સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તારીખો જાહેર થતાં ઉનામાં ભાજપ દ્વારા ટિકિટ ઇચ્છુકો માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સોમનાથબાગ ખાતે યોજાયેલી આ પ્રક્રિયામાં સવારથી જ કાર્યકરો અને દાવેદારોની મોટી ભીડ જોવા મળી હતી. આ પ્રક્રિયા માટે નિરીક્ષકો તરીકે પી.સી. બરંડા, મહેન્દ્ર પટેલ અને ચંદ્રિકાબેન લીંબાસીયા હાજર રહ્યા હતા. સવારના સત્રમાં કોડીનાર તાલુકા પંચાયતની ૨૪ અને જિલ્લા પંચાયતની ૫ બેઠકો માટેના દાવેદારોની વિગતો લેવામાં આવી હતી. બપોર બાદ ગીરગઢડા તાલુકા પંચાયતની ૨૦ અને જિલ્લા પંચાયતની ૪ બેઠકો માટે દાવેદારો હાજર રહ્યા હતા. જિલ્લા પ્રભારી ભાવનાબેન હિરપરાએ પ્રક્રિયાની પારદર્શિતાની ખાતરી વ્યક્ત કરી અને ભાજપના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આવતીકાલે ઉના તાલુકા પંચાયત ની ૨૬ અને જીલ્લા પંચાયતની ૭ બેઠકો તેમજ નગરપાલિકા ની ૩૬ બેઠકો માટે દાવેદારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.










































