અમરેલી જિલ્લામાં સાયબર ક્રાઇમ અને ક્રાઈમની ઘટના અંકુશમાં આવે તે માટે જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા જિલ્લાના દરેક તાલુકાઓમાં મુલાકાત કરવામાં આવી રહી છે જેમાં બગસરા તાલુકાના સુડાવડ ગામે જિલ્લા પોલીસ વડાએ મુલાકાત લઈ ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા હાથ ધરી હતી. છેલ્લા ઘણા સમયથી સમગ્ર દેશમાં સાયબર અપરાધ વધવા પામ્યા છે. સરકાર તરફથી જરૂરી સૂચનાઓ આપવામાં આવતી હોવા છતાં સાયબર માફિયાઓ ગમે તે રીતે લોકોને ફોન કરી નાણા ખંખેરતા હોય છે. અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આ બાબતે અનેકવાર સાયબર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવે છે આમ છતાં જાગૃતતાના અભાવે અજ્ઞાની લોકો સાયબર અપરાધીઓનો ભોગ બને છે. પોલીસ શાળાઓમાં પણ સાયબર જાગૃતિઓના કાર્યક્રમો યોજે છે. જેથી સાયબર ક્રાઇમને અંકુશમાં લાવી શકાય તેમજ જિલ્લામાં પરપ્રાંતીયોની સંખ્યા વધુ હોય ત્યારે કોઈ ગુનો આચરી અન્ય જિલ્લામાં નાસી જતા હોય ત્યારે આવા ઈસમોને પકડવા પોલીસને અઘરા પડે છે જેથી જે ગામમાં સીસીટીવી કેમેરા હોય તે ગામોને જિલ્લા પોલીસ વડા દ્વારા સન્માનિત કરવામાં આવે છે. જેના ભાગરૂપે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે બગસરા તાલુકાના સુડાવડ ગામે ગ્રામજનો સાથે સાયબર ક્રાઇમ અને સીસીટીવી કેમેરાની જરૂરિયાત અંગે સંવાદ કર્યો હતો. જિલ્લા પોલીસ વડાનું ખોડિયાર મંદિર ખાતે સન્માન કરવામાં આવ્યું હતું.







































