એક વખત બધાં શાકભાજી વાતોએ વળગ્યા. બટાકાભાઈ પોતે રાજા હોય એમ વટમાં રહેતા. ભીંડાભાઈ પોતાની લંબાઈના ગુણગાન ગાતા અને ટામેટાભાઈ તો લાલચોળ થઈને હંમેશા મસ્તીમાં રહેતા.
પણ આ બધામાં કારેલાભાઈ એક ખૂણામાં એકલા બેઠા રહેતા. એમનું શરીર ખરબચડું, સ્વાદ કડવો અને સ્વભાવ થોડો ગુસ્સાવાળો હતો. જ્યારે પણ કોઈ શાકભાજી એમની પાસે જતું, ત્યારે કારેલાભાઈ કહેતા, ‘જો ભાઈ, મારાથી દૂર રહેજો, નહીંતર કડવા થઈ જશો!’
એક દિવસ બધા શાકભાજીઓએ નક્કી કર્યું કે આપણે ‘બેસ્ટ વેજીટેબલ’ની સ્પર્ધા રાખીએ. બટાકાએ કહ્યું, ‘હું તો બધાંનો ફેવરિટ છું, ચિપ્સ બનીને બાળકોનાપેટમાં જાઉં છું!’ રીંગણભાઈ બોલ્યા, ‘મારા માથે તો કુદરતી તાજ છે, એટલે રાજા તો હું જ કહેવાઉં.’
કારેલાભાઈ આ સાંભળીને બોલ્યા, ‘અરે ભાઈ, મને તો કોઈ જોવે છે તોય મોઢું બગાડે છે. બાળકો તો મારું નામ સાંભળીને થાળી લઈને ભાગી જાય છે! પણ યાદ રાખજો, જે કડવું હોય એ જ ગુણકારી હોય છે!’
બધાં શાકભાજી ખડખડાટ હસવા લાગ્યા. ‘કારેલાભાઈ, તમે હવે કડવા પ્રવચન આપવાનું બંધ કરો! તમારો ભાવ કોઈ પૂછતું નથી!’ ટામેટાએ મજાક ઉડાવી.
એટલામાં સમાચાર આવ્યા કે જંગલના રાજા સિંહને પેટમાં બહુ દુઃખાવો ઉપડ્યો છે. સિંહ રાજાએ જાહેરાત કરી કે જે શાકભાજી એમનો દુઃખાવો મટાડશે, તેને ‘જંગલ રત્ન’નો ખિતાબ આપવામાં આવશે.
સૌથી પહેલાં બટાકાભાઈ ગયા. સિંહે બટાકા ખાધા પણ પેટનો દુઃખાવો મટવાને બદલે વધ્યો. પછી ભીંડાભાઈ ગયા, પણ સિંહને કાંઈ ફેર પડ્યો નહીં! ટામેટાભાઈ તો સિંહની ત્રાડ સાંભળીને જ લાલમાંથી સફેદ થઈ ગયા અને ભાગી ગયા.
છેવટે કારેલાભાઈ હિંમત કરીને આગળ આવ્યા. તેમણે કહ્યું, ‘મહારાજ, આમ તો મારો સ્વાદ બધાને અપ્રિય છે. પણ જો તમને કોઈ વાંધો ન હોય તો મારું જ્યૂસ પીવો. જ્યૂસ થોડું કડવું લાગશે પણ તમારા પેટનો દુઃખાવો જરૂર મટી જશે.’
સિંહને થયું લાવને પ્રયોગ કરી જોઉં. એમ કરીને સિંહે જ્યૂસ પીધું. સિંહ રાજાએ જેવું કારેલાનું જ્યૂસ પીધું, કે એમના મોઢાના હાવભાવ બદલાવા માંડ્યા! સિંહ રાજા તો કડવાશને લીધે કૂદવા લાગ્યા. ‘અરે બાપ રે! આ મેં શું પીધું? મારું આખું મોઢું કડવુંવખ થઈ ગયું.’ સિંહના મોઢાના હાવભાવ જોઈને બધા પ્રાણીઓ હસવા લાગ્યા.
પણ થોડીવારમાં જ જાણે ચમત્કાર થયો! મિનિટોમાં જ સિંહ રાજાનો પેટનો દુઃખાવો ગાયબ થઈ ગયો. સિંહ રાજા એકદમ ફ્રેશ થઈ ગયા. તેમણે હસતાં હસતાં કહ્યું, ‘કારેલાભાઈ, તમારી કડવાશમાં તો જાદુ છે હોં! ભલે મારું મોઢું બગડ્યું, પણ મારા
પેટનો દુઃખાવો મટી ગયો’
બીજે દિવસે જ્યારે કારેલાભાઈ બજારમાં પાછા આવ્યા, ત્યારે એમનો વટ જોવા જેવો હતો! હવે તે ગીત ગાતા હતાઃ
‘કારેલું ભાઈ કારેલું,
હું છું કડવું કારેલું,
ગુણનો ભંડાર કારેલું,
પેટ સુધારે કારેલું!
બટાકા અને ટામેટા હવે કારેલાભાઈની મજાક ઉડાવવાને બદલે તેમને માનથી જોવા લાગ્યા. બાળકો પણ હવે કારેલાનું શાક જોઈને ભાગતા નહીં, કારણ કે તેમને ખબર પડી ગઈ કે કારેલું તો ‘સુપરહીરો’ છે. ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭











































