અમેરિકા અને યુરોપના મોટાભાગના પરિવારોમાં એક ચિલ્ડ્રન લાઇબ્રેરી હોય છે, જેમાં બાળકોને વાંચવાના અને વાંચી સંભળાવવાના પુસ્તકો હોય છે. આપણે ત્યાં ચિલ્ડ્રન લાઇબ્રેરીનો ખ્યાલ સાવ નવો છે. કારણ કે માતા-પિતા જ પુસ્તકોથી વિમુખ છે, એટલે વાંચનની એક આખી અભિનવ
સંસ્કૃતિ દાખલ કરવાની જરૂર છે. લોકડાઉનના દિવસો દરમિયાન પશ્ચિમી દેશોમાં ઘણા પરિવારો એવા હતા, જેમના ઘરમાં અઢળક પુસ્તકો હતા એટલે તેઓને તેમના બાળકો સાથે જ્ઞાનગોષ્ઠી કરવાનો દુર્લભ સમય મળી ગયો. આપણા દેશમાં જ નહીં, પૂર્વના કોઈ પણ દેશોમાં વાંચનના સંસ્કાર હવે દેખાતા નથી. એક જમાનો હતો કે દુનિયાભરમાંથી લોકો પુસ્તકોને લખીને ઉતારી લેવા માટે તક્ષશિલા અને નાલંદા આવતા હતા. વિશ્વના સમ્રાટો તેમના લહિયાઓને ભારત મોકલતા હતા. ભારતનો સામાન્ય નાગરિક પણ જ્ઞાનગંભીર હતો. પરંતુ પછીથી તબક્કાવાર ભારતીય પ્રજા ઉપર ઉપરથી દેખાડા પૂરતા વિધિ વિધાનો અને વિવિધ માન્યતાઓમાં લપેટાઈ ગઈ જેને કારણે અસલ જ્ઞાનની ઉપાસના સાવ વીસરાઈ ગઈ. આજે આકાશમાં જોઈને કોઈ પણ બાળક એના પિતાને પૂછે કે પપ્પા આ સામે બે તારાઓ જે બહુ ચમકે છે એ શું છે ? તો એ પિતા એના બાળક જેટલો જ અજ્ઞાન હોય છે. આ જ રીતે વગડામાં કોઈ પંખીનું ગુંજન સંભળાય તો આજના વાલીને ખબર નથી કે બપૈયા, હોલા અને પારેવડાંમાં શું ભેદ છે. એવું જ બધું છે. શીંગદાણામાંથી પ્રોટીન મળે કે વિટામીન એ પણ કોને ખબર ? જિંદગીના મહામૂલા વરસો ગામને પાટિયે, ટીવીમાં ને પછી મોબાઈલમાં ઘૂમડ-ઘૂમડ જેમણે પસાર કર્યા હોય તેઓ ભીતરથી કોરા રહી ગયા હોય છે. તેઓ બાઘા છાપ બેવકૂફ હોય છે. મધ્ય યુગ અને પછી બ્રિટિશ શાસન બાદ ભારતીય નાગરિકોની જિજ્ઞાસા લગભગ લુપ્ત થઈ ગઈ છે અને જે બાકી બચી છે એ માત્ર રાજકારણ પૂરતી છે. એટલે તો કૂવામાં હોય તો અવેડામાં આવે એ ન્યાયે સંતાનો જ્ઞાનથી તરસ્યા રહી જાય છે. માતા-પિતાને ઠપકો આપવાનો કોઈ અર્થ નથી કારણ કે પાકે ઘડે કાંઠા ચડવાના નથી. આપણા દેશમાં ચિલ્ડ્રન લાઈબ્રેરી અસ્તિત્વમાં આવતા હજુ સો વર્ષ પસાર થઈ જશે. બાળકોને રમાડવા માટેના જુદા જુદા માટીમાંથી બનાવી શકાય એવા રમકડાં પણ આપણને બનાવતા આવડતા નથી. ઉપરાંત બાળકો સાથે વાત કરવા બેસીએ તો એક કે બે દિવસમાં આપણો ભંડાર ખાલી થઈ જાય છે, પછી વાત કરવાની કોઈ સામગ્રી આપણા કંઠમાં હોતી નથી. ખજાના ખાલી ખમ. આ રંક માતાપિતા છે જેઓ પૈસા સિવાયની અનેક બાબતોમાં રંક હોય છે. આ વાત કોઈ વાલી સ્વીકારે કે ન સ્વીકારે પરંતુ દરેક દંપતીને આનો પૂરેપૂરો અહેસાસ થયો છે. શોખ આપણે ત્યાં કેળવાતા જ નથી. પહેલી વાત તો એ છે કે શોખ એટલે શું એનું જ શિક્ષણ આપવાની જરૂર છે. શાળાઓમાં હોબીનો એક તાસ હોવો જોઈએ. આપણે તો દરેક શોખમાં કંઈક ને કંઈક સ્વાર્થ જોતા હોઈએ છીએ અને સૌથી મહ¥વની વાત એ છે કે જેમાંથી મનોરંજન મળે એને શોખ ન કહેવાય. જેમાંથી હૃદયને પરમ આનંદ મળે એ શોખ છે. મનોરંજન અને આનંદ વચ્ચે આડાગાડાનો ફેર છે. ડેલ કારનેગી નામના એક સજ્જનને બીજા લોકોના ઇન્ટરવ્યૂ લેવાનો શોખ હતો. એમને હતું કે હું તો મારી જિંદગીમાં એક જ જિંદગી જીવી શકીશ પરંતુ બીજા લોકોની જિંદગીમાં જો ડોકિયું કરું તો મને એક સાથે કેટલી બધી જિંદગીનો લાભ મળે ! તેઓ એક સામાન્ય ખાતેદારના દીકરા હતા. તેઓ નાના હતા ત્યારે વહેલી સવારે ત્રણ વાગે ઉઠીને પિતા સાથે કામે લાગતા. યુવાનવયમાં પહોંચતા સુધીમાં એમણે જિંદગીના અનેક રૂપ જોઈ લીધા હતા. બીજાઓના હૃદયમાં ડૂબકી મારવા તેઓ અનેક અજાણ્યા લોકો સાથે સામે ચાલીને વાતોએ વળગતા અને સફળતા કે નિષ્ફળતાના કારણોની તપાસ કરતા. પછીથી તો એમણે ઇન્ટરવ્યૂ લેવાના શરૂ કર્યા. નાનામોટા એટલા બધા સામાન્ય અને અસામાન્ય લોકોને તેઓ મળ્યા અને એમને જુદા જુદા પ્રશ્નો પૂછ્યા કે એક આખું ઘર ભરાઈ જાય એટલી નોંધો એમની પાસે ભેગી થઈ. જેમાંથી તેમણે અનેક મહ¥વની નોંધ ફરી જુદી ટપકાવી. આગળ જતાં ડેલ કારનેગી નામના સજ્જને પોતે ઇન્ટરવ્યૂ લેતી વખતે ટપકાવેલી નોંધો પરથી એક પુસ્તક તૈયાર કર્યું જેનું નામ છે જિંદગી જીતવાની જડીબુટ્ટી. આ પુસ્તકની દુનિયામાં લાખો નકલો વેચાઈ ગઈ અને તેઓ રાતોરાત મહાન બની ગયા. શોખ એવી વસ્તુ છે કે એનું કોઈ વાર પરિણામ આવે છે ત્યારે ચમત્કાર જ થાય છે. પરંતુ શોખમાંથી કમાવાની ઇચ્છા ન હોવી જોઈએ. આપણે ત્યાં કોઈને પૂછો કે શું શોખ છે તો કહે કે જુના ફિલ્મી ગીતો. પણ તમે એને પૂછો કે દિલ જો ન કહે સકા… વહી રાઝે દિલ… સંગીતકાર રોશને આ ગીત કઈ ફિલ્મ માટે તૈયાર કર્યું ? તો એની એમને કંઈ ખબર ન હોય. પશ્ચિમના દેશોમાં તો જેને શોખ હોય એ લોકો એવો જ શોખ ધરાવતા અન્ય લોકો અને ક્લબોના સંપર્કમાં હોય છે. પોતાનો નવરાશનો સમય નિયમિત રીતે એમાં જ ફાળવતા હોય છે. દર વરસે પોતાના શોખમાં એક એક કદમ આગળ વધતા હોય છે. અરે પોતાની થોડીક બચત પણ શોખ પાછળ વાપરતા હોય છે. આમાંનું એકેય લક્ષણ ગુજરાતીઓના શોખમાં હોતું નથી. આપણે ત્યાં તો વ્યસનને શોખ માનનારો એક વિરાટ વર્ગ છે. સુભાષિતકારે કહ્યું છે કે સજ્જન ગૃહસ્થનો સમય સાહિત્ય કે શાસ્ત્રોની પ્રસન્નતા દાયક વાતો કરવામાં પસાર થાય છે અને મૂર્ખ લોકોનું આયુષ્ય નિદ્રા, ક્લેશ અથવા વ્યસનમાં વીતી જાય છે. સંસારમાં લાખો લોકો એવા છે કે જેનો સમય બીજાઓના દોષ જોવામાં, બીજાઓની ઈર્ષ્યા કરવામાં, અન્યોને અકારણ વગોવવામાં, વગર મહેનતનો યશ લેવામાં અને ભૂતકાળની વ્યર્થ વાતો કરવામાં પસાર થાય છે. આપણા પંથકમાં એમ તો કેટલાક પ્રકૃતિના શોખીનો છે. ગીરના જંગલ પાછળ ઘેલા થયેલા લોકો છે. કોઈ ચિત્રકાર છે, તો કોઈ સંગીતકાર પણ છે. કોઈને જાદુનો શોખ છે તો કોઈને વળી ભજનનો શોખ છે. એ જ રીતે કલા, સાહિત્ય ને સંગીતનું પણ થોડું-ઘણું પ્રમાણ આપણા જિલ્લામાં છે. એની પાછળનું કારણ છેક ગાયકવાડી રાજ્યની શૈક્ષણિક પરંપરા છે, જેનો આપણી પ્રજાને સાંસ્કારિક વારસો મળેલો છે પરંતુ રાજ્યના બધા જિલ્લામાં આવું નથી. વળી રાજ્ય કે દેશની કુલ ટકાવારીમાં તો સાંસ્કૃતિક કે સાહિત્યિક સંપ્રજ્ઞતા ધરાવનારાની સંખ્યા એક ટકાથી પણ ઓછી. માત્ર રોજગારી, રોગચાળો કે આર્થિક વિષમતાઓ જ આપડી સમસ્યા નથી, આ પણ આપડી સમસ્યા છે.