ઉના તાલુકાના વાંસોજ ગામમાં મોડી રાત્રે એક બંધ ટ્રકની કેબિનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ગામના પાદરમાં પાર્ક કરેલી ય્ત્ન ૧૪ ઢ ૩૦૦૮ નંબરની ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા વાતાવરણમાં ગભરાહટ ફેલાયો હતો. સદનસીબે, આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ હિંમતભેર પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી હતી અને કાબૂમાં લીધી હતી. જોકે, આગ ઓલવાયા બાદ ટ્રકની કેબિનનો આખો ભાગ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટના બની તે સમયે ટ્રક ડ્રાઈવર અને તેનો સાથી ગામમાં કામ અર્થે ગયા હતા, જેથી કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.









































