મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ શુક્રવારે સેનાના એમઆઇ-૧૭ હેલિકોપ્ટરમાં જુબ્બરહટ્ટીથી કુલ્લુના ભુંટાર એરપોર્ટ જવા રવાના થયા હતા. મુખ્યમંત્રી આપત્તિગ્રસ્ત લોકોને વિતરણ કરવા માટે પોતાની સાથે રાશન પણ લઈ ગયા હતા. મુખ્યમંત્રીએ હવાઈ સર્વેક્ષણ દ્વારા ભુંટાર અને આસપાસના વિસ્તારોમાં વરસાદથી થયેલા નુકસાનની સ્થિતિ પણ જાણી. મુખ્યમંત્રીએ સેનાના હેલિકોપ્ટરથી કુલ્લુ અને મનાલી વચ્ચેના આપત્તિગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું.અગાઉ, ભુંટાર પહોંચેલા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે છ દિવસ પછી હવામાન સાફ થઈ ગયું છે અને રાજ્યમાં રાહત કાર્ય શરૂ થઈ ગયું છે. આમાં સેનાના હેલિકોપ્ટર પણ તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે મણિ મહેશ યાત્રા પર ફસાયેલા લગભગ ૩૫૦૦ શ્રદ્ધાળુઓને સેનાના હેલિકોપ્ટર દ્વારા બચાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે આ વખતે રાજ્યમાં વરસાદને કારણે ભારે નુકસાન થયું છે. રાજ્ય સરકાર અસરગ્રસ્ત લોકોને દરેક શક્ય રીતે મદદ કરી રહી છે.સરકાર પોતાના સંસાધનોમાં કાપ મૂકીને અસરગ્રસ્ત લોકોને મદદ કરી રહી છે પરંતુ કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી કંઈ મળ્યું નથી. વિપક્ષના નેતા જયરામ ઠાકુર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે તેઓ ફક્ત સોશિયલ મીડિયા પર જ દેખાય છે. ભાજપના કોઈ નેતા અસરગ્રસ્ત લોકો સુધી પહોંચી રહ્યા નથી. તેમના સાત સાંસદ છે પણ તેઓ ક્યાંય દેખાતા નથી. ભાજપ સોશિયલ મીડિયા પર ફક્ત નિવેદનો અને કાર્ટૂન બનાવતી જાવા મળે છે. તેમણે કહ્યું કે આપત્તિનો સામનો કરવા માટે વિશ્વ બેંકની મદદથી ૩,૦૦૦ કરોડ રૂપિયાની યોજના તૈયાર કરવામાં આવી છે. મંજૂરી મળતાં જ તેના પર કામ કરવામાં આવશે.