રાખનાં રમકડાં
“ઓહ….! મારી જિંદગી રાખનાં રમકડાં જેવી ? વિજયની જિંદગી પણ રાખનાં રમકડાં જેવી ? અને દામલ…. તારી જિંદગી પણ રાખનાં રમકડાં જેવી ? એટલે વળી શું ? હું તારો કહેવાનો મતલબ સમજી નહીં….” જ્યોતિએ પૂછયું.
“રાખનાં રમકડાં દેખાવમાં ખૂબ ખૂબ અતિ સુંદર હોય છે અને એવા એ રમકડાંનો ઘાટ આંખોને ખૂબ ગમે છે. પરંતુ આવા રાખનાં રમકડાંનું આયુષ્ય સાવ ટૂંકુ હોય છે. નાના એવા થડકાથી પણ આવા રમકડાં ભરભર ભરભર કરતાં ભુક્કો થઇ જાય છે, ભાંગી – તૂટી જાય છે. બસ…, આવા રમકડાં એટલે રાખનાં રમકડાં ! ”
“તો…. પળભરમાં તૂટી જાય તેવા રાખનાં રમકડાંને હું રૂની પોચી પોચી પોલમાં જાળવીને સાચવી રાખીશ, તેને થડકો લાગવા નહીં દઉ ને માવજતથી સાચવી રાખીશ. કોઈપણ સંજાગોમાં એને તૂટવા કે ભાંગવા નહીં દઉં….દામલ ! ”
“એવી હેસિયત, એવી જાળવણી કે એવી રખેવાળી કરવી તે આપણી જેવા પામર માનવીનું કામ નથી… જ્યોતિ ! ”
તો પણ હું તો અનેરા ખંતથી, અનેરા ઉમંગથી જીવીશ ત્યાં સુધી સાવચેતીથી જાળવણી કરતી રહીશ, મારાં રાખનાં રમકડાંનું જતન કરીશ….”
“ આ આવું બધું કહેવું અને બોલવું ખૂબ સરળ છે… જ્યોતિ ! પરંતુ વાસ્તવિકતાનો સ્વીકાર કરવો એ તો કઠણ કાળજાના માનવીનું કામ છે. તારા ને મારા જેવા પોચા અને લાગણીશીલ હૃદયના માનવીનું કામ નથી. મને તો લાગે છે કે, હવે પછીની મારી જિંદગીની દશા તો ઠીક પણ દિશા જ બદલાય જશે. સારૂં, જે થાય તે સારા માટે જ થતું હોય છે. પરંતુ જ્યોતિ, હું ઇશ્વર પાસે એટલું જ માગું છું કે, તારો સંસારરથ સદા સુખથી છલકાતો ચાલતો રહે ને તું હંમેશાં ખુબ ખુશ રહે, ખૂબ સુખી થા. કારણ કે મેં જેને પ્રેમ કર્યો છે તે પ્રેમપાત્ર કયારેય દુઃખી ન થાય તેવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે બે હાથ જાડીને પ્રાર્થના કરૂં છું. ચાલ હવે પછી તું તારા માર્ગે ને હું મારા માર્ગે, અલગ અલગ રસ્તા પર રવાના થઇશું…” દામલે ખૂબ મર્મસ્પર્શી શબ્દોમાં જ્યોતિને આવું કહ્યું હતું….
આવી ઊભરી આવેલી યાદથી દામલ ધ્રુજી ઊઠયો.
અમરવેલીની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે બે પાળી હતી. એક સવારની પાળી અને બીજી બપોરની પાળી. સવારની પાળીમાં દામલને જવાનું હતું અને બપોરની પાળીમાં શાંતુને જવાનું હતું. આના લીધે બન્ને સાંજના છ વાગ્યા પછી જ ભેગાં મળતાં, સિવાય કે રજાના દિવસો બાદ કરતા, જા કે એક રીતે તો આ સારૂં થયું હતું કે ઘર સાવ રેઢું રહેતું નહીં. ગામ નવું, પાડોશ નવો ને મકાન પણ નવું એટલે શરૂઆતમાં થોડું મૂંઝવણ જેવું લાગ્યું. પરંતુ થોડા દિવસોમાં તો બન્ને ટેવાઇ ગયાં.
આજે રવિવાર હતો એટલે રજાનો દિવસ. નાનાં મોટાં બધાં કામથી આજે થોડા વહેલા નવરા થઇ જઇ રાતના દસ વાગે બેડરૂમમાં સૂતાં સૂતાં જાગતાં શાંતુએ એમ જ વાત કરતાં દામલને પૂછયું ઃ “આપણાં લગ્ન થયાં તેને કેટલો સમય થયો…?”
“બે વર્ષ થવામાં હવે થોડા દિવસો જ ઘટે છે..” દામલે તરત જ જવાબ આપ્યો…
“તો હવે એક વાત પૂછું.?”
“એમાં સંમતિ લેવાની હોય ? કહે…”
“આપણાં લગ્નને બે વર્ષ હમણાં પૂરાં થશે. હવે તમે આપણાં ભવિષ્યનું કંઇ તો વિચાર્યું હશે ને? અને ન વિચાર્યું હોય તો વિચારવું પણ પડશે જ ને…?”
“હું પણ સતત એ જ વિચારૂં છું શાંતુ….! મને પણ ઘણી જ ચિંતા થાય છે. વળી હવે તો આપણે ગામ પણ બદલી કાઢયું છે. પરંતુ મારી મૂંઝવણ હવે તો સતત વધતી જ જાય છે. પહેલાં મને આવું કંઇ નહોતું થતું….”
“તો પછી હવે તો કોઇ સ્પેશિયલ ડોકટરને બતાવવું જ રહ્યું….”
“ચાલને, હવે આપણે સાથે મળીને કંઇક વિચારીને પછી જ આગળનું પગલું ભરીશું…” દામલે આવો જવાબ આપતાની સાથે જ શાંતુને આલિંગનમાં લઇ લીધી અને પોતાની આંખો તરત જ નીચે ઢાળી દીધી. ત્યારે શાંતુ સમસમી ગઇ, અને પછી મોડે મોડે તેને માંડ માંડ ઊંઘ આવી.
દામલ જાણતો હતો કે, તેનું પોતાનું દર્દ કેવું છે. તેનું આ દર્દ નરી આંખે દેખાય નહીં. પણ ખૂબ ખૂબ મૂંઝવે તેવું હોય છે. આવા દર્દને કોઇ જ ઉપચાર કોઈ ડોકટર પાસેથી લગભગ મળવો મુશ્કેલ છે. આ બધી હકીકત દામલ તો જાણતો જ હતો. પરંતુ પત્ની શાંતુને સાચી હકીકત કહી શકાય તેમ કયાં હતી ? એટલે તો જેમ-જેમ દિવસ પસાર થતા ગયા તેમ-તેમ દામલ વધુને વધુ મૂંજાતો રહ્યો.
(ક્રમશઃ)











































