ભુજ તાલુકાના ધ્રગ-લોડાઈ રોડ પર અત્યંત કરુણ અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ધ્રગ ખાતે આયોજિત પરંપરાગત મેળાના દિવસે જ સર્જાયેલી આ દુર્ઘટનામાં બે બાઈક સામસામે ભટકાતા કુલ ૩ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભુજ તાલુકાના ધ્રગ ગામે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે આ માર્ગ પર સવારથી જ મુલાકાતીઓની ભારે અવરજવર હતી. આ દરમિયાન ધ્રગ-લોડાઈ રોડ પર બે મોટરસાયકલ પૂરઝડપે સામસામે અથડાઈ હતી. ટક્કર એટલી જારદાર હતી કે બંને બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને સવાર લોકો રોડ પર ફંગોળાયા હતા.
આ ભયાનક અકસ્માતમાં બે બાઈકચાલકો અને એક નિર્દોષ બાળકનું ઘટનાસ્થળે જ અથવા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એક જ અકસ્માતમાં ત્રણ જિંદગીઓ હોમાઈ જતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઉપરાંત, બાઈક પર સવાર એક મહિલાને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.અકસ્માતનો અવાજ સાંભળતા જ આસપાસના સ્થાનિક લોકો અને મેળામાં જઈ રહેલા અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી ઈજાગ્રસ્તોને મદદ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધ્રગના મેળાના ઉત્સાહ વચ્ચે આ અકસ્માતના સમાચાર પ્રસરતા જ મેળાના વાતાવરણમાં શોકનું મોજું ફરી વળ્યું છે.