ઓપરેશન શિલ્ડ અન્વયે અમરેલી જિલ્લામાં શનિવારે રાત્રે ૮ થી ૮.૩૦ વાગ્યા (૩૦ મિનિટ) સુધી તમામ તાલુકા મથકો, નગરપાલિકાઓ, ગામોના વિસ્તારોમાં બ્લેકઆઉટ એક્સરસાઇઝ યોજવામાં આવી હતી. ઓપરેશન શિલ્ડનો હેતુ માત્ર નાગરિકોને જ્ઞાત કરવાનો હતો. આ મોક બ્લેકઆઉટ એક્સરસાઇઝ (અંધારપટ) ના ભાગરુપે અમરેલી જિલ્લાના નાગરિકો દ્વારા સ્વયંભૂ ઘર, વ્યવસાયના સ્થળો સહિતની જાહેર જગ્યાઓ પર લાઇટ બંધ રાખવામાં આવી હતી. ઓપરેશન શિલ્ડ અંતર્ગત તકેદારીના ભાગરુપે શનિવારે બ્લેકઆઉટ એક્સરસાઇઝ યોજી નાગરિકોને જાગૃત કરી તેમજ ઓપરેશન શિલ્ડ અને તેના મહત્વ અને જરુરિયાત બાબતે જ્ઞાત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સૂચના આપવામાં આવી હતી. આ અન્વયે અમરેલી જિલ્લાના તમામ મહત્વના સ્થળો, ડેમ, ઔદ્યોગિક એકમોની પ્રોડક્શન સિવાયની સાઇટ તેમજ રહેણાંક મકાનો, વ્યવસાયિક એકમો બ્લેકઆઉટમાં સ્વયંભૂ જોડાયા હતા. આ સમયે જિલ્લામાં હોસ્પિટલ-દવાખાનાઓ અને આવશ્યક સેવાઓ સહિત ઇમરજન્સી તમામ સેવાઓ વિના વિક્ષેપ યથાવત રીતે શરુ રહી હતી. જિલ્લાના તમામ ડેમ અને જે સ્થળોએ સાયરન છે તેવા સ્થળોએ રાત્રિના ૮.૦૦ કલાકે સાયરન વાગતા જ નાગરિકોએ લાઇટ બંધ રાખી સહકાર આપ્યો હતો.