કુંકાવાવ તાલુકાના તાલાળી ગામની વાડીમાં મગફળી કાઢતી વખતે એક પુરુષનો પગ થ્રેસરમાં આવી જતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. મનસુખભાઈ વલ્લભભાઈ બુટાણી (ઉ.વ.૫૨) એ જાહેર કર્યા મુજબ, તાલાળી ગામની સીમમાં હિતેશભાઈ જયંતીભાઈ બુટાણી પોતાના પરિવારના સભ્યો સાથે વાડીમાં થ્રેસર દ્વારા મગફળી કાઢવાનું કામ કરી રહ્યા હતા. કામ દરમિયાન અચાનક તેમનો સંતુલન બગડતા અથવા અન્ય કોઈ કારણોસર તેમનો ડાબો પગ હલરના કાઉન્ટર ભાગમાં આવી ગયો હતો. મશીનની ગતિ વધુ હોવાથી પગમાં ગંભીર ઇજાઓ થતાં તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. ઘટના બાદ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ખેતીની સીઝન ફૂલ જોશમાં ચાલતી હોય ત્યારે થ્રેસર અને અન્ય મશીનો ચલાવતી વખતે ખેડૂતો અને શ્રમિકોએ વિશેષ સાવચેતી રાખવી અનિવાર્ય બની છે.







































