કર્ણાટકના વિજયનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક વ્યકિતએ કથિત રીતે તેના પિતા, માતા અને બહેનની હત્યા કરી હતી. ત્યારબાદ તેણે શહેરના ભાડાના મકાનમાં તેમના મૃતદેહ દફનાવી દીધા હતા. આ ગુનો ૨૭ જાન્યુઆરીએ બન્યો હોવાનું જાણવા મળે છે. આરોપીની ઓળખ અક્ષય કુમાર તરીકે થઈ છે, જે ચિત્રદુર્ગ જિલ્લાના હોસાદુર્ગા તાલુકાના ડોડ્ડકિટ્ટાદહલ્લી ગામનો રહેવાસી છે. પોલીસે જણાવ્યું હતું કે અક્ષયે તેના પિતા ભીમરાજ, માતા જયલક્ષ્મી અને બહેન અમૃતાની હત્યા કોટ્ટુરના એક ઘરમાં કરી હતી, જ્યાં તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી રહેતા હતા. પરિવાર ટાયર રીટ્રેડર તરીકે કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો.
ગુનો કર્યા પછી, આરોપી અક્ષય બેંગલુરુ આવ્યો હોવાનું કહેવાય છે. તેણે તિલક નગર પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલ વ્યકિતનો રિપોર્ટ નોંધાવીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, અને દાવો કર્યો હતો કે તેના માતાપિતા અને બહેનનો પત્તો લાગતો નથી. જાકે, સતત પૂછપરછ દરમિયાન, તેણે હાર માની લીધી અને ત્રિપલ હત્યાની કબૂલાત કરી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી, અક્ષયની બહેન, એક યુવાન સાથે પ્રેમમાં હતી. અક્ષયે આનો વિરોધ કર્યો હતો. જાકે, જ્યારે તેના માતા-પિતાએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે ગુસ્સામાં આવીને ત્રણેયની હત્યા કરી દીધી. ત્યારબાદ તેણે તેમના મૃતદેહને પરિવારના પરિસરમાં જ દફનાવી દીધા. વિજયનગરના એસપી જાહ્નવી અને કુડલીગી ડીએસપી મલ્લેશ ઘટનાસ્થળે પહોંચ્યા અને પ્રાથમિક તપાસ હાથ ધરી. મૃતદેહોને ક્યાં  દફનાવવામાં આવ્યા હતા તે ચોક્કસ સ્થાન નક્કી કરવા માટે આરોપીને કુડલીગી લાવવામાં આવી રહ્યો છે. પોલીસ કહે છે કે કેસની તપાસ ચાલી રહી છે.