે. અત્યારે દારૂનો મેળ પડતાની સાથે જ અમુક ગુજરાતીઓ ઢમઢોલ થઈ જાય છે. દારૂની છૂટ હોય તો આ લોકો માપમાં રહેવાનું શીખે. અને માપમાં રહે તો એમના આરોગ્યને અને સમાજને ફાયદો થાય.
કાં દારૂબંધી હટવી જોઈએ અને કાં તેનો સો ટકા અમલ થવો જોઈએ.
પણ એક વાત નક્કી છે કે ગુજરાતમાં જ્યાં સુધી દારૂબંધી છે ત્યાં સુધી પોલીસ દારૂના દુષણને નષ્ટ નહીં કરી શકે. અને જો દારૂબંધી હટી જશે તો અમુક લોકોને દારૂમાંથી રસ પણ હટી જશે. કારણ કે દારૂની છૂટ મળવાની સાથે જ અમુક લોકોને દારૂ પીવાનો રોમાંચ દારૂબંધીના કારણે મળે છે તે ખતમ થઈ જશે. અમુક લોકોને દારૂથી નશો નથી ચડતો પણ દારૂબંધી હોવા છતાં પોતે પી શકે છે એ વાત નશો છે.