અમરેલી જિલ્લાનું છેવાડાનું ગ્રામીણ તાલુકા મથક એવું વડીયા, જે એક સમયે સિંગદાણા ઉદ્યોગ અને સિંગતેલ ઉદ્યોગનું હબ ગણાતું હતું અને આસપાસના વિસ્તારનું મોટું ખરીદીનું સેન્ટર હતું, તે આજે રોજગાર વિહોણું બનીને પ્રાથમિક સુવિધાઓ જંખી રહ્યું છે. છેલ્લા ૩૦ વર્ષમાં વડીયામાંથી સિંગદાણા ઉદ્યોગ, સિંગતેલ ઉદ્યોગ, ફિલ્મ થિયેટર, ટ્રેઝરી ઓફિસ અને પીટીસી કોલેજ સહિતની અનેક કચેરીઓ સમયાંતરે રાજકીય કિન્નાખોરીથી અન્ય સ્થળે સ્થળાંતરિત થઈ જતાં ખેતી સિવાય હવે કોઈ રોજગારીનો સ્ત્રોત વધ્યો નથી. હાલમાં વડીયા ગ્રામ પંચાયતથી લઈને સાંસદ સુધી ભાજપ સરકારનું રાજ અસ્તિત્વ ધરાવે છે. આ વિસ્તારના લોકોએ ખોબલે ખોબલે મત આપીને ચૂંટેલા નેતાઓ આજે ફરી વડીયાને ફરી ધમધમતું કરવા તે આગળ આવે તેવી આશા લોકો રાખી રહ્યા છે. વડીયામાં જરૂરી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે, સાથે જ વિકાસની અનેક તકો રહેલી છે, જેમાં વડીયાની મધ્યમાંથી પસાર થતી સુરવો નદી પર રિવરફ્રન્ટ, GIDC, બીજ પ્રોસેસિંગ યુનિટ, કંપની CNG પમ્પ, તાલુકા કક્ષાની સરકારી હોસ્પિટલ, વિશ્રામગૃહ, તાલુકા કક્ષાની પશુ હોસ્પિટલ જેવી અનેક સુવિધાઓની હાલ તાતી જરૂરિયાત છે. સ્થાનિક લોકોએ ખોબલે ખોબલે આપેલા મતનું વળતર લોકોને મળી શકે તે માટે ચૂંટાયેલા પદાધિકારીઓ વડીયાની સુવિધાઓનો વિકાસ કરે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. ઉદ્યોગોના વિકાસ સાથે નવી રોજગારીની તકો ઊભી થતાં શહેર તરફનું સ્થળાંતર અટકાવી શકાય અને વડીયાને ભાંગતું બચાવી શકાય. હાલત તો ધંધા-રોજગાર માટે અનેક લોકો અન્ય શહેરોમાં સ્થાયી થઈ રહ્યાં છે.
‘ઔદ્યોગિક હબ’થી ‘રોજગાર વિહોણા’ ગામ સુધીની અધોગતિ?
અમરેલી જિલ્લાનું વડીયા ગામ, જે એક સમયે સિંગદાણા અને તેલ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર ગણાતું હતું, તે આજે વહીવટી ઉદાસીનતાને કારણે પોતાની ઓળખ ગુમાવી રહ્યું છે. ત્રણ દાયકા પહેલાં ધમધમતા ઉદ્યોગો, થિયેટર અને સરકારી કચેરીઓ ધરાવતું આ ગામ આજે પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારી રહ્યું છે. વર્તમાન સમયમાં ગ્રામ પંચાયતથી લઈને સંસદ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે સ્થાનિક લોકોમાં પ્રબળ માંગ ઉઠી છે કે, સુરવો નદી પર રિવરફ્રન્ટ, જી.આઈ.ડી.સી., અમરનગર રોડ પર બીજ પ્રોસેસિંગ યુનિટ, તાલુકા કક્ષાની સરકારી અને પશુ હોસ્પિટલ, વિશ્રામ ગૃહ તથા સીએનજી પંપ જેવી પાયાની સુવિધાઓ સત્વરે ઊભી કરવામાં આવે. ‘મોસાળે જમણવાર અને મા પીરસનારી’ જેવો ઘાટ હોવા છતાં વડીયાની ઉપેક્ષા કેમ થઈ રહી છે, તેવો સવાલ આજે પ્રજા પૂછી રહી છે.







































