ઉના તાલુકાના ખાપટ ગામમાં મફત પ્લોટની ફાળવણીને લઈને સર્જાયેલો વિવાદ હવે ઉગ્ર બન્યો છે. અનુસૂચિત સમાજને સ્મશાનભૂમિ અને પાણીના વહેણવાળી જગ્યાએ પ્લોટ ફાળવવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે આજે ૧૦૦થી વધુ મહિલા-પુરુષો ઉના પ્રાંત કચેરી ખાતે પ્રતીક ઉપવાસ પર ઉતર્યા છે. ગત ૧૪ ફેબ્રુઆરીના રોજ સાંસદ અને જિલ્લા કલેક્ટરની હાજરીમાં ૧૯૫ મફત પ્લોટની સનદ એનાયત કરવામાં આવી હતી. જોકે, ગ્રામજનોનો આક્ષેપ છે કે આ પ્રક્રિયામાં ભેદભાવયુક્ત નીતિ અપનાવી અનુસૂચિત સમાજને રહેવા લાયક ન હોય તેવી અયોગ્ય જગ્યાઓ પધરાવી દેવામાં આવી છે. અગાઉ આવેદનપત્ર આપવા છતાં તંત્રએ કોઈ નિરાકરણ ન લાવતા ગ્રામજનોએ આ પ્લોટનો બહિષ્કાર કરી આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. આજે આંદોલનકારીઓ પ્રાંત કચેરીએ પહોંચતા જ સુરક્ષા માટે પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. પ્રાંત અધિકારી ખાપટ પહોંચતા લોકો રજૂઆત કરવા પહોંચ્યા અને જે જગ્યા પર પ્લોટનો વિવાદ થયો એ સ્થળ પર પોલીસ કાફલો પણ પહોંચ્યો હતો. સ્મશાનની જમીન પર જેસીબી ફરતા સ્થળ પર હાડકા સહિતના અવશેષો બહાર આવતા લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે અયોગ્ય જગ્યાએ આપેલા પ્લોટ રદ કરી નવી અને યોગ્ય જગ્યાએ ફાળવણી કરવામાં આવે.