ઉના તાલુકાના કેસરીયા ગામે ૧૯મી તારીખે બાઇક અને બોલેરો વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. મૃતકોમાં કેસરીયા ગામના બે વ્યક્તિ અને નાથળ ગામનો એક યુવાન સામેલ હતા. આ ઘટના બાદ આજે કેસરીયા ગામના ગ્રામજનોએ ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.આવેદનપત્રમાં ગ્રામજનોએ કેસરીયા પ્રાથમિક શાળા પાસે, શાક માર્કેટ સામે, ગામના મુખ્ય પ્રવેશદ્વાર પર અને દીવથી કેસરીયા તરફ આવતા માર્ગની શરૂઆતમાં એમ કુલ પાંચ અલગ-અલગ જગ્યાએ સ્પીડ બ્રેકર મૂકવાની માંગ કરી છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે દીવથી કેસરીયા તરફ આવતા વાહનો ઘણીવાર ઓવર સ્પીડમાં હોય છે. આ ઉપરાંત, ઘણા વાહનચાલકો દારૂનું સેવન કરીને વાહન ચલાવતા હોવાથી અકસ્માતો સર્જાય છે. ભૂતકાળમાં પણ કેસરીયા નજીક આવા અનેક અકસ્માતો બન્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.