કચ્છના બારડોલી કહેવાતા નખત્રાણાના તાલુકાના વેરસલપર (રોહા) ગામે રહેતા ખેડૂતને લાલચ આપીને બે ચીટર ભાઈએ છેલ્લાં છ વર્ષ દરમિયાન સાડા ૭ લાખ રૂપિયા મેળવીને વિશ્વાસઘાત કર્યો હોવાનો બનાવ નખત્રાણા પોલીસ મથકે નોંધાયો છે.

નખત્રાણા પોલીસે ગુનો દાખલ કરી બંને ચીટર ભાઈને દબોચી લીધા છે. વેરસલપરના નરોત્તમ મોહનલાલ પટેલએ પોલીસને જણાવ્યું કે આરોપી લતીફ ફકીરમામદ ફકીર તેમની આંબાની વાડીના બધા આંબાને વર્ષોથી ખરીદતો હતો.

૨૦૧૮ માં નરોત્તમના પિતાનું અને મોટા બાપાનું મૃત્યુ નીપજેલું. ઘરના મોભી જેવા બબ્બે સ્વજનોના નિધન બાદ લતીફે ફરિયાદીને ઘરમાં કોઈ મેલી વિદ્યા હોવાનું જણાવીને પોતે એક પીરબાબાને ઓળખે છે અને તે આ તકલીફ દૂર કરી દેશે તેમ જણાવેલું. મુશ્કેલી થી ઘેરાયેલા ફરિયાદીને વિશ્વાસમાં લઈને લતીફ તેના ભાઈ ફિરોજ ફકીર ઊર્ફે પીરમામદ ફકીરમામદને ફકીર બનાવીને લઈ આવેલો. બંને ભાઈઓએ નડતર દૂર કરવા ધાર્મિક અને તાંત્રિક વિધિના નાટક શરૂ કરેલાં.

મેલી વિદ્યા સ્વરૂપે નડતર દૂર કરવાના નામે ફરિયાદી નરોત્તમ પાસેથી બંને ચીટર બેલડીએ વાડી અને ઘરના આંગણા નીચે ધન ભરેલાં ચરૂ દટાયેલાં હોવાનું જણાવી નાટક શરૂ કરી ટુકડે ટુકડે રૂપિયા ખંખેર્યા કર્યા હતા.

છેલ્લે નવેમ્બર માસથી ફરિયાદીના બધા રૂપિયા અને ઘરેણાં ડબલ થઈ જવાની વિધિના નામે રૂપિયા પડાવ્યા હતા. જો કે, બેઉ જણ છ વર્ષથી વિધિના નામે પોતાની ફિલ્લમ ઉતારીને રૂપિયા પડાવતાં હોવાનું સમજાતાં નરોત્તમે પોલીસને રજૂઆત કરી હતી. નખત્રાણા પોલીસે ચીટર બેલડીએ ફરિયાદી પાસેથી છેતરપિંડીથી મેળવેલા ૭ લાખ ૨૦ હજાર ની રોકડ સહિતના મુદામાલ સાથે ઝડપી આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરીને તેમને દબોચી લઈ ગહન પૂછપરછ હાથ ધરી છે.