ભરૂચના અંકલેશ્વરની પાનોલ જીઆઇડીસી ભીષણ આગની ઘટના ઘટી હતી..આ ઘટનામાં બે શ્રમિકો મોતને ભેટ્યા છે.પાનોલી જીઆઇડીસી માં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાજ ફાયરબ્રિગેડની ૧૦ જેટલી ગાડીઓ સ્થળ પર પહોંચી હતી અને આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાથી સંજાલી ગામના લોકોમાં ભય ફેલાયો હતો.પ્રાથમિક માહિતી મુજબ, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આ કેમિકલ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં જ્વલનશીલ પદાર્થોની હાજરીને કારણે આગ વધુ વિકરાળ બની હતી. આગની તીવ્રતા એટલી વધારે હતી કે ધુમાડાના ગાઢ વાદળ દૂરથી દેખાતા હતા, જેના કારણે આસપાસના વિસ્તારોમાં વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો પણ આવવા લાગી હતી.ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબૂમાં લેવા માટે પાણી અને ફોમનો સતત મારો ચલાવી રહ્યા છે. ફાયર અધિકારીઓએ જણાવ્યું છે કે આગ ગંભીર હોવાથી તેને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં લાંબો સમય લાગી શકે છે.આ ઘટનામાં અત્યાર સુધી બે લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે, આગના કારણે કંપનીને મોટા પાયે આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે.










































