અમરેલી જિલ્લા કલેકટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરે અમરેલી જિલ્લાની માર્ગ સલામતીની કામગીરીની સમીક્ષા કરતા વાહનચાલકોની સલામતી માટે સંબંધિત અધિકારીઓને જરુરી દિશાનિર્દેશ આપ્યા હતા. જિલ્લામાંથી પસાર થતાં તમામ માર્ગો અને તમામ સ્થળો તથા કોઝ-વે પર ચોમાસા દરમિયાન ઉપરથી પાણી પસાર થતું હોય ત્યાં પાણીની ઊંડાઈ દર્શાવતા સાઇન બોર્ડ મૂકવા તથા તમામ પ્રકારના કોઝ-વેમાં જ્યાં બેરિયર નથી ત્યાં બેરિયર લગાડવાની કામગીરી કરવા માટે કલેકટરે પંચાયત માર્ગ મકાનને દિશાનિર્દેશ આપ્યો હતો. વાહનચાલકોની સલામતી માટે અમરેલી જિલ્લાના વિવિધ રસ્તા પર આવશ્યકતા મુજબ જરુરી સૂચનાઓ સાથેના સાઈન બોર્ડ, સ્પીડ બ્રેકર, સ્પીડ લિમિટ દર્શાવતા બોર્ડ, રેડિયમ, માર્કિંગ પટ્ટા, બેરિયર લગાવવાની કામગીરીને નિયમિત રીતે કરવા માટે માર્ગ મકાન વિભાગ રાજ્ય, પંચાયત, નેશનલ હાઇવે રાજ્ય, ઓથોરિટી અને સંલગ્ન ડિવિઝનના અધિકારીઓને નિર્દેશ અપાયા હતા. તથા જિલ્લામાં વિવિધ સ્થળોએ પસાર થતાં માર્ગો પર આવેલી શાળાઓ પર તકેદારીના ભાગરુપે શાળાના નિશાન દર્શાવતા બોર્ડ મૂકવામાં આવી રહ્યા છે. અકસ્માતોના અહેવાલમાં અકસ્માતના લીધે થયેલા મૃત્યુમાં વાહનના પ્રકાર, ક્યા સત્તામંડળનો રસ્તો છે અને માર્ગની સ્થિતિની સમીક્ષા કરી વિસ્તૃત અહેવાલ તૈયાર કરવા માટે પણ સૂચના અપાઈ હતી.