“એ સાચું, પરંતુ નોકરિયાતને બધી વાતે સતર્ક તો રહેવું જ પડે. કોઇપણ સરકારી ખાતામાં સાવ ભોળપણ તો નકામું છે.. અરે હા…, તારી સગાઇ કે પછી લગ્ન…”
“લગ્નનાં બંધનમાં હું હજી બંધાયો નથી, મને એવી કોઇ ચિંતા પણ નથી. ચિંતા કરતો પણ નથી. મારી ઉંમર એક મહિના પછી એકવીસ વર્ષની થશે. અત્યારથી આવું સગાઇ કે લગ્નનું વિચાર્યુ જ નથી. સર! આગે આગે દેખા જાયેગા…”
“તારી વાત તો સો ટકા સાચી છે. લગ્ન એટલે આમ તો બંધનનો પર્યાય જ કહી શકાય. લગ્નનું નગ્ન સત્ય એટલે અતૂટ બંધન ! પરંતુ આ સમાજની સુવ્યવસ્થા જાળવવા માટે આવું બંધન અંતે તો બધાને સ્વીકારવું જ પડે છે…! એમાં કંઇ આપણું ચાલતું નથી.”
“તમારી વાત સાચી છે સાહેબ, સો ટકા સાચી છે. પરંતુ ઉંમર પ્રમાણે જેટલું ખેંચાય તેટલું ખેંચવું એ પણ મારા માટે ખૂબ જ લાભદાયી છે. સ્વતંત્ર વ્યક્તિ કોઇપણ નિર્ણય પળભરમાં લઇ શકે છે.. એ તો સાચું ને ? મને તો વાંચન અને લેખનનો ખૂબ ખૂબ શોખ છે. વધારાના સમયે આ પ્રવૃત્તિમાં મને માનસિક શાંતિ મળે છે. આગળ કહું તો… મને ફિલ્મ જોવા જવું પણ પ્રિય છે…”
આટલું બોલતાંની સાથે દામલ ઊભો થયો. એટલે મહેશ પણ ઊભો થયો. બંને પગરખાં પહેરી દરવાજામાંથી બહાર નીકળ્યા. ચાલતાં ચાલતાં દામલ બોલ્યો: “મને તો સાલુ આ માવાનું બંધાણ ખરૂં લાગી ગયું છે. છતાંપણ હવે તો મેં ઘણા ઓછા કરી નાખ્યા છે. પણ સાવ તો છોડી શકાતા નથી. શું કરવું ? ”
“હું તો તમાકુ અને પાન-માવાથી ખૂબ જ છેટો રહ્યો છું. કયારેક સાથી મિત્રો ખૂબ વધારે આગ્રહ કરે તો પછી સાવ સાદુ મીઠું પાન ખાઇ લઉં…”
“મીઠું પાન ખાવાથી તેનું બંધાણ કે વ્યસન થતું નથી. મીઠું પાન ખાતા આજના યુવાનો અને વિદ્યાર્થીઓ માટે આ તો ખૂબ સારી ટેવ કહેવાય. બાકી વ્યસન એટલે વ્યસન…! મરતા સુધી વ્યસન સાથ નથી છોડતું. આ હું તને જયાં લઇ જાઉં છું એ પાનનો ગલ્લો ખૂબ જ પ્રખ્યાત છે. મોટા ભાગના બધા બંધાણીઓ એટલે કે વ્યસનીઓ આ કાળી પાનના ગલ્લે ટોળું વળેલા જોવા મળે.”
આમ વાતો કરતાં કરતાં બન્ને પાના ગલ્લે પહોંચી ગયા. દામલે તો તેના માટે માવાનો ઓર્ડર આપી દીધો. પછી વધારામાં મહેશને પૂછયા વગર જ મસ્ત મીઠા પાનનો પણ ઓર્ડર આપ્યો. થોડીવારમાં તો માવો અને મીઠું પાન આવી ગયું. ખૂબ ચોળેલો માવો દામલે તેના મોંમાં મૂક્યો અને મીઠું પાન મહેશને આપ્યું. મહેશે પણ પાનને ગલાફોમાં ભરાવ્યું.
પાનના ગલ્લેથી થોડે જ દૂર રત્નેશ્વર મહાદેવનું મંદિર આવેલું હતું. આ મંદિરના વિશાળ મેદાનમાં સુંદર મજાનો બગીચો હતો. દામલ મહેશને લઈ બગીચામાં દાખલ થયો. બગીચામાં બેસવા માટેની સુંદર મજાની બેઠકની વ્યવસ્થા પણ હતી. થોડીવારમાં બન્નેના મન-મગજ પ્રફુલ્લિત થઇ ગયા. થોડીવાર બગીચાની મજા માણી અને પછી બન્ને પાછા ઘર તરફ આવવા રવાના થયા. રસ્તામાં ચાલતાં ચાલતાં અલક-મલકની વાતો કરતા રહ્યા. ત્યારે સંધ્યાનો કેસરી રંગ આકાશમાં આજે મસ્ત રીતે ખીલી ઊઠયો હતો. વાતાવરણ ખૂબ જ આહલાદક હતું. સાંજના સાત વાગ્યે દામલ અને મહેશ ઘરમાં દાખલ થયા.
ઘર ખુલ્લું હતું એટલે દામલ સમજી ગયો કે શાંતુ અંદર જ હોય, સ્કૂલેથી આવી ગઇ હોય. ત્યાં તો રસોડામાંથી બહાર આવતા શાંતુ બોલી: “હું આજે થોડી વહેલી આવી હતી, પરંતુ તમે કયાં કયાં ફરી આવ્યા… ?”
“મહેશને હું રત્નેશ્વર મહાદેવના મંદિરે લઈ ગયો હતો. સમય તો કાઢવો રહ્યોને…?” દામલે તરત જ જવાબ આપ્યો.
“સારૂ કર્યું, એ બહાને થોડું વોકિંગ પણ થઇ ગયું….” આટલું બોલી શાંતુ તો પાછી રસોડામાં દાખલ થઇ ગઇ. ત્યાં તો વળી પાછી તરત જ પાણીના ગ્લાસ હાથમાં પકડી તે બહાર આવી અને પાણી આપવા માટે દામલ સામે ઊભી રહી. એટલે જરા હસીને દામલે તરત કહ્યું….
“મેં તો હમણાં જ માવો મોઢામાં નાખ્યો છે, મારે અત્યારે પાણી નથી પીવું. મહેશને પીવું હોય તો આપ… ”
(ક્રમશઃ)