‘એ શક્ય જ નથી. રસ્તો સારો નથી. બસ ખૂંપી જશે એની જવાબદારી….?” ડેપો મેનેજરે આનંદ સામે દ્રષ્ટિ માંડી વેધક નજરે જોયું:” બોલો, આ જવાબદારી કોણ લેશે?..’ અને પછી કટાક્ષપૂર્વક હસતા કહ્યુંઃ”તમે લેશો??”
‘બસ ક્યાંય નહીં ખૂંપે. કદાચ ખૂંપી જશે તો એની જવાબદારી અમારી છે.’
‘તમે બહુ મોટું સાહસ ખેડી રહ્યા છો.’
‘હા, સાહેબ અમારા લોહીમાં છે.’
‘..પણ રસ્તો ચીકણો છે. કાળી માટી છે. જીપ માંડ આવી શકી.”
‘છ કિલોમીટર માટે શું કામ બે મહિના લંબાવો છો સાહેબ? ગામમાં ડિલિવરીના કોમ્પ્લિકેટેડ કેસ હોય છે, દવાખાનાના દર્દી હોય છે. ખૂબ મુશ્કેલી પડે છે. બસ ચાલુ કરો તો આશીર્વાદ મળશે. અમસ્તી તમે રામગઢ સુધી તો બસ લાવો જ છો. એક આ છ કિલોમીટરનો ગાળો.’
“તમે સમજતા નથી, રસ્તો ખરાબ છે. બસનો વીમો છે. અમે માંડ માંડ અહીં સુધી પહોંચ્યા.’
‘જુઓ સાહેબ, રસ્તાની મુશ્કેલી નહીં રહે. રસ્તો રિપેર કરી નાખીશું અને ખાડા-ખાબોચિયા જે કાંઈ રસ્તા વચ્ચે આવતું હશે તે પુરાઈ જશે.’
‘તમે કરશો?’
“તમારે કામ સાથે મતલબને, પંદર દિવસ પછી તમે આવજો. રસ્તો સારો થઈ ગયો હશે. અમે શક્ય એટલી ઝડપથી સારો કરી નાખીશું. આજે મંગળવાર છે પંદર દિવસ પછી ચેક કરી જવા વિનંતી છે. મને આશા છે કે બસ અમારા રસ્તા ઉપર માત્ર ચાલશે જ નહીં, કિન્તુ દોડશે.’
ડેપો મેનેજર કટાક્ષભર્યું હસ્યા, ‘જોઈશ કે તમે વાતો જ કરો છો કે કામ પણ કરો છો.’ કહી તે જીપમાં બેઠા.
‘ઊભા રહો સર… ચા-પાણી.’
‘ના,’ કહી તેમણે ડ્રાઈવરને જીપ ચાલુ કરવાનો આદેશ આપ્યો. આનંદ નજીક આવ્યો અને કહ્યું, ‘આપણી વચ્ચે કોઈ વ્યક્તિગત વાંધો નથી. હું જે કંઈ કરી રહ્યો છું એ માત્ર ગામ માટે જ કરી રહ્યો છું, પણ આમાં તમારો સહકાર મળી રહે એવું જરૂર ઈચ્છું છું અને એવી અપેક્ષા રાખું છું. મળશેને સર?’
ડેપો મેનેજરે જાણે કંઈ જ ન સાંભળ્યું હોય એમ માથું ધુણાવી ચાલ્યા ગયા. આનંદ ચાલી જતી જીપને તાકી રહ્યો. અને પછી એકઠી થયેલી મેદની તરફ એક દૃષ્ટિ નાખી પછી સરપંચને ઉદેશીને કહ્યું, “તમે ચિંતા ન કરો. આપણે શું કરવું એ હવે વિચારવાનું છે. બસ તો એકસો દસ ટકા ગામમાં આવશે જ.’ કહી આનંદ ચંદ્રકાન્તભાઈ સાથે નીકળી ગયો.
આનંદ ઘરે આવ્યો ત્યારે સાંજ પડી ચૂકી હતી. વહેલી સવારે એને ઘરે નીકળવાનું હતું. સામે ડેપો મેનેજરને પંદર દિવસમાં રસ્તો કરી આપવાની મુદ્દત આપી હતી. દરમિયાન પોતે ઘરે ચાલ્યો જવાનો હતો. અને અહીં રોકાય તો પોતે કરી પણ શું શકે? બસ ચાલુ થાય એ જરૂરી હતું જ, પણ અસંભવ શક્યતાને શક્ય બનાવવાની હતી. શો રસ્તો કાઢવો? વિચારોમાં ને વિચારોમાં તેણે મગજને બહુ દ્રવ્યું બહુ દ્રવ્યું પણ કોઈ નક્કર પરિણામ હાથ ન જ લાગ્યું.
આરતી ટાણે રાવજીભાઈ ગાડું લઈને આવ્યા. આનંદને જોઈને નવાઈ લાગી. નહીંતર તો આનંદ બહાર લટાર મારવા નીકળી ગયો હોય. સાથે જ વાળું કરવા બેઠાં, આનંદે વાત છેડી, ‘રાવજીભાઈ, ઘરેથી કાગળ આવ્યો છે. રજા આવે છે. બાપુજીએ તેડાવ્યો છે. હું આવતીકાલે સવારે નીકળું છું.’
‘..પણ બળેવને દી’ લાડવા ખાઈને જ નીકળજોને.’
રાવજીભાઈ બોલ્યા.
આનંદથી રાવજીભાઈ સામે અને રૂપા સામે જોવાઈ ગયું. પિતાની લાગણીને માન આપી આનંદ હા પાડે એવું એ ઈચ્છતી હતી. આનંદે રૂપાના ભાવ પારખી લીધા. તેણે કહ્યું, ‘હું રોકાઈ જાઉં રાવજીભાઈ, પણ બળેવે અમારે જનોઈ બદલવાની હોય એટલે જવું પડે.’
“ના, ના તો તો તમતમારે જાવ.”
‘આવતી બળેવ અહીં કરીશ, બસ…..’ આનંદે રૂપાના ઉદાસ ચહેરા તરફ દૃષ્ટિ નાખી હસીને કહ્યું અને ઘડીક ગપ્પા મારીને તે મેડે જતો રહ્યો. સૂતો પણ ઊંઘ ન આવી. બહુ મોડી રાતે ઊંઘ આવી. સાડાચારે તો રાવજીભાઈએ જગાડયો પણ ખરો. દિનચર્યા પતાવી તૈયાર થયો ત્યારે છ થઈ ગયા. એ ચંદ્રકાન્તભાઈને મળવા ગયો. મળીને આવ્યો તો રાવજીભાઈ અને કંકુબહેન વાડીએ જવા નીકળી ગયા હતા.
બેગ લઈને આનંદ મેડેથી ઊતર્યો. રૂપા, ઢાળિયામાં જ ઊભી હતી. એ રૂપા સામે જોઈને હસ્યો, પણ રૂપા ન હસી. કદાચ ન હસી શકી. બોલી પણ નહીં. આનંદ ઊભો રહ્યો. તેને અપેક્ષા હતી કે રૂપા કશુંક બોલે, પણ..ના. આનંદે ડેલાની બહાર પગ મૂક્યો. આનંદે પાછું ફરીને જોઈ લીધું. રૂપા જડવત્ ઊભી હતી. આનંદ શેરી વળોટી સ્ટેશનના મારગે ચાલતો થઈ ગયો. રૂપા મેડે ચડીને તેને જોતી રહી અને પછી કોણ જાણે શું થયું કે દાદરાના પગથિયે જ બેસી પડી.
ટ્રેન દોડતી હતી અને આનંદ રૂપાના વિચારોમાં હતો. સતત ત્રણ કલાકની મુસાફરીમાં રૂપાનો વિલાયેલો ચહેરો અને ઉદાસ આંખો તેની નજર આગળથી ખસતાં નહોતાં.
રૂપા સાથે એટલી બધી પ્રગાઢ લાગણી બંધાઈ ગઈ હતી કે રૂપાને ન જોતો તો તેનું મન ‘ રૂપા, રૂપા….’ પોકારી ઊઠતું હતું. બંને વચ્ચે જે કંઈ લાગણી, ભાવના કે પ્રીતિ હતી તે સંબંધને કોઈ નામ ન હતું, પણ રૂપાએ તેને જીતી લીધો હતો. નામ વગરનોય સંબંધ બંને જુવાન હૈયાઓને સંવારતો રહ્યો હતો.!!
રૂપાના વિચારોએ ઘર આવ્યુ ત્યાં લગી કેડો ન મૂક્યો. બરાબર એકદોઢ વાગ્યે ઘેર પહોંચ્યો ત્યારે ક્યારનીય રાહ જોતી બા બારણામાં જ ઊભી રહી. તેણે ખડકીમાં પગ મૂક્યો ને બાનું મુખારવિંદ ખુશીથી છલકાઈ ઊઠ્‌યું. મા-દીકરાની આંખો ચાર થઈ ગઈ ને નિર્મળાબહેનની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા. આનંદ પગે લાગ્યો ને છાતીસરસો ચાંપતાં હૈયે હરખની હેલી ચડી, ‘આવી ગયો ભાઈ?’
‘ હા..’
‘કેમ છે તારી તબિયત?’ નિર્મળાબહેને આંખોમાં આવેલી ભીનાશને સાડલાના છેડાથી લૂછી.
‘એકદમ સરસ હોં બા.’
‘ક્યારે નીકળ્યો’તો?’
‘સવારે સાડાસાતે.’
‘તો તો ભૂખ બરાબરની લાગી હશે બેટા…’ ‘ કહેતાં નિર્મળાબહેન પોતાના લાલને ધારી ધારીને જોઈ રહ્યા. ના, દૂબળો નહોતો પડ્યો. શરીર ઊલટાનું સારું થયું હતું. વાન પણ ઊઘડ્‌યો હતો અને ચડતી જુવાની હવે દેખાઈ રહી હતી. નિર્મળાબહેને આનંદને પૂછ્યું, ‘ચા કરુંને ભાઈ?’
‘થોડીક જ બનાવજે, બા.’
નિર્મળાબહેન રસોડામાં ગયા અને આનંદની નજર પોતાના ઘરને ચારેય ખૂણે ફરી વળી. કશુંક નવું નવું લાગતું હતું. આંખોને લાગતો આ ફેરફાર પકડી શકાયો નહીં, પણ છતાં તેને થયું કે બધું પહેલાંની જેમ પોતીકું કેમ નથી લાગતું?
પેલો તુલસીનો છોડ, ગુલમહોર, બદામ, કરેણ અને સૂરજમુખી..તે નીચેના બેય ઓરડા જોઈ વળ્યો. ઘર એ જ હતું. આંગણ એ જ હતું. છતાં પણ…બધું જ બદલાયેલું બદલાયેલું લાગતું હતું!
તેણે બુશર્ટ કાઢી નાખ્યો. પેન્ટ- બનિયાનભેર ખાટ ઉપર લંબાવ્યું. પગના ઠેકે તે હીંચકવા લાગ્યો. એટલામાં જ બા ચા લઈને આવી. તેણે બેઠાં થઈને ચા પીધી. ચાનો કપ હાથમાં પાછો લેતાં નિર્મળાબહેને પૂછ્યું,
“તારે શું જમવું છે, એ બોલ.’
“જે બનાવ્યું હોય એ હું ખાઈ લઈશ બા.’
‘એમ નહીં, તું કહે એ બનાવી દઉં.’
‘અરે, તું પણ ખરી છો. હું ગમે તે જમી લઈશ. બોલ, શું બનાવવું છે?’
‘રીંગણ-બટેકાનું શાક, કઢી-ભાત, બાજરાનો રોટલો બનાવ્યો છે, આજે તો.’
‘તું કહે તો રોટલી બનાવી દઉં.’
‘ના, આ બધું જ ચાલશે. અરે, ભાવશે.’
‘શીરો બનાવી દઉં?’ નિર્મળાબહેન પૂછ્યાં વગર ન રહી શક્યા. કારણ કે તેમને ખબર હતી કે પોતાના લાલની પ્રિય વાનગી શીરો અને લાપસી છે. હમણાંથી તો કેટલા દિવસથી પોતાના લાલે આ પ્રિય વાનગી મોઢામાં નહીં મૂકી હોય.
એ આનંદના જવાબની પ્રતીક્ષામાં તેની સામે તાકી રહ્યા. આનંદે શીરો બનાવવાની ના પાડી દીધી એટલે તેઓ થાળી બનાવવા અંદર ગયા. આનંદે આમ તેમ જોયું. પિતાજી ક્યાં ગયા હશે? પ્રશ્ન થયો. તેણે થાળી પીરસીને બહાર આવી રહેલી બાને પૂછ્યું, ‘મારા પિતાજી ક્યાં ગયા?'(ક્રમશઃ)