રાજકોટના સાંસદ પરશોત્તમભાઈ રૂપાલાની અધ્યક્ષસ્થાને અને માર્ગદર્શક એચ.એલ.પટેલની ઉપÂસ્થતીમાં
અમરેલી જિલ્લામાં શિક્ષણક્ષેત્રે ઉજ્જવળ પ્રતિષ્ઠા ધરાવતી ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ, અમરેલીમાં ‘પ્રતિભાના પોંખણા -અમારા વિદ્યાર્થી, અમારું ગૌરવ’ વાર્ષિકોત્સવ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. કાર્યક્રમ રાજકોટના સાંસદ પરશોતમભાઈ રૂપાલાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત સંસ્થાના પ્રેરણાસ્ત્રોત અને માર્ગદર્શક એચ.એલ. પટેલની સાક્ષી અને સંમતિથી કરવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ધોરણ ૧૦ અને ૧૨ (સાયન્સ અને કોમર્સ)ના બોર્ડના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો તથા ગત વર્ષે ઉત્તમ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો હતો. ખાસ કરીને અમરેલી જિલ્લાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ધોરણ ૧૦માં ૬૩ ‘છ૧’ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓને નવાજવામાં આવ્યા. ઉપરાંત, શાળામાંથી અગાઉ ઉત્તમ પરિણામ સાથે પાસ થઈ રાજ્યની પ્રતિષ્ઠિત મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજોમાં અભ્યાસ કરતા પૂર્વ વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ગણેશ સ્તુતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમથી કરવામાં આવી હતી. ત્યારબાદ મયુરભાઈ ગજેરાએ મંચસ્થ મહેમાનો અને વાલીઓનું શાબ્દિક સ્વાગત કર્યું તથા શાળાની શૈક્ષણિક પ્રગતિ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ૧૧ વર્ષની સફરમાં નાનકડું બીજ આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે અને શાળાની સફળતામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોનો મહત્વનો ફાળો રહ્યો છે. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોએ મા સરસ્વતીના ચરણોમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરી. ભારતીય પરંપરા મુજબ મહેમાનોનું શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું. સન્માન કાર્યક્રમ અંતર્ગત ગત વર્ષ ધોરણ ૧૨ સાયન્સમાં ૯૫.૫૩ ટકા સાથે જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવનાર કુમારી હસ્તી વિરપરાનું અધ્યક્ષશ્રી રૂપાલા સાહેબના હસ્તે સન્માન કરવામાં આવ્યું. ઉપરાંત, ધોરણ ૧૨ સાયન્સ અને કોમર્સમાં ‘છ૧’ ગ્રેડ મેળવી પ્રતિષ્ઠિત કોલેજોમાં પ્રવેશ મેળવનાર તેમજ ધોરણ ૧૦માં ૬૩ ‘છ૧’ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓને પણ શિલ્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા. રૂપાલાએ પોતાના માર્ગદર્શનાત્મક સંબોધનમાં વર્તમાન શૈક્ષણિક પદ્ધતિ, તેમાં આવશ્યક ફેરફારો અને વિદ્યાર્થીઓ-વાલીઓ-શિક્ષકોની ભૂમિકાની ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે ભણતર ભારવિનાનું અને રોજગારલક્ષી બનવું જોઈએ. વિદ્યાર્થીઓએ ભણતર સાથે ગણતર પણ શીખવું જરૂરી છે. શિક્ષકોની ભૂમિકા વિદ્યાર્થીઓની આંતરિક શક્તિઓને ઓળખીને બહાર લાવવાની છે. તેમણે ઓક્સફર્ડ સ્કૂલના સંચાલકો અને ટીમના શૈક્ષણિક કાર્યની પ્રશંસા કરી હતી. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીનીઓએ બે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હાજર મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા. ડો. કેતન કાનપરિયાએ કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું. સ્ટેજ વ્યવસ્થા માટે પ્રદીપભાઈ માંગરોળિયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંતમાં ચંદુભાઈ ધાનાણીએ તમામ મહેમાનો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને ઓક્સફર્ડ પરિવારના શિક્ષકો તથા સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. ઓક્સફર્ડ સ્કૂલ મેનેજમેન્ટ તરફથી મયુરભાઈ ગજેરા અને પ્રહલાદભાઈ વામજાએ સૌના સહકાર બદલ હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.









































