ઉના તાલુકાના સૌથી મોટા ગામ કોબમાં માધ્યમિક શાળાના અભાવે હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. ૧૫,૦૦૦થી વધુ વસ્તી ધરાવતા આ ગામમાં માધ્યમિક શિક્ષણની સુવિધા ન હોવાથી અનેક સમસ્યાઓ સર્જાઈ છે. કોબ ગામ દરિયાકિનારે આવેલું છે અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવની નજીક છે. અહીં કોળી, દલિત અને મુસ્લિમ સમાજ સહિતના વિવિધ સમુદાયના લોકો વસવાટ કરે છે. મોટાભાગના લોકો માછીમારી અને મજૂરી જેવા વ્યવસાયો સાથે સંકળાયેલા છે. ગામમાં પ્રાથમિક શાળામાં ૬૯૭ બાળકો અભ્યાસ કરે છે, પરંતુ માધ્યમિક શાળાના અભાવે ધોરણ ૮ પછી મોટાભાગના વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દે છે. કેટલાક વાલીઓ પોતાના બાળકોને ડોળાસા, દીવ, ઉના જેવા નજીકના ગામોમાં અભ્યાસ માટે મોકલે છે, પરંતુ આર્થિક મુશ્કેલીઓને કારણે ઘણા બાળકો, ખાસ કરીને છોકરીઓ, ઉચ્ચ શિક્ષણથી વંચિત રહે છે. આ સમસ્યાના નિરાકરણ માટે સામાજિક એકતા જાગૃતિ મિશન અને કેવલસિંહ રાઠોડ દ્વારા સરકારને વિગતવાર રજૂઆત કરવામાં આવી છે. તેમની માંગ છે કે કોબ ગામમાં પૂર્ણ સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળા ફાળવવામાં આવે અને આવતા શૈક્ષણિક સત્રથી જ આ શાળા કાર્યરત થાય.