અમરેલી જિલ્લા કલેકટર કચેરીના કેમ્પસની આસપાસ પ૦ મીટર ત્રિજયામાં
અમરેલી જિલ્લા કલેકટર કચેરીના કેમ્પસ સહિતના આસપાસના ૫૦ મીટર ત્રિજ્યામાં આવેલા વિસ્તારમાં ઉપવાસ, સભા સહિતના કાર્યક્રમો પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે પ્રસિદ્ધ કર્યું હતું. અહીં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૧૬૩ અંતર્ગત પ્રતિબંધિત વિસ્તાર જાહેર કર્યો છે. પ્રતિબંધિત વિસ્તારમાં ઉપવાસ પર બેસવું, પારણાં કાર્યક્રમ, સભાઓનું આયોજન કરવા સહિતના કાર્યક્રમો પર પ્રતિબંધ છે. જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવા સૂત્રો પોકારવા, અફવાઓ ફેલાવવી, હથિયાર સાથે રાખીને પ્રવેશ કરવો, કોઈપણ વિસ્ફોટક પદાર્થ અને આગ લાગે તેવા પદાર્થ, માનવ શરીરને નુકસાન થાય તેવા ઝેરી પદાર્થો સાથે રાખવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અમરેલી જિલ્લા કલેકટર કચેરીના કેમ્પસમાં આસપાસ પ્રતિબંધાત્મક આદેશ કરતું જાહેરનામું ૧૬ સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધવામાં આવશે.