પાલિતાણા તાલુકાના હણોલ ગામે તા. ૧૩મી જાન્યુઆરીથી ૧૫મી જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન ત્રણ દિવસીય ’આત્મનિર્ભર હણોલ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવ ગ્રામીણ વિકાસ, સ્વાવલંબન અને જનસહભાગિતાના સંકલ્પને સાકાર કરનારો પ્રેરક મંચ બનશે. મહોત્સવના ઉદ્‌ઘાટન પ્રસંગે ભારત સરકારના
કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી ડા. મનસુખ માંડવિયા, ઇન્ડિયન ઓલિમ્પિક એસો.ના પ્રેસિડન્ટ પી.ટી. ઉષા અને ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મહોત્સવ દરમિયાન હણોલ ગામે રાત્રિ રોકાણ કરશે. તેઓ
પ્રાકૃતિક ખેતી વિષયક પરિસંવાદ યોજી ખેડૂતોને માર્ગદર્શન આપશે, તેમજ પ્રભાત ફેરી અને ગ્રામ સફાઈ અભિયાનમાં પણ જોડાશે. હણોલ મહોત્સવમાં ‘મેઈડ ઇન ઇન્ડિયા’ વિચારધારાના પ્રણેતા અને ઝોહો (Zoho) ના સ્થાપક શ્રીધર વેમ્બુ, ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન કપિલ દેવ અને અભિનેતા-સાંસદ અરુણ ગોવિલ જેવા પ્રતિષ્ઠિત મહેમાનો પણ હાજરી આપીને મહોત્સવને ગૌરવવંતો બનાવશે. આ ત્રણ દિવસીય ઉત્સવમાં કૃષિ, રોજગાર, યુવા શક્તિ, ટેકનોલોજી અને
સંસ્કૃતિ સંબંધિત વિવિધ કાર્યક્રમો, પ્રદર્શનો અને લોકાર્પણો યોજાશે. આયોજકોએ તમામ નાગરિકોને આ ઐતિહાસિક મહોત્સવમાં મોટી સંખ્યામાં જોડાવા ભાવપૂર્વક આમંત્રણ આપ્યું છે, જે ગ્રામીણ ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં માર્ગદર્શક બનશે.