ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના અમરેલી ડિવિઝન હેઠળ આવતા સાવરકુંડલા ડેપોમાં ડ્રાઇવરોની અછત પૂરી થઈ હોવા છતાં, ગ્રામ્ય વિસ્તારના અનેક લોકલ રૂટો હજી પણ બંધ હોવાથી સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખાસ કરીને સાવરકુંડલા-કરલા-મોદા જેવો વર્ષો જૂનો રૂટ હાલ સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે.આ રૂટ બંધ થવાથી નવાગામ, કરલા અને મોદા ગામના લોકોની પરિવહન સુવિધા છીનવાઈ ગઈ છે. આ ગામડાઓમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે વીજપડી, સાવરકુંડલા અને અમરેલી સુધી જતા હોય છે, જેના કારણે તેમના શિક્ષણ પર માઠી અસર પડી રહી છે.સાવરકુંડલા-મહુવા-સાવરકુંડલા જેવા લોકલ રૂટો શરૂ કરવા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. ગ્રામજનોનો આક્ષેપ છે કે એક તરફ ડ્રાઇવરોની નિમણૂંક કરવામાં આવી છે, તો બીજી તરફ તંત્રની ઉદાસીનતાને કારણે ગ્રામ્ય રૂટો બંધ રાખવામાં આવ્યા છે. જો સત્વરે આ લોકલ બસો અને કરલા-મોદા રૂટ ફરી શરૂ કરવામાં આવે, તો વિદ્યાર્થીઓ અને મુસાફરોની હાલાકી દૂર થઈ શકે તેમ છે.






































