ઉના તાલુકાના આમોદ્રા ગામ નજીક ગૌમાંસ અને ગૌહત્યાનો બનાવ સામે આવતા તંગદિલી સર્જાઈ છે. શિવસેના, આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ અને હિન્દુ યુવા સંગઠન ભારતે આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસની માંગણી સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. સંગઠનોએ ગૌહત્યામાં મદદ કરનારાઓની તપાસ, વાછરડાની પ્રાપ્તિ અને માંસની હેરાફેરી, આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ અને રહેઠાણ, ગુજસીટોક હેઠળ કાર્યવાહી અને કલમોનો ઉમેરો, જમીનની માલિકી અને ગેરકાયદેસર પ્રવૃત્તિનો સમયગાળો, માંસ ખરીદનારાઓની તપાસ, આરોપીઓના લાયસન્સ અને મિલકતની તપાસ જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત, ઉના શહેરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાનાઓ તાત્કાલિક બંધ કરવાની પણ માંગ કરવામાં આવી છે. હિન્દુ સંગઠનોએ આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને દાખલારૂપ સજા કરવાની માંગ કરી હતી.