અડધી રાતનો ગજ્જર ભાંગ્યો છે…
માઝમ રાતના બે સરખે સરખા ભાગ થઇ ગયા છે…
કોઇ રૂપાંગનાની કાળી ભમ્મર આંખ્યુમાં આંગળીભર અંજાયેલા આંજણ પૂરતો અંધકાર અવનિ ઉપર પથરાઇ ગયો છે. પાછોતરા વૈશાખની ઠંડી-હળવી, પવનની લહેરખીઓ માનવજાતની આંખ્યુમાં ઘેનનું આંજણ પૂરતી હળવે પગલે આવે છે ને ચાલી જાય છે…જાંબુડિયા રંગની ભોં ઉપર ભરેલા રૂપેરી બુટ્ટાઓવાળા ચંદરવાની જેમ નાનાંમોટા ખીચોખીચ તારાઓના ઝલમલ અજવાસ સિવાય વદ તેરસનો અંધકાર આભમાં પથરાઇ ગયો છે.
તમરાના તમતમ અવાજ અને વગડામાંથી સંભળાતી શિયાળવાની લાળીના અવાજ રાતને બીકાળવી બનાવી રહ્યા છે. માણસને માણસ ન કળાય એવી આ બિહામણી રાતમાં બિલ્લીપગે છૂપાતો એક ઓળો ધનજી કોળીના ઘર પાસે આવીને થોભી ગયો…
શેરીમાં સૂતેલા કૂતરા ભસી ઉઠયા એટલે સિફતપૂર્વક ઓળો સરકીને ધનજી કોળીના ઘર પાછળ પડતી નવેળીમાં લપાઇ ગયો. પડખેનાં ઘરમાંથી કોઇ ગયઢા દાદાએ ખોંખારો ખાધો ને ઓળો નીચે બેસી ગયો.
ધનજી કોળીનાં ઘર ફરતે વંડી હતી. પણ પડું પડું થઇ રહી હતી. નવેળી પાસે છીંડુ હતું અને ત્યાંથી એક પગ મૂકવાની માંડ જગ્યા હતી પણ ઉભડક પગે બેસીનેય ઘરમાં થઇ રહેલી હિલચાલને સહેલાયથી જોઇ શકાતી હતી. પેલા ઓળાએ આમતેમ જોયું. પણ જરાય સંચળ થતો હોય એમ ન લાગ્યું.
એટલે ‘કોઇ નથી’ ની ખાતરી થઇ ગઇ. પણ એ ખાતરી કર્યા પછીય અત્યંત સાવચેતી રાખવાની જરૂર હતી. નહિંતર તો કર્યો કારહો માથે પડે એમ હતું…
ઓળો નવેળીમાં ઊભો થયો. આજુબાજુ કોઇ છે નહીને એ તપાસી લીધું. અને હાથમાં રહેલુ ધારિયું મજબૂતીથી પકડી લીધું. રાત સમસમ કરતી વહી જતી હતી. અહીં આવવા નીકળ્યો ત્યારે રાતના દસેક થવા જતા હતા. કાળી બુકાની બાંધી, કાળા લૂગડા પહેરીને એ અહીં આવવા નીકળ્યો ત્યારે કાનની ડાબી પા’ ચીબરી બોલી હતી. પણ એ ક્યા શકન-અપશકનને માનતો હતો? બાવડામાં બળ હતું અને આંખ્યુમાં જુવાનીનો તોર હતો એટલે ગમે એવા વિઘનનેય પંડયના એક જ હડસેલે એ ઊડાડી નાખતો. છતાં પણ ડાબી આંખ્ય ફરકવા મંડી હતી…ઘડીક તો થયું કે આજ પાસાં કાં ઉંધા પડે? પણ પછી પોતાના જોસ જુસ્સો અને કૌવત ઉપર અભિમાન આવી ગયું હતું….
-એ આગળ વધ્યો. બધા જ ઉંઘતા હતા એ એણે જોઇ લીધું. ઓસરીમાં ટમકીયું બળતું હતું ત્યાં રામજી સૂતો હોય એમ લાગ્યું. બાકીનાં બધા તો ઉનાળાના વાહરવા ફળિયામાં સૂતા હતા. કોણ કોણ ક્યાં સૂતુ છે એ ઓળાએ જાણી લીધા પછી જ એ નવેળીમાં રહેલું છીંડુ ટપીને આણીપા પગ મૂક્યો. હવે પગલે પગલું દબાવીને ચાલવાનું હતું. જરા પણ સંચળ થાય તો પોતાનું કર્યું કારવ્યું ધૂળમાં મળી જાય. એ આગળ વધ્યોને ફળિયામાં જ લૂંબઝૂંબ ઊગેલી કરેણ પાછળ સંતાયને ઊભો રહ્યો… એ ઓળો બીજુ કોઇ નહીં પણ રઘુ હતો. રઘુ જસમત. ધનજી કોળીનો જમાઇ…
*** **** **** ***
વાત એમ હતી કે ધનજી કોળીની દીકરી રૂપીને પરણાવી એને બબ્બે વરસના વહાણા વાઇ ગયા પણ હમણાં હમણાં ચાર-છ મહિનાથી ઘરનું ગાડું સરખુ હાલતુ નહોતું. રૂપીનો ધણિ રઘુ હમણાં હમણાંથી અવળા માર્ગે ચડી ગયો હતો. ગામમાં જુગારના બે અડ્ડા હતા. દારૂનું પીઠુ હતું. રઘુની સંગતફેર થઇ ગઇ હતી અને ગામની એ ઉતાર ટણક ટોળીમાં રઘુ સામેલ થઇ ગયો હતો. રણજીત, ચકુભા, માવજી, મેઘા અને વીહલા ભરવાડની ચંડાળ ચોકડીએ ગામનાં કેટલાય જુવાનીયાના જીવતર બરબાદ કરી નાખ્યા હતા. એ જાળમાં રઘુ પણ સપડાઇ ગયો હતો. દારૂના સવાદે રૂપીનું જીવતર બેસ્વાદ બની ગયું હતું. અને હમણાં હમણાંથી તો રઘુ ઘરેણાંનીય માંગણી કરતો હતો. રૂપી જયારે ઘરેણાં આપવાની ના પાડતી ત્યારે તે રૂપીને ખૂબ મારતો. ઢોરમાર ખાઇ ખાઇને રૂપી ભૂખ્યે ભૂખી સૂઇ જતી. છતા પણ રઘુના અત્યાચારો વધતા જ ગયા અને એક દિવસ રૂપી કંટાળીને, પોતાનાં જ ઘરને રામ રામ કરીને હાલી નીકળી. ખિસ્સામાં નયો પૈસો ય હતો નહીં. ઘરેણાં તો બધા જ રઘુએ વેચી માર્યા હતા. વાલની વીંટીય પોતાની આંગળી ઉપર રહેવા દીધી નહોતી. એટલે છેવટે એકના એક દીકરાના ગળાનો દોરો વેચીને પિયર પહોંચી…
પિયરમાં આવીને બાપને વાત કરી. પણ ધનજી પટેલ તો ટાઢા કોઠાનું માણસ. એમણે કાંઇ ખાસ ધ્યાન ન આપ્યું. પણ રૂપીનો ભાઇ રામજી, પોતાની બહેન ઉપર વીતાડેલી રઘુના અત્યાચારની વાત સાંભળીને તેના ત્રેપન કરોડ રૂંવાડા સણેણાટ કરતા બેઠા થઇ ગયા. એ બોલી ઉઠયોઃ ‘સાલા, રઘુડાની આ હિંમત? આવવા દે એને, આંયાને આંયા જ એનો ઢાળિયો કરી દઉને?’
પણ એના તાતા વહરા વેણ સાંભળીને રૂપી થથરી ગઇ. એને પોતાના ભાઇના સ્વભાવની ખબર હતી. નક્કી, આ એની હારે બાઝી પડશે તો હસવામાંથી ખસવું થઇ જશે.’ ન કરે નારાયણને, કરે સત્યનારાયણ…’ એક વહરો વિચાર તેના આળા હૈયાને ઉઝરડો કરીને હાલ્યો ગયો ત્યારે મનોમન એ પોતે જ ગળગળી થઇ ગઇ…ગમે એમ તોય એ
આભાર – નિહારીકા રવિયા પોતાનો ધણી હતો. એ ગમે એવો હોય સાંજો હોય, ગાંડો હોય પણ ધણ એ ધણી. જગતનાં તમામ સુખ એની થકી હતા. એ ભલે ગમે એટલુ દુઃખ આપે તોય એ જીરવી લેવાય પણ એને જો કાંક થઇ ગયુને તો…?
પરંતુ સહનશીલતાની એક હદ હોય છે. ને એ વખતે રૂપીને થતું કે આનો માર ખાવા કરતાં તો પિયરમાં સૂક્કો રોટલો ને છાસ મળે તોય જીરવી લેવાશે પણ રઘુના અમાનુષી ત્રાસથી હવે તે ગળે આવી ગઇ હતી. પણ, પિયરમાં આવ્યા પછીય આ બાબતે બાપેય ત્રણ-ચાર વાર કીધેલું હતું ઃ ‘બેટા, રૂપી હવે જો જમાઇ પોતે જ તને તેડવા આવે તો જ મોકલવી છે. નહિંતર મારે તને ન્યાં માર ખાવા મોકલવી નથી….’
પણ બાપના ઠંડા વ્યવહારભર્યા વેણ સાંભળીને રામજી ઉલળી પડ્યો હતોઃ ‘બાપા, તમતમારે ચિંત્યા ઉપાધિ કરો મા. ઇ કાળમુખાને તો હું એક જ ઝાટકે પતાવી દેવાનો છું. એકવાર ઇને આંયા આવવા દો ને પછી જોજો મારા ખેલ. એને તો હું ચપટીમાં ચોળી નો નાખું તો રામો નહીં…’
‘નહીં…’ રૂપી બોલી ઉઠી.
મનને આમતેમ હડદોલા ખાતું જોઇ રહેતી. પોતાના કોડ, અરમાન અને સમણાંનો પલકવારમાં ભાંગીને ભૂક્કો થઇ ગયો હતો….નહિંતર તો કેવા હતા એ દિવસો? પંડ્યમાં ક્યાંય જુવાની છબતી નહોતી, ઘઉંલુ રૂપ, કામણગારી આંખ્યું. કેડ્ય લગી પૂગતો કાળો ભમ્મર ચોટલો અને રબારી ભરતના અતલસી ચણિયા ચોળી ને આભલા ભરેલી ઓઢણીમાં ઝલમલ થાતું રૂપ ગામના કેટલાય જુવાનીયાંવની આંખ્યુમાં સમાઈ ગયું હતું…
રૂપી પોતાના ભર્યાભાદર્યા ભૂતકાળમાં સરી પડી…કેવા હતા એ રંગીલા દિવસો?!? જયારે પોતે યૌવનનાં ઉંબરે પગ દઇને ઊભી હતી. અઢાર અઢાર વરસના ભર જોબનમાં…! તે દિ’ પોતાના કાકાની દીકરીના લગન હતા. ને જાન માં તે દિ’ રઘુડો આવ્યો હતો. ખભા લગ પહોંચતા કાળા ભમ્મર ઓડિયા, કસાયેલ દેહ, લીંબુની ફાડ્ય જેવી આંખ્યુ, ધોળી બાસ્તા જેવી ચોરણી ઉપર ભરત ભરેલા રંગરંગના દોરાથી મોર પોપટના ચિતર ચીતરેલુ કેડિયું, ગુલાબી શાલ અને ઉપર લીલી બંડી! દેવાંશી રૂપ રૂપીની આંખ્યુમાં સમાઇ ગયું હતું.
પોતે ઓંસરીની ધારે ઊભી રહીને એ જુવાનને તાકી રહી હતી ત્યાં જ એ જુવાને એની સામે જોયું. ને હસીને બોલ્યોઃ ‘પાણી પાશો?’
‘પાઇશને! પણ’
‘પણ-?’
‘….ના રહેવા દો.’ રૂપી ખીલખીલ હસી પડી. પણ ત્યાં જ પેલો જુવાન બોલી ઉઠયો: “ના ના તમે બોલી નાખો. જે બોલવું હોય ઇ! હૈયાની વાતું હૈયામાં સંઘરી ન રખાય. અધુરી અબળખામાં જીવતર સોરાયા કરે…”
‘મનની વાતું મોકો જોઇને કરાય. મનની વાતું આમ ઉભડક નો હોય. જે દિ’ મોકો આવશે તે દિ’ મારા હૈયાની વાત તમારા હૈયા આગળ ઠલવી દઇશ.’
‘પણ એવો મોકો ગોતવો કયારે?’ જુવાન બોલ્યો.
‘આવતા ભાદરવા મહિનામાં…’
‘આવતા ભાદરવામાં?’
‘હા….’ રૂપી મીઠું મુશ્કુરાઇને બોલી.
આવતા ભાદરવામાં તરણેતરના મેળામાં હું આવીશ. તમે આવજો?’ મનની વાત કહેતા રોકાઇશ નહીં.’
*** *** *** ***
તરણેતરનો મેળો ભરાયો ને રૂપી-રઘુએ એકબીજાના હૈયાની આપ-લે કરી લીધી. મેળો તો ત્રણ દિ’ પછી પુરો થઇ ગયો પણ રૂપી અને રઘુના હૈયામાં સમણાના તણખલા બંધાઇ ચૂકયા હતા અને એ તણખલાંએ દિવસો જતા તો પ્રિતનો માળો બાંધી દીધો હતો. એ જ ગાળામાંથી એક દિ’ પ્રેમની રૂડી બંસરી પણ વાગી ઉઠી…
નાત એક જ હતી. ખમતીધર ખોરડું હતું. અને રૂપીના કાકાની દીકરીના સાસરિયા પક્ષમાં સગુ થતું હતું પછી તો ધનજી પટેલે એ જ કુટુંબમાં બીજી દીકરીય આપી દીધી…
દિવસ… અઠવાડિયુ…મહિનો…છ મહિના…વરસ…કરતા કરતા રૂપી અને રઘુ પ્રેમના સમણાંને સમુસૂતરૂ પાર ઉતરી જતા એ નવાં નવા દિવસોને હેતપ્રેમથી માણીને જીવતા હતા અને દિવસો પસાર થતાં હતા…
-પણ જાણે કોકની નજર એ જોડાને લાગી ગઇ! ગામની એ ઉતારના પાનિયા જેવી ચંડાળ ચોકડીએ આવી તો કેટલીય જોડીઓ, દામ્પત્ય અને સંસારને આગ લગાડવાનું વહરૂ કામ કર્યુ હતું…
-રઘુ દારૂના રવાડે ચડી ગયો.(ક્રમશઃ)









































