ઉના શહેરની સીમમાં અંજાર-કોઠારી જતા રોડ પર આવેલા ચંદુભાઈ એલ. જાનીના મહાકાલી ફાર્મ હાઉસમાં મોડી રાત્રે રહેણાંક મકાનના ફળિયામાં એક વિશાળકાય પાંચ ફૂટનો મગર આવી જતાં લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. જોકે, વન વિભાગની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને મગરને સફળતાપૂર્વક પાંજરે પૂરતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બનાવની વિગત મુજબ, રાત્રે લગભગ ૨ વાગ્યાની આસપાસ ફાર્મ હાઉસમાં રહેતા બાબુભાઈએ ફળિયામાં મગરને જોયો હતો. તેમણે તાત્કાલિક આજુબાજુની વાડીમાં રહેતા લોકોને જાણ કરતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતા જોતા, ઉના વન વિભાગ કચેરીના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ વન વિભાગની રેસ્ક્યુ ટીમ પાંજરું લઈને તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. લગભગ એક કલાકની ભારે જહેમત બાદ વન વિભાગના કર્મચારીઓએ મગરને સફળતાપૂર્વક પાંજરે પૂર્યો હતો. મગરને પકડ્યા બાદ તેને વન વિભાગની જસાધાર ગીર કચેરીએ લઈ જવામાં આવ્યો હતો. વન વિભાગની આ ત્વરિત અને સફળ કાર્યવાહી બદલ સ્થાનિક લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો અને ભયમુક્ત બન્યા હતા.