ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અરુણ ગવલીને ચૂંટણીમાં મોટો ઝટકો લાગ્યો છે. ગવલીની બંને પુત્રીઓ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં પહેલી વાર ચૂંટણી લડી રહી હતી પરંતુ તેમનો પરાજય થયો. ગીતા અને યોગિતા ગવળી તેમના પિતા દ્વારા સ્થાપિત ઓલ ઇન્ડિયા સેનાની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા હતા.

ગીતા ગવળીનો ભાયખલાના વોર્ડ ૨૧૨ માં સમાજવાદી પાર્ટીના અમરીન શહજાન અબ્રાહની દ્વારા પરાજય થયો હતો, જ્યારે યોગિતા ગવળીનો વોર્ડ ૨૦૭ માં ભાજપના રોહિદાસ લોખંડે દ્વારા પરાજય થયો હતો. બંને હાર મુંબઈમાં ગવળી પરિવારના ઘટતા રાજકીય પ્રભાવને દર્શાવે છે.

અરુણ ગવળી એક ખતરનાક ગેંગસ્ટર હતો જેણે ૧૯૭૦ ના દાયકામાં મુંબઈના અંડરવર્લ્ડમાં પ્રવેશ કર્યો હતો. તે અને તેનો ભાઈ કિશોર “બાયખલા કંપની” નો ભાગ હતા, જે મધ્ય મુંબઈના ભાયખલા, પરેલ અને સાત રસ્તા વિસ્તારોમાં કાર્યરત ગુનાહિત ગેંગ હતી. અરુણ ગવળીએ ૧૯૮૮ માં ગેંગનો કબજા સંભાળ્યો અને ૮૦ અને ૯૦ ના દાયકાના અંતમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની ગેંગ સાથે સત્તા સંઘર્ષમાં સામેલ થયો.

૧૯૮૦ના દાયકામાં, તેમને શિવસેનાના નેતા બાળાસાહેબ ઠાકરે તરફથી રાજકીય ટેકો મળ્યો હતો. જાકે, ૧૯૯૦ના દાયકાના મધ્યમાં શિવસેના સાથેના મતભેદ પછી, તેમણે પોતાનો રાજકીય પક્ષ બનાવ્યો અને ૨૦૦૪ થી ૨૦૦૯ સુધી ચિંચપોકલી મતવિસ્તારના ધારાસભ્ય તરીકે સેવા આપી. મુંબઈ શિવસેનાના કાઉન્સીલરની હત્યાના આરોપમાં અરુણ ગવળીને ૨૦૦૮માં જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ૧૭ વર્ષ જેલમાં રહ્યા બાદ ગયા સપ્ટેમ્બરમાં તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.