જમ્મુ અને કાશ્મીરના મંત્રી જાવેદ અહેમદ ડારે જણાવ્યું હતું કે સરકાર પાસે શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટરને કેન્દ્રશાસિત પ્રદેશમાં ઉદ્યોગો સ્થાપવા માટે મફત જમીન આપવામાં આવી હોવાની કોઈ માહિતી નથી. તેમણે ખાતરી આપી હતી કે આ મામલાની તપાસ કરવામાં આવશે. વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન સીપીઆઈ(એમ)ના ધારાસભ્ય એમવાય તારિગામી અને કોંગ્રેસના નેતા જીએ મીરે આ મુદ્દા પર ચિંતા વ્યક્ત કર્યા બાદ આ નિવેદન આવ્યું.
અહેવાલો અનુસાર, શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર મુથૈયા મુરલીધરનની કંપની ‘સિલોન બેવરેજીસ’ને જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં ૧,૬૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ માટે ૨૫.૭૫ એકર જમીન ફાળવવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ, બોટલ ભરવાનું અને એલ્યુમિનિયમ કેન બનાવવાનું કામ કરવામાં આવશે. વિપક્ષી નેતાઓએ અવાજ ઉઠાવ્યા બાદ મંત્રીએ કહ્યું કે આ મામલો મહેસૂલ વિભાગ સાથે સંબંધિત છે અને સરકાર પાસે આ અંગે કોઈ માહિતી નથી. તેમણે ખાતરી આપી કે સાચી માહિતી એકત્રિત કરવા માટે તપાસ કરવામાં આવશે.
વિધાનસભામાં આ મુદ્દા પર ચર્ચા કરતી વખતે, ધારાસભ્ય તારિગામીએ કોઈનું નામ લીધા વિના પ્રશ્ન ઉઠાવ્યો કે બિન-ભારતીયને જમીન કેવી રીતે મફતમાં આપવામાં આવી? તેમણે આ અંગે સરકાર પાસેથી સ્પષ્ટતા માંગી. કોંગ્રેસ નેતા મીરે પણ આ મામલાને ગંભીર ગણાવ્યો અને કહ્યું કે તેની તપાસ થવી જાઈએ. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે કોઈ પણ પૈસા વગર વિદેશી ક્રિકેટરને જમીન કેવી રીતે આપવામાં આવી.
અગાઉ, મંત્રી ડારે એ પણ માહિતી આપી હતી કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ, જે પરિવારો પાસે પોતાની જમીન નથી તેમને પાંચ મરલા જમીન આપવામાં આવી રહી છે જેથી તેઓ પોતાના ઘર બનાવી શકે. સરકાર હવે આ મામલાની તપાસ કરશે અને સ્પષ્ટ કરશે કે કોઈ વિદેશી ક્રિકેટરને મફતમાં જમીન ફાળવવામાં આવી છે કે નહીં.