વિશ્વ એક પરિવાર છે તેવી ભાવના નિર્માણ કરીને પરિવાર સાથે બેસીને દેવીદેવતાઓ, સંસ્કૃતિ, ધર્મ, રીત રિવાજો, પારિવારિક પ્રશ્નો, સામાજિક સેવાકીય બાબતો અને મદદ તેમજ દેશભક્તિ વિશે ચર્ચા કરવાનું મેદાન એટલે કુટુંબ પ્રબોધન.. પ્રથમ એકતાની શરૂઆત પરિવાર માટે થાય છે ત્યારબાદ પાડોશીઓ સાથેની વર્તણુક અને વ્યવહાર અને આત્મીયતા ઊભી થશે. ચંદનનું વૃક્ષ આગમાં હોય કે બાગમાં, પોતાની સોડમ સુગંધ છોડતું નથી. તેમ પારિવારિક સ્નેહ સમાજમાં જ્યારે તેનું વિસ્તૃતિકરણ કરે છે ત્યારે તેનું ફળ અચૂક મળે છે.
બાળકોમાં શિષ્ટાચાર અને સમજણ આપનાર જો કોઈ પ્લેટફોર્મ હોય તો તે કુટુંબ પ્રબોધન છે. આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) દ્વારા પરિવાર સાથે મળીને ભોજન કરવા માટે એક સુંદર પ્રયત્ન ‘કુટુંબ પ્રબોધન’ હેઠળ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જેના દ્વારા તમામ પરિવારજનો સાથે મળી ઓછામાં ઓછુ અઠવાડિયામાં એક વખત સાથે ભોજન કરી શકે. આમ તો ભોજન બધાએ સાથે જ કરવું જોઈએ. ભોજન એ પ્રસાદ છે. પ્રભુ સ્મરણ સાથે ભોજન લેવાથી આંતરિક શક્તિઓ પ્રબળ બને છે.
કુટુંબ પ્રબોધન પ્રોજેક્ટમાં હાલ અર્થશાસ્ત્રના નિવૃત્ત પ્રોફેસરોને જોડવામાં આવ્યા છે. જેના દ્વારા ૨૨ વિભાગો થકી દેશભરમાં આ આયોજન હાથ ધરવામાં આવશે. આરએસએસના કાર્યક્ષેત્રમાં જ્યારે પ્રવાસ ખેડવાનો આવે, આરએસએસમાં કોઇને ત્યાં રોકાણ કરવાનું થાય ત્યારે હોટલને બદલે સહકાર્યકર્તાઓને ત્યાં સમય વિતાવવા માટે વધારે ઉચિત માનવામાં આવે છે. ‘કુટુંબ પ્રબોધન’ પણ તેનું જ એક વધારાનું પગલું છે. જેમાં કુટુંબ ભાવનાના વિકાસથી આ પરિવાર સાથે સમય ગાળવાનું સુંદર આયોજન હાથ ધરાશે. કેટલાક વ્યક્તિઓ અને પરિવાર સાથે સંઘની વિચારધારા જણાવી શકાય અને સમજાવી શકાય. હર ઘર સંઘ.. આ બાબત આજના સમયની અનિવાર્યતા છે. રાષ્ટ્રભક્તિ તેમજ કૌટુંબિક ભાવનાને વ્યાપક બનાવવાનું અભિયાન છે.
‘કુટુંબ પ્રબોધન’ એટલે સાથે બેસવું અને સાથે ખાવું તેમજ તેનાથી વિશેષ એક પગલું છે. અમે વધુમાં વધુ પરિવાર સાથે બેસી અને ચર્ચા કરી શકાય તેમજ સૂચનો આપી શકાય તે હેતુથી આ કાર્યક્રમમાં ખાસ ગુણવત્તાયુક્ત બાબતોને પ્રાધાન્ય આપીને સમાજના વિવિધ પ્રશ્નોને વાચા આપવામાં આવી છે. દેશની રાજનીતિ, સામાજિક ફિલ્મ અને ક્રિકેટ અને દેશી રમતો પર ચર્ચા કરીને દેશનું ગૌરવ સ્થાપિત કરવું તેમજ સાથે ભોજન લેવું અને એકબીજા પરિવારજનોના દેવીદેવતાઓ, સંસ્કૃતિ, ધર્મ અને દેશભક્તિ વિશે ચર્ચા કરવાનું હાલ આયોજન ચાલી રહ્યું છે. આ આયોજન અંતર્ગત કોઇ સ્માર્ટફોનને અવકાશ નહીં આપવામાં આવે. અમે આ આયોજન હાલ શાંતિપૂર્વક રીતે ધાર્મિક પ્રક્રિયાઓ દ્વારા પરિવાર વચ્ચે નવી જ લાગણી અને ભાવના તેમજ લોકો વચ્ચે પ્રેમની સ્થાપના કરવા માટે કુદરતી રસ્તો અપનાવવા માગીએ છીએ. ઘણા બધા પ્રોજેક્ટની જેમ ‘કુટુંબ પ્રબોધન’ પણ સફળ થશે. તેના તબક્કાઓ રહેશે. પ્રથમ તબક્કામાં અમે પરિવાર સાથે બેસીશું, બીજામાં અમે પાડોશીઓનો ઉમેરો કરીશું, ત્યારબાદ આ તબક્કાઓ સતત ઉમેરાતા રહેશે કે જેનો કોઇ અંત નથી. જેના દ્વારા આરએસએસનું સુત્ર ‘વસુધૈવ કુટુંબકમ’ ખરા અર્થમાં ચરિતાર્થ થશે.
ભારતની સમાજની સાથે પારિવારિક વ્યવસ્થા અગત્યની છે. પરિવારો વચ્ચે આંતરકલહ અને વેરઝેરનું ભાવાવરણ કાયમ માટે દૂર થાય અને શાંતિ અને સમજણનું વાતાવરણ નિર્માણ થાય તેવો પ્રયાસ છે. કૌટુંબિક ભાવના એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પરિવારમાં સમજણ આવશે એટલે મોટાભાગના પ્રશ્નો સોલ્વ થઈ જશે. મદદ અને સહકારની ભાવના નિર્માણ થશે. પરિવારથી રાષ્ટ્ર પરત્વે નિષ્ઠા સ્થાપિત થશે. આધ્યાત્મિકતાની સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાશે. બાળકોમાં સંસ્કાર, સમજણ અને સહકાર આ ત્રિવેણી વ્યવસ્થા પરિવારમાંથી નિર્માણ થશે. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહીએ તો ‘ગર્વ સે કહો હમ હિન્દુ હૈ’ હિન્દુ હોવાનું ગૌરવ સૌ ભારતવાસીઓને હોવું જોઈએ.
mo.૯૮૨૫૭૦૨૨૮૨












































