ઉના શહેરમાં ઉના તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ અને સમૂહ લગ્ન-યજ્ઞોપવિત સમિતિના ઉપક્રમે ૩૪મા સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વૈદિક અને શાસ્ત્રોક્ત પરંપરા મુજબ ૩ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, જ્યારે ૫ બાળકોએ યજ્ઞોપવિત ધારણ કર્યા હતા. આ ધાર્મિક કાર્યક્રમમાં વિદ્વાન ભૂદેવો રમેશભાઈ દીક્ષિત, ચેતનભાઈ જાની અને મુકેશભાઈ જોશી (શુક્લજી) દ્વારા વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ અવસરે ઉના તાલુકાના બ્રહ્મ અગ્રણીઓ અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓ તથા યજ્ઞોપવિત ધારણ કરનાર બાળકોને આશીર્વાદ આપ્યા હતા. અંદાજે ૧૫૦૦થી ૨૦૦૦ બ્રાહ્મણોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. કાર્યક્રમમાં આજીવન ભોજન દાતા બાબુભાઈ ગજેરા તથા અન્ય દાતાઓનું આયોજકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ અને અગ્રણી રામભાઈ વાળા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સમૂહલગ્ન સમિતિ, બ્રહ્મ કર્મચારી મંડળ, પરશુરામ યુવા સંસ્થાન અને મહિલા મંડળના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.











































