ઉત્તરાયણ ભારતની પ્રાચીનતમ પરંપરાઓમાંનો એક તહેવાર છે. “ઉત્તરાયણ” શબ્દનો અર્થ છેઃ સૂર્યનું ઉત્તર દિશામાં ગમન. હિન્દુ પંચાંગ મુજબ જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે અને દક્ષિણાયનમાંથી ઉત્તરાયન તરફ વળે છે, ત્યારે આ દિવસને મકરસંક્રાંતિ અથવા ગુજરાતમાં વિશેષ રૂપે ઉત્તરાયણ તરીકે ઉજવવામાં આવે છે. વૈદિક અને ધાર્મિક મહત્વઃ વૈદિક કાળથી જ સૂર્યને ઊર્જા, જીવન અને તેજનું પ્રતિક માનવામાં આવે છે. મહાભારતમાં ભીષ્મ પિતામહે ઉત્તરાયણના પવિત્ર સમયની રાહ જોઈ દેહત્યાગ કર્યો હતો, તે બતાવે છે કે ઉત્તરાયણને શુભ અને મુક્તિદાયક સમય માનવામાં આવતો હતો. આ દિવસથી શુભ કાર્યો, યજ્ઞ, દાન અને સંસ્કાર શરૂ કરવામાં આવતા. ખેતી અને ઋતુ પરિવર્તનઃ ઉત્તરાયણ ઋતુ પરિવર્તનનો તહેવાર પણ છે. શિયાળાની કડકતી ઠંડી ધીમે ધીમે ઓછી થાય છે અને દિવસ લાંબા થવા લાગે છે. ખેતીપ્રધાન સમાજ માટે આ સમય પાક તૈયાર થવાનો હોય છે, તેથી કૃતજ્ઞતાના ભાવ સાથે તહેવાર ઉજવાતો. તલ, ગોળ અને ચિક્કી જેવા ખોરાકનું મહત્વ પણ આ ઋતુ સાથે જોડાયેલું છે.
પતંગોત્સવની પરંપરાઃ ગુજરાતમાં ઉત્તરાયણને પતંગોત્સવ તરીકે ઉજવવાની પરંપરા લગભગ મધ્યકાલીન સમયથી વિકસતી ગઈ. માનવામાં આવે છે કે રાજાઓ અને નવાબોના સમયમાં પતંગ ઉડાડવું રાજસી મનોરંજન હતું, જે પછી જનસામાન્યમાં લોકપ્રિય બન્યું. ધીમે ધીમે પતંગ ઉત્તરાયણની ઓળખ બની ગઈ. સામાજિક એકતા અને લોકોત્સવઃ ઉત્તરાયણ એક એવો તહેવાર છે જ્યાં જાતિ, વર્ગ અને ભેદભાવ ભૂલાઈ જાય છે. છત પર છત મળતી નથી, પણ લોકોના હૃદય મળે છે. “કાઈ પો છે”નો નાદ માત્ર પતંગ કપાવાનો નથી, પણ સામૂહિક આનંદનું પ્રતિક છે. આજના સમયમાં ઉત્તરાયણઃ આધુનિક સમયમાં ઉત્તરાયણ આનંદ સાથે જવાબદારીની પણ માંગ કરે છે. સલામત દોરી, પક્ષીઓની સંભાળ અને માનવીય સુરક્ષા આ બધું આજના યુગમાં ઉત્તરાયણના નવા મૂલ્યો બની રહ્યા છે.
આમ ઉત્તરાયણ માત્ર પતંગ ઉડાડવાનો તહેવાર નથી, એ તો સૂર્ય સાથે સંવેદના, પ્રકૃતિ સાથે સંબંધ અને સમાજ સાથે સંવાદનો ઉત્સવ છે. ઉત્તરાયણ માત્ર એક તહેવાર નથી; તે આપણા સમાજની
સંસ્કૃતિ, સંવેદના અને સહઅસ્તિત્વનો ઉત્સવ છે. આ દિવસે આકાશમાં ઉડતી પતંગો જેટલી રંગીન હોય છે, તેટલી જ માનવીય લાગણીઓ પણ ઊંચે ઉડે છે. એક સમય હતો જ્યારે ઉત્તરાયણ એટલે પરિવાર સાથેનો આનંદ. માના હાથેથી બનાવેલા તલ-ચિક્કીના સ્વાદમાં મમતા ઘોળેલી રહેતી, પિતા પતંગ ચડાવતા અને બાળકો ‘કાઈ પો છે’ના હર્ષધ્વનિ સાથે આખું આકાશ જીતી લેતા. આજે પણ પતંગ ઉડે છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું આપણું મન પણ એટલું જ ખુલ્લું અને સ્વચ્છ છે? ઉત્તરાયણ આપણને સ્પર્ધા કરતાં સહકાર શીખવે છે. પતંગ કપાય તો દુઃખ થાય, પણ બીજાની પતંગ ઉડે ત્યારે તાળી વાગે, આ જ તો સમાજની સાચી ભાવના છે. પરંતુ દુર્ભાગ્યે, આજે પતંગની દોરી જેટલી તીક્ષ્ણ બની છે, એટલા જ આપણાં વિચારો પણ કડક બનતા જાય છે. ચાઇનીઝ દોરીથી થતી જાનહાનિ, પક્ષીઓની ઈજાઓ અને અકસ્માતો આપણને વિચારવા મજબૂર કરે છે કે વિકાસના નામે આપણે સંવેદનશીલતા તો નથી ગુમાવી રહ્યા ને?
ઉત્તરાયણ એ પ્રકૃતિ સાથે સંવાદ કરવાનો દિવસ છે. સૂર્ય ઉત્તર દિશામાં ગતિ કરે છે અને જીવનમાં નવી ઊર્જા આવે છે. જો આપણે આ તહેવારને પ્રકૃતિમિત્ર રીતે ઉજવીએ, પક્ષીઓ માટે પાણી રાખીએ, સલામત દોરીનો ઉપયોગ કરીએ, તો આ તહેવાર સાચા અર્થમાં કલ્યાણકારી બને.
આ તહેવાર સમાજને એક સંદેશ આપે છે કે “પતંગ ઊંચી ઉડાડવી હોય તો દોર મજબૂત હોવી જોઈએ, અને સમાજ ઊંચો લાવવો હોય તો સંબંધો મજબૂત હોવા જોઈએ.” આ ઉત્તરાયણ પર આપણે સંકલ્પ લઈએ કે આનંદ સાથે જવાબદારી નિભાવીએ, ઉત્સવ સાથે સંવેદના જોડીએ અને પતંગની જેમ જીવનને ઊંચે લઈ જઈએ, પરંતુ કોઈને ઇજા ન પહોંચે તે રીતે.

આકાશમાં પતંગ ઉડે, દિલમાં સંવેદના રાખજો,
ઉત્સવની આ રોશનીમાં માનવતા બચાવી રાખજો.
કાપવાની હોડમાં જો કોઈનો શ્વાસ અટકી જાય,
એવી જીત પર થોડી ક્ષણ, જાતને સમજાવી રાખજો.
ડોર મજબૂત હોય તો પતંગ ઊંચી જાય છે,
સબંધો તૂટે નહીં, એ વાત મનમાં વસાવી રાખજો.
પક્ષીની પાંખ પર પડે જો તીક્ષ્ણ ડોરનો ઘા,
ઉત્તરાયણ ઉજવતા પહેલા, આ દુઃખને વિચારજો.
સૂરજ ઉત્તર દિશામાં વળે, નવી આશા લાવે,
જીવનમાં પણ પ્રેમની દિશા, હંમેશા પકડી રાખજો.
‘ઉત્તરાયણ’ કહે છે સમાજને, શાંતિનો સંદેશ,
આનંદ સાથે જવાબદારીનો દીવો પ્રગટાવી રાખજો.
આકાશ સુધી પહોંચવાની ઇચ્છામાં, ધરતીને ન દુભાવો,
ઉત્સવની આ પળોમાં, માનવતા ન ભૂલાવો.
ડોર હાથમાં રાખીને પણ દિલ નરમ જ રાખજો,
‘ભરત‘ કહે છે શાંતિથી ઉત્તરાયણ એવી મનાવજો.