અમરેલી જિલ્લાના કુંકાવાવ-વડીયા તાલુકાના સૂર્યપ્રતાપગઢ મુકામે “સર્વ શિક્ષા અભિયાન” હેઠળ અંદાજે રૂ. ૧.૨૫ કરોડના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક શાળાના અદ્યતન નૂતન બિલ્ડિંગનું ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સૂર્યપ્રતાપગઢ મુકામે નવનિર્મિત શાળાના અદ્યતન બિલ્ડિંગમાં બાળકો માટે સ્માર્ટ કલાસરૂમ, પીવાના પાણી અને સેનિટેશન, ફાયર સેફ્‌ટી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. કાર્યક્રમ દરમિયાન શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે શીલ્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. નવનિર્મિત શાળાના અદ્યતન બિલ્ડિંગ લોકાર્પણ પ્રસંગે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું કે, ગ્રામ્યથી શહેર કક્ષા સુધી શિક્ષણ, આરોગ્ય, વીજળી સહિતના તમામ ક્ષેત્રમાં સર્વાંગી વિકાસની રાજ્ય સરકારની નેમ છે. જિલ્લામાં પ્રાથમિક શાળાઓના નવા બિલ્ડિંગોના બાંધકામની કામગીરી ઝડપભેર આગળ ધપી છે. વિવિધ શાળાઓના મંજૂર થયેલ પૈકી ૯૦ ટકા બિલ્ડિંગોના કામ પૂર્ણ થયા છે. તેમણે ઉમેર્યું કે, તાજેતરમાં રાજ્ય સરકારે પંચરોજકામ આધારે રૂ. ૧૦ હજાર કરોડનું રાહત પેકેજ ખેડૂતોને આપ્યું હતું. જે રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય હતો. ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કુંકાવાવ-વડીયાના ભાયાવદર મુકામે પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગના બાંધકામનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અહીં અંદાજે રૂ. ૭૫ લાખના ખર્ચે પ્રાથમિક શાળાનું નવું બિલ્ડિંગ,૧૦૦ મીટર લંબાઈની દિવાલ બનશે. કામ ઝડપભેર આગળ ધપશે. ઉપરાંત દેવગામ મુકામે અંદાજે કુલ રૂ.૩૧ લાખના ખર્ચે પુર સંરક્ષણ દિવાલના વિકાસકામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સૂર્યપ્રતાપગઢ મુકામે નવનિર્મિત પ્રાથમિક શાળાના લોકાર્પણ પ્રસંગે કથાકાર ઘનશ્યામબાપુ, તાલુકા પંચાયત હોદ્દેદારો, અન્ય પદાધિકારીઓ, સરપંચ પ્રવિણભાઈ વઘાસીયા, ઉપસરપંચ, સભ્યો, બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કુંકાવાવ-વડીયાના ભાયાવદર અને દેવગામ મુકામે ક્રમશ પ્રાથમિક શાળાના નૂતન બિલ્ડિંગ અને પુર સંરક્ષણ દિવાલના વિકાસકામના ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા પંચાયત હોદ્દેદારો, સરપંચો, સભ્યો, બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.