અમેરિકામાં જ નહીં, સમગ્ર વિશ્વમાં જેની ફાઇલોથી ચારેકોર ચર્ચા છે તે ઍપ્સ્ટેઇન ફાઇલો વિશે કોઈને પૂરેપૂરી જાણ નથી તોય પોતે બધું જ જાણે છે તેવું ઘણા માને છે. આ ફાઇલો શું છે, તેની ચર્ચા કેમ છે? તેમાં નામોલ્લેખ છે તે બધા જ લોકો સેક્સ પાછળ પાગલ છે અને બાળ યૌન શૌષક છે તેવું માની લેવાયું છે.
એ તો સર્વવિદિત છે કે મદિરાલયમાં દૂધ પીનારા વિશે લોકો એ જ માનવાના કે એણે મદિરા પીધી હશે. આ જ રીતે ઍપ્સ્ટેઇન ફાઇલમાં અમેરિકાના પ્રમુખ ડાનાલ્ડ ટ્રમ્પ, તેમની પત્ની મેલાનિયા, પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન, માઇક્રાસાફ્‌ટથી જાણીતા બિલ ગેટ્‌સ, ગૂગલના સ્થાપક સર્ગી બ્રિન, એમેઝાનના સ્થાપક જેફ બેઝોસ, સાઉદી અરેબિયાના મોટા ઉદ્યોગપતિ સુલતાન અહમદ બિન સલાયેમ, નાર્વેની રાજકુંવરી મેટ્ટે મેરિટ, ઇંગ્લેન્ડના રાજકુંવર ઍન્ડ્રુ, તેની પત્ની સારાહ ફર્ગ્યુસન, દીકરીઓ બીટ્રિસ અને યુજીની, રાજકુંવરી ડાયેના, સ્વીડનની રાજકુંવરી સોફિયા, ટેસ્લા કાર કંપનીના સ્વામી ઇલોન મસ્ક, ગાયક માઇકલ જેક્સન, ફેશન માડલ નાઓમી કેમ્પબેલ, ફિલ્મ નિર્દેશિકા મીરા નાયર (જે હવે તેમના કટ્ટર ઇસ્લામી તેમજ ન્યૂ યાર્કના મેયર ઝોહરાન મમદાનીની માતા તરીકે વધુ ઓળખાય છે), વૈજ્ઞાનિક સ્ટીફન હાકિંગ્સ, યોગ અને આયુર્વેદના પ્રસાર માટે જાણીતા દીપક ચોપડાનાં અને વડાપ્રધાન મોદી, અનિલ અંબાણી, હરદીપસિંહ પુરી જેવાં ભારતીય નામોના નામો છે.
મૂળે તો જેફ્રી ઍપ્સ્ટેઇન, સાફિસ્ટિકેટેડ રીતે ફાઇનાન્સર હતો પણ યથાર્થમાં તે દલાલ જ હતો. તેને અમેરિકાના પ્રમુખ, પૂર્વ પ્રમુખ, ઉદ્યોગપતિઓ, વૈજ્ઞાનિકો સાથે ઘરોબો રાખવો પસંદ હતો. તે આ રીતે એકબીજાને મેળવી કામો કરાવી આપતો હતો. પરંતુ તેના માટે તે વર્જિન નામના ટાપુઓ પૈકીના તેના એક ટાપુ પર અય્યાશીની પાર્ટીઓ રાખતો. નીચતા એ વાતે હતી કે તે તેમાં કુમળી વયની છોકરીઓ પૂરી પાડતો.
આ પાર્ટીઓમાં મોટી-મોટી હસ્તીઓ આવતી અને અય્યાશી કરતી. ઉર્દૂમાં કહે છે તેમ શરાબ, શબાબ અને કબાબની મોજ માણતી. ઍપ્સ્ટેઇનની ગર્લફ્રેન્ડ ઘીસલેન મેક્સવેલે એક બહેનપણીને કહ્યું હતું કે ટાપુ પર છુપા કેમેરાઓ રાખવામાં આવ્યા હતા. આ કેમેરાઓનો ઉપયોગ કરીને ઍપ્સ્ટેઇન અને મેક્સવેલ મોટી હસ્તીઓને બ્લેકમેઇલ કરવાની યોજના ધરાવતા હતા.
આમ તો, આ બધું છાનુંમાનું ચાલતું રહેત કારણકે આટલી સર્વોચ્ચ કક્ષાની વ્યક્તિઓ જ્યારે ઍપ્સ્ટેઇનની મહેમાન હોય ત્યારે ઍપ્સ્ટેઇનને હાથ કોણ લગાડી શકે? પરંતુ ૨૦૦૫માં એક માબાપે પોલીસને ફરિયાદ કરી કે તેની ૧૪ વર્ષની દીકરીનું યૌન શોષણ કરાયું છે. અમેરિકાની કેન્દ્ર સરકારના અધિકારીઓને આવી ૩૬ છોકરીઓ મળી જેનું ઍપ્સ્ટેઇને યૌન શોષણ કર્યું હતું. ઍપ્સ્ટેઇને અપરાધ સ્વીકારી લીધો. ૨૦૦૮માં ફ્‌લારિડા રાજ્યના ન્યાયાલયે તેને માત્ર બે જ અપરાધમાં દોષી જાહેર કર્યો. એક તો બાળકીને વેશ્યાવૃત્તિ માટે લાવવી અને બે, વેશ્યાને લલચાવવા માટે. તેના માટે તેને માત્ર ૧૩ મહિનાની જ સજા થઈ.
પણ આટલી મોટી પ્રભાવશાળી હસ્તી હોવાથી જેલ સત્તા પણ તેની સમક્ષ ઝૂકી ગઈ. અથવા કહો કે ઝૂકવું પડ્‌યું. તેને સપ્તાહમાં છ દિવસ માટે ‘કામ માટે છોડી મૂકવા’માં આવતો હતો ! અને દિવસમાં ૧૨ કલાક તે જેલની બહાર રહી પોતાની આૅફિસમાંથી કામ કરી શકતો હતો ! તે તેની પોતાની આૅફિસમાં જઈ શકે, વેપારધંધો કરી શકે, અને આ બધો સમય તેના પર કોઈ નજર રાખવામાં ન આવે !
બોલો, આને સજા કહેવાય ?!
આ પછી છેક ૨૦૧૯માં એટલે કે અગિયાર વર્ષ પછી આ નરાધમ પોલીસની ઝપટે ચડ્‌યો. પરંતુ ૬ જુલાઈ ૨૦૧૯એ તેની ફરી ધરપકડ થઈ અને એક મહિનામાં એટલે કે ૧૦ આૅગસ્ટ ૨૦૧૯એ તો તેનું જેલમાં મૃત્યુ થઈ ગયું. ન્યૂ યાર્કની ડાક્ટર બાર્બરા સેમ્પ્સને જાહેર કર્યું કે તેણે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.
અનધિકૃત ચર્ચા તો એવી છે કે જેલમાં જ તેનો ઘડો લાડવો કરી દેવાયો, જેથી તે મોઢું ખોલી રહસ્યો જાહેર ન કરે.
૨૦૨૪ની પ્રમુખ પદની ચૂંટણીમાં ડાનાલ્ડ ટ્રમ્પે વચન આપ્યું હતું કે તેઓ ઍપ્સ્ટેઇન ફાઇલ જાહેર કરશે. ગત ૧૮ નવેમ્બર ૨૦૨૫ના દિને ઍપ્સ્ટેઇન ફાઇલ ટ્રાન્સપરન્સી કાયદો બન્યો. પરિણામે ગત ૧૯ ડિસેમ્બર ૨૦૨૫એ અમેરિકાના ન્યાય મંત્રાલયે થોડી જ માત્રામાં ઍપ્સ્ટેઇન ફાઇલો જાહેર કરી. તેથી તેની ટીકા થઈ. એટલે આ ૩૦ જાન્યુઆરીએ ૩૦ લાખ પાનાંઓ જાહેર કરાયાં છે. તેમાં ૨,૦૦૦ તો વીડિયો છે અને ૧.૮૦ લાખ ફાટા છે !
આના પરિણામે મીડિયા ઍપ્સ્ટેઇનની ચર્ચાથી ભરપૂર છે. મીડિયા તો આ બધી મોટી તોપોને આવરે પણ સાશિયલ મીડિયામાં તો વીડિયોની ક્લિપ સહિત લોકો મૂકી રહ્યા છે. વિશેષ તો યૌન શોષણની કુમળી પીડિતા જે આજે મોટી થઈ હોય તેમની વાતો, તેમના ઇન્ટરવ્યૂ વાઇરલ થયા છે. સાશિયલ મીડિયા પર તો એવા દાવા થઈ રહ્યા છે કે આ લોકો એમ માને છે કે વિશ્વમાં જનસંખ્યા બહુ વધી ગઈ છે. અને જલસા કરવાનો અધિકાર આપણને જ છે. દુનિયાનાં સંસાધનો પર આપણો જ અધિકાર છે. તેથી લોકોને કીડીમંકોડાની જેમ મારી નાખવા જોઈએ. આથી આ ટાપુઓ પર ઘણાં બાળકોને મારી નાખવામાં આવતા હતા. એટલું જ નહીં, પણ ઉલટી થાય તેવી વાત તો એ છે કે સાશિયલ મીડિયા પર દાવા મુજબ, આ બાળકોને મારીને તેમનું માંસ આ લોકો ખાતા હતા ! જો સાચું હોય તો આ કહેવાતા દિગ્ગજો કેવા
વિકૃત કહેવાય.
આ દાવાઓ મુજબ, એટલે જ બિલ ગેટ્‌સ સહિત અમેરિકાના લોકોએ ચીનની વુહાન પ્રયોગશાળામાં કારોના વાઇરસ બનાવવાનું આઉટસોર્સિંગ કર્યું. બિલ ગેટ્‌સ સહિતના લોકોએ તેની રસી બનાવી અને આજે આ રસીના કારણે લોકો ટપોટપ હાર્ટ ઍટેકથી મરી રહ્યા છે. જોકે કોઈ સરકાર આવું કહેતી નથી કે રસીના કારણે લોકોના મૃત્યુ થઈ રહ્યા છે.
ઍપ્સ્ટેઇન ફાઇલમાં એવો દાવો કરાયો છે કે બિલ ગેટ્‌સને રશિયાની છોકરીઓ સાથે સેક્સથી ‘એસટીડી’ (ગુપ્ત રોગ) થઈ ગયો હતો (તે છોકરીઓમાંથી કેટલી જીવિત રહી હશે?) અને તેણે ઍપ્સ્ટેઇન પાસે એન્ટી બાયાટિક્સ ઔષધિ માગી હતી. આ ઔષધિ (દવા) તેણે તેની તે સમયની પત્ની મિલિન્ડા ફ્રેન્ચ ગેટ્‌સ માટે માગી હતી. મિલિન્ડાને આ દવા તેની જાણ બહાર આપવાની હતી.
વડાપ્રધાન મોદીનું નામ અનિલ અંબાણી અને ઍપ્સ્ટેઇન વચ્ચે ઇમેઇલ અથવા સંદેશાઓમાં આવે છે. ડાનાલ્ડ ટ્રમ્પ ચૂંટાયા પછી મોદી તેમનાં વર્તુળોમાં વરિષ્ઠ લોકો સાથે સંપર્ક કરીને બંને દેશો વચ્ચે સારા સંબંધો બનાવવા માગતા હતા, મોદી ચીનને પ્રથમ શત્રુ માનતા હતા અને પાકિસ્તાનને તેનું પ્યાદું. તેમણે ચીનને ઘેરવા માટે પણ આ સંપર્કો સ્થાપિત કર્યા હતા તેવું ઍપ્સ્ટેઇનની વ્હાઇટ હાઉસ પર પ્રભુત્વ ધરાવતા સ્ટીવ બેનન સાથેની વાતચીત પરથી ફલિત થાય છે.
હવે વાત વર્તમાન પેટ્રાલિયમ અને કુદરતી વાયુ પ્રધાન હરદીપસિંહ પુરીની. તેમણે ઍપ્સ્ટેઇન સાથે જૂન ૨૦૧૪થી જૂન ૨૦૧૭ દરમિયાન સંદેશાવ્યવહાર કર્યો ત્યારે તેઓ મોદી સરકારમાં પ્રધાન નહોતા. તેઓ વિદેશ સેવામાંથી નિવૃત્ત થઈ ભાજપમાં જોડાયા અવશ્ય હતા. તેમણે ઍપ્સ્ટેઇનનો સંપર્ક ભારતમાં મૂડીરોકાણ લાવવા માટે કર્યો હતો.
પરંતુ આ સંદેશાવ્યવહારમાં યુરોપના લોકોનો ભારત તેમજ ભારતીયો પ્રત્યે કેવો ધિક્કાર છે તે પણ જોઈ શકાય છે. નાર્વેના રાજદ્વારી ટેર્જે રોડ-લાર્સન અમેરિકાના મેનહટ્ટન સ્થિત થિંક ટૅંક ઇન્ટરનેશનલ પીસ ઇન્સ્ટિટ્યૂટના ઉપાધ્યક્ષ પણ હતા. ક્યાંય સીધો ઉલ્લેખ નથી પરંતુ મીડિયા અહેવાલો પરથી એવું લાગે છે કે પુરીએ ઍપ્સ્ટેઇન સુધી પહોંચવા માટે લાર્સેનનો સંપર્ક કર્યો હશે. આથી ટેર્જે રાડ-લાર્સન અને ઍપ્સ્ટેઇન વચ્ચે સંદેશાવ્યવહારમાં ટેર્જે મજાકમાં કે સાચે જ એવું કહે છે કે “તમે એ કહેવત તો સાંભળી જ હશેઃ જો તમને ભારતીય અને સાપ મળે તો પહેલાં ભારતીયને મારી નાખો.” અર્થાત્ ભારતીયો સાપ કરતાંય વધુ ભયાવહ હોય છે.
મજાની વાત એ છે કે ઍપ્સ્ટેઇન અબજોપતિઓની સંપત્તિ, વેરા, એસ્ટેટ પ્લાનિંગ વગેરે સંભાળવાનો ધંધો કરતા હતા. તેમના એક ગ્રાહકનું નામ છે અદનાન ખશોગી. કાન ચમક્યા ને? ‘૯૦ના દાયકામાં ખશોગીનું નામ મીડિયામાં બહુ આવતું હતું. રસપ્રદ ઇતિહાસને તાજો કરીએ.
સાઉદી અરેબિયાના અદનાન ખશોગી શસ્ત્રોના સોદાઓમાં વચેટિયા અથવા દલાલ તરીકેનું કામ કરતા હતા. તેમનું નામ એક કૌભાંડમાં આવ્યું હતું. ૧૯૮૦ના દાયકામાં અમેરિકાને ઈરાન સાથે સારું બનતું હતું. તે વખતે અમેરિકાના પ્રમુખ હતા રાનાલ્ડ રેગન. તેમની સરકારે ખશોગી મારફતે ગેરકાયદે રીતે ઈરાનને શસ્ત્રો પૂરાં પાડ્‌યા હતા ! તે સમયે પણ ઈરાન પર શસ્ત્રો વેચવા પર અમેરિકાનો પ્રતિબંધ હતો, પણ મજબૂરી કા નામ! અમેરિકાએ આ શસ્ત્રો વેચીને ઉપજાવેલા ડાલરમાંથી નિકારગુઆમાં વિદ્રોહીઓને નાણાં પૂરા પાડ્‌યા હતા !
આ અદનાન ખશોગી ૧૯૯૧માં ભારત આવ્યા ત્યારે ભારતના મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે ઉથલપાથલ મચી ગઈ હતી. તે વખતે તેઓ વડાપ્રધાન ચંદ્રશેખરને તેમના દિલ્લી પાસેના ભોંડસી ખાતેના ફાર્મહાઉસમાં મળ્યા હતા. આ ઉપરાંત ત્યારે ચંદ્રશેખરની સરકાર કાંગ્રેસના બહારથી ટેકાથી ચાલતી હતી. એટલે અદનાન ખશોગી રાજીવ ગાંધીને પણ મળ્યા હતા. આ ઉપરાંત તે સમયે કાંગ્રેસમાં ખૂબ મહવ ધરાવતા કહેવાતા સાંપ્રદાયિક (તેને ધાર્મિક ન કહી શકાય) ગુરુ ચંદ્રસ્વામીને પણ તેઓ મળ્યા હતા.
પૂણેના એક વેપારી હસન અલી ખાને ખશોગી માટે અનેક વાર કાળાં નાણાં સફેદ કરી આપ્યા હતા અને સ્વિસ બૅંકમાં જમા કરાવ્યા હતા. આથી ૨૦૦૭માં હસન અલી ખાન સામે તપાસ શરૂ થઈ હતી. પરંતુ ૨૦૧૧માં નાણા પ્રધાન પ્રણવ મુખર્જીએ જાહેરાત કરી હતી કે સ્વિસ બૅંકમાં હસનનાં બંને ખાતાંઓ ખાલી છે. ૨૦૧૨માં તેમણે કહ્યું હતું કે તેમની પાસેથી ચડી ગયેલા કરવેરા (જે લાખો રૂપિયા નહીં, અબજો હતા- રૂ. ૯૧૦ અબજ) શક્ય નથી !!
જોકે તે વખતે સરકારે એક નેતા પર દરોડો પાડ્‌યો હતો. આ નેતા બિહારના કાંગ્રેસના પ્રવક્તા અમલેન્દુકુમાર પાંડે હતા અને તેમના પર આક્ષેપ હતો કે તેમણે હસન અલી ખાનને નકલી દસ્તાવેજો પર પટનાથી પાસપાર્ટ પ્રાપ્ત કરાવવામાં અને સિંગાપોરમાં ખાતું ખોલાવી તેમાં કાળાં નાણાં જમા કરાવવામાં સહાય કરી છે. પાંડે હસન સાથે ૧૯૯૭માં ફ્‌લાઇટમાં સિંગાપોરની બૅંકમાં ખાતુ ખોલાવવા પણ ગયા હતા ! ખશોગી અને હસનની જેમ આ પાંડે પણ સત્તાના દલાલ હતા. તેઓ ઘણા પક્ષોમાં આંટો મારી આવ્યા હતા. એટલું જ નહીં, ૧૯૯૭માં તો આ અમલેન્દુકુમાર પાંડે તે સમયના વડાપ્રધાન ઈન્દ્રકુમાર ગુજરાલ જ્યારે વિદેશ પ્રધાન હતા ત્યારે તેમના વિશેષ ફરજ પરના અધિકારી (ઓએસડી) હતા.
ઍપ્સ્ટેઇનના ગ્રાહક અદનાન ખશોગી ઍપ્સ્ટેઇનની જેવી જ ચર્ચા એક સમયે થયેલી તે પામેલા બાર્ડેસ કેસમાં પણ ઉલ્લેખ પામ્યા હતા. જૂની પેઢીના વાચક મિત્રોને સ્મરણ હશે કે ૧૯૮૦ના દાયકામાં, ભારતમાં જન્મેલી પામેલા બાર્ડેસનું ઇંગ્લેન્ડના મોટા રાજનેતાઓ અને મોટા પત્રકારો સાથેનું સેક્સ કૌભાંડ ખૂબ જ ચર્ચાયું હતું. મૂળ નામ પામેલાસિંહ. તેનો જન્મ ૧૯૬૧માં દિલ્લીમાં થયો હતો. તેના પિતા મહેન્દ્રસિંહ ભારતીય સેનાના અધિકારી હતા ! પણ તે વેશ્યાવૃત્તિના રવાડે ચડી ગઈ.
ઇંગ્લેન્ડમાં એક વેશ્યાલય પ્રચાર અધિકારી (ઍપ્સ્ટેઇનની જેવા વચેટિયા/દલાલ) મેક્સ ક્લિફાર્ડના ગ્રાહકોને વેશ્યાઓ પૂરું પાડતું. ક્લિફાર્ડે વેશ્યાલયની કર્તાધર્તાને તેની છોકરીઓ અને ગ્રાહકો વિશે પૂછ્યું તેમાં પામેલાનું કૌભાંડ ખુલ્લું પડ્‌યું.
આવું વિદેશોમાં જ થાય છે તેવું રખે માનતા. ભારતમાંય આવું સામાન્ય છે. આસામમાં કાંગ્રેસના શાસન દરમિયાન એપીએસસી (આસામ જાહેર સેવા આયોગ)ના અધ્યક્ષ રાકેશ પૌલે મહિલા અભ્યર્થીઓને નોકરીની લાલચ આપી તેમની સાથે શરીર સંબંધ બનાવ્યા હતા. રાકેશ પૌલે આસામના તે સમયના મુખ્ય પ્રધાન તરુણ ગોગોઈના દીકરા ગૌરવ ગોગોઈના લગ્નમાં સોનાની ચેઇન, વીંટી, બ્રેસલેટ ભેટમાં આપ્યા હતા તેવો આક્ષેપ સરકારી સાક્ષી બનેલા મૃગેન સાઇકિયાએ કર્યો હતો. મધ્ય પ્રદેશમાં ભાજપ શાસનમાં ૨૦૧૯માં પૂર્વ પ્રધાનો અને શક્તિશાળી રાજકારણીઓને ‘હની ટ્રૅપ’માં ફસાવી બ્લેકમેઇલ કરી કરોડો રૂપિયા કમાવવા અને ટેન્ડરો-કાન્ટ્રાક્ટ મેળવવાનું કૌભાંડ બહાર આવ્યું હતું.
પરંતુ ઍપ્સ્ટેઇનનું કૌભાંડ સૌથી ભયાવહ છે. તેમાં કુમળી વયની છોકરીઓનો ઉપયોગ કરાયો હતો અને દાવાઓ સાચા હોય તો, તેમને મારી નખાતી હતી. આ એ લોકો છે જે આખી દુનિયાને વશમાં રાખે છે, માનવાધિકાર અને નૈતિકતાના પાઠ ભણાવે છે. બિલ ગેટ્‌સ તો મોટા દાન આપનારા છે. સામાજિક પ્રવૃત્તિ કરનારા ગણાતા હતા. સ્ટીફન હાકિંગ માટે ખૂબ માન હતું. તેમણે તેમની વિકલાંગતા પર જીત મેળવીને વિજ્ઞાનમાં અદ્‌ભુત પ્રદાન કર્યું હતું. આવું કૌભાંડ કોઈ કાળે ન ચલાવી લેવાય, પણ ઍપ્સ્ટેઇનનું જેમ જેલમાં ફીડલું વળી ગયું તેમ આ ફાઇલોની ચર્ચા પણ થોડા દિવસ પૂરતી ચાલશે પછી શાંત થઈ જશે.