સંજાગ ન્યૂઝ પેપરના માધ્યમથી ખેતી, ખેડૂત અને ગામડાઓમાં રહીને પરસેવાની મહેનત થકી પોતાની ઓળખ ઉભી કરનારા યોધ્ધાઓનો પરિચય કરાવવા માટે મેં ર૦રરમાં શરૂ કરેલ ‘‘ઝાકળ બિંદુ’’ કોલમ ૩ વર્ષ પૂરા કરીને વાંચકોના આશીર્વાદ થકી ૪થા વર્ષમાં પ્રવેશ કરી રહી છે.
ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યુ છે, ‘તું કર્મ કર ફળની અપેક્ષા ન રાખ.’ નૈતિકતા, સત્યની નજીક અને ખોટી ખુશામત વિના હૃદય ભાવથી એક એક ખેડૂતો, સામાજીક આગેવાનોને ઢંઢોળી-ઢંઢોળીને તમારા સમક્ષ લાવવાનો પ્રયત્ન કર્યો છે. જેમાંથી ખેડૂતોને પ્રેરણા મળે, નવા એગ્રી એન્ટરપ્રિન્યોરને પ્રેરણા મળે તેવા પ્રયત્ન રહ્યા છે અને રહેશે પણ ખરા.
પોતાની મહેનત, યોગ્ય દિશામાં કામનું આયોજન અને કર્મના સિધ્ધાંતોને પોતાના ખોળીયામાં ઉતારી ખેડૂતો માટે, ખેતમજૂરો માટે, માલધારીઓ માટે, આમ ગણો તો માનવજાત માટે કામ કરતા  જળક્રાંતિના પ્રણેતા મનસુખભાઈ સુહાગીયાએ પોતાના ફાર્મ ઉપર ર૦૦ કરતા પણ વધારે જાતની કેરીની કલમો લગાવી છે. લુપ્ત થતી અનેક જાતોનું સર્વધન કરી રહ્યા છે. પીવાના પાણીની કાયમી તંગી ભોગવતા સૌરાષ્ટ્ર-કચ્છની તરસ છીપવવા માટે તત્કાલીન મુખ્યમંત્રી ખેડૂત નેતા સ્વ. કેશુબાપા પટેલે લોકભાગીદારીથી તળાવો, ચેકડેમો બનાવવાની યોજના અમલી બનાવી હતી ત્યારે જળક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ ખેડૂત પુત્ર મનસુખભાઈ સુહાગીયાના નેતૃત્વમાં ખૂબ સારૂ કામ થયુ હતું. લોકફાળો, જનભાગીદારી અને શ્રમદાનના માધ્યમથી અત્યાર સુધીમાં ૩ર૦૦ જેટલા ચેકડેમો બન્યા. ભારે વરસાદ છતા કયાંય ચેકડેમો તૂટ્યા નથી. મોટા ખર્ચાઓ કરી નાનકડા ચેકડેમો બનાવતુ તંત્ર તૂટેલા ચેકડેમો રીપેરીંગ કરવામાં પણ રસ દાખવતું નથી. ખેર સમયની બલીહારી છે.
માણસ પાસે ગમે એટલા રૂપિયા આવી જાય, રૂપ આવી જાય, પદ આવી જાય પણ એ જીરવી ના શકે તો કોઈ તેને યાદ પણ નથી કરતું. પણ ગામડા ગામના એક ડોશીમા વેદુ જાણતા હોય, પરિશ્રમ કર્યાે હોય તો એ ગામ તો શું આજુબાજુના પંથકમાં કયારેય એ ભૂલાતા નથી. વર્તમાન સમયમાં કળયુગ છે એટલે સત્ય મુંજાય અને પાખંડી ફાવે તે હાલત છે.
મનસુખભાઈ કહે છે. આજે લોકોની નજર મોટા માણસો સામે જ છે. જીવનમાં જરૂર નાનાંની પણ પડવાની છે એ યાદ રાખો. તાજેતરમાં રાજકોટ પાસેના પોતાના સંસ્કૃતિ ફાર્મમાં ર૦૦ પ્રકારના દેશી આંબા અને ર૦ પ્રકારના દેશી શાકભાજી નિદર્શન કાર્યક્રમ યોજાઈ ગયો. ધરામૃત કુંડ નિદામણને જમીનમાં ભેળવીને બંજર જમીનને પ્રાણવાન ધરતીમાં રૂપાંતર કરી આંબાના
પ્રાકૃતિક આચ્છાદાન સારી ઉપજ મેળવવામાં સફળતા મેળવી છે. આજે શેઢાપાળાના વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યુ છે. શેઢાપાળાની વાડ એ કુદરતી દેન છે. જેના હિસાબે પણ પાક માવજત અને રોગ જીવાત નિયંત્રણ – ઉત્પાદનમાં ફેર પડે છે.પણ આજે હવે સમજે કોણ ? પોતાના બગીચામાં આંબા વચ્ચે ફીડલીયા થોરનું વાવેતર કરેલ છે. જેના હિસાબે ઉત્પાદન ક્ષમતામાં વધારો થયો છે. કેસર કેરીના સ્વાદ કરતા પણ દેશી કેરીની વિવિધ વેરાયટીઓનો સ્વાદ ખૂબ સારો હોય છે. પ્રાકૃતિક ખેતી અને ગાયના મહત્વ વિશે ઋષિતુલ્ય આ વ્યકિત સારૂ કામ કરી રહ્યા છે. ભારતમાં લુપ્ત થતી ર૦૦ શ્રેષ્ઠ જાતો બચાવીને ૧૦૦૦ જેટલી નવી જાતોનું ભારત માતાના ચરણોમાં ખેતીપ્રધાન દેશમાં ખેડૂતોને સમૃધ્ધ કરવા સંશોધન કરી રહ્યા છે. વિકસાવી રહ્યા છે. આ કોઈ નાનું કામ નથી. મનસુખભાઈ કહે છે, ‘સુખી થવા માટે સત્ય જાણી ત્યાંથી જ અમલ કરો. કામ કરતા રહો અને હૃદયમાં પ્રેમ રાખો, જે કામ હાથમાં લ્યો તેની સફળતા માટે કઠોર પરિશ્રમ કરો, સંઘર્ષ કરતા રહો !!! સત્ય – નિષ્ઠા અને દરેક સાથે મિત્રભાવ રાખો.’ આજે આ માણસ જળક્રાંતિ, ગૌક્રાંતિ અને હવે જળક્રાંતિ તરફ આગળ વધી રહ્યા છે. મસખુભાઈ સુહાગીયાનો સંપર્ક
mo. ૯૦૯૯૩પ૧૩૦૧ છે.