‘ધૂરંધર ૨’એ પણ પહેલી જ ફિલ્મની જેમ ધમાલ મચાવી છે અને આ ફિલ્મ પણ આદિત્ય ધરની ‘માસ્ટરપીસ’ છે. બળતરા કરનારા ભલે માત્ર સંજય લીલા ભણશાળી, વિશાલ ભારદ્વાજની હિન્દુ વિરોધી કૃતિઓને માસ્ટરપીસ કહે, પરંતુ તેનાથી સત્ય ફરી નથી જતું. દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંત, અલ્લુ અર્જુન, જુનિયર એનટીઆર, મહેશ બાબુ, ઋષભ શેટ્ટી મહાન નિર્દેશક રાજામૌલી અને એક સમયના મહાન નિર્દેશક રામગોપાલ વર્મા, આર. શરતકુમાર, રણજીત શંકર વગેરે આ ફિલ્મ પર લાહોર-કરાચી-ઢાકા વારી ગયા છે.
પરંતુ રિવ્યૂખોરો અને સેક્યુલર મીડિયાએ નાની-નાની વાત પકડીને ફિલ્મનો નબળો રિવ્યૂ કર્યો છે અને ફિલ્મને નબળી બતાવી છે. ‘ધ હિન્દુ’ કહે છે કે પહેલી ફિલ્મ જેવી મજા ‘ધૂરંધર ૨’માં ન આવી. કુખ્યાત એનડીટીવીથી કુખ્યાત અભિસાર શર્મા પણ આવું જ કહે છે. (એટલે હવે કહે છે કે ધૂરંધર પહેલી સારી હતી. એ વખતે કહેતાં જોર પડતું હતું?) આરફા ખાનમ શેરવાનીએ કહ્યું, “હું ચાર કલાક અફીણ ખાઈને આવી છું.” (કોઈએ સમ દીધા હતા?)
સેક્યુલર શેખર ગુપ્તાના ‘ધ પ્રિન્ટે’ શોધીશોધીને એ વાત શોધી કે ફિલ્મમાં મહિલા પાત્રની ભૂમિકા નગણ્ય છે. (તો ‘૭૦ના દાયકામાં અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના, શત્રુઘ્‌નસિંહા, ધર્મેન્દ્રની ફિલ્મોમાં બહુ સશક્ત રહેતી હતી? સંજય દત્ત, અજય દેવગન, અક્ષયકુમાર, સુનિલ શેટ્ટીની ફિલ્મોમાં કઈ હિરોઇનનું પાત્ર શક્તિશાળી હતું?)
અને ઉર્દૂવુડના મોટા ભાગના કલાકારોએ તો મોઢામાં મગ જ ભરી લીધા છે. પોતાના દીકરા અભિષેક અને દોહિત્ર અગત્સ્ય નંદાની ભંગાર (દા. ત. ઇક્કીસ) ફિલ્મના પણ વખાણ કરતા અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, સૈફ અલી ખાન, કરીના કપૂર ખાન, આલિયા ભટ્ટ, અરે ! ‘ધૂરંધર’ના ખૂબ પ્રશંસા પામેલા હીરો રણવીરસિંહની ‘જેએનયૂ પ્રેમી’ પત્ની દીપિકા પદુકોણ બધાં મૌન છે.
સેક્યુલર ટોળકી આ ફિલ્મને કાલ્પનિક પ્રાપેગેન્ડા બતાવી રહી છે. પરંતુ આ રહી ફિલ્મનાં પાત્રો અને તેની વાસ્તવિક સચ્ચાઈઃ
શેર એ બલોચ શેરાનીનું પાત્ર મૌલાના મોહમ્મદ ખાન શેરાની પરથી પ્રેરિત છે.
ઝરવારીનું પાત્ર આસીફ અલી ઝરદારી પરથી છે જેમને મિ. ટેન પર્સેન્ટ કહેતા હતા. બેનઝીર ભુટ્ટો વડા પ્રધાન હતા ત્યારે ઉદ્યોગપતિઓ અને વેપારીઓએ દસ ટકા કમિશન આપવું પડતું તેવા આક્ષેપો ઝરદારી પર થયા હતા.
સિંધના રાજકારણી નબીલ ગબોલે તો ‘ધૂરંધર’ (પહેલી) જોઈને જમીલ જમાલીનું પાત્ર પોતાના પરથી પ્રેરિત હોવાનું ગર્વભેર કહ્યું પણ ‘ધૂરંધર ૨’માં તેમને ભારતીય એજન્ટ બતાવાતાં તેમણે નકારી કાઢ્યું. પરંતુ આ સામ્યતાઓ કેવી રીતે નકારી શકાશે? નબીલ ગબોલ લ્યારીમાં જન્મેલા બલોચ નેતા છે, તેઓ ૨૦૧૩ સુધી પીપીપીમાં રહ્યા, તેની ટિકિટ પરથી ચૂંટાતા રહ્યા અને ૨૦૧૩માં એમક્યૂએમ પક્ષમાંથી ચૂંટાયા અને પછી ૨૦૧૭માં ફરીથી પીપીપીમાં પાછા ફર્યા. એક-એક પાત્રની વાત કેટલી ઝીણવટભરી રીતે સંશોધન કરી ફિલ્મમાં નખાઈ છે- બતાવાઈ છે.
પાકિસ્તાનનું ‘ધ ડાન’ એમ કહેતું હોય કે રહેમાન ડકૈતને સિંધના રાજકારણીઓ સાથે સારા સંબંધો હતા અને પછી તેણે રાજકારણીઓની ઓથ ગુમાવી હતી તો ખોટું?
અબ્દુલ ભુટ્ટાવીએ ત્રાસવાદી સંગઠન લશ્કર એ તઇબા બનાવ્યું હતું તે વાત ખોટી છે? તે મુરિદકેની જેલમાં હાર્ટ ઍટેકથી માર્યો ગયો હતો તે તો પાકિસ્તાનના સમાચારપત્રો પણ કહે છે, પરંતુ પોતાના પાપકાર્ન-સમોસા-કાકથી મફત ફિલ્મ જોઈ કલાકારોને ટેગ કરીને તેમના વખાણ કરતા પણ સ્ક્રિપ્ટ ખરાબ હોવાનું કહી ગોળગોળ રિવ્યૂ લખનારા બચુડાઓને પાકિસ્તાનના સમાચાર પત્રો વાંચવાની નવરાશ હોય તો ને? એમનો અડધો સમય તો મોદીને ટ્રાલ કરવામાં જ જાય.
રીલમાં ડીજીપી સંજયકુમાર અને રિયલ ડીજીપી પ્રશાંતકુમારનો ચહેરોમહોરો, મૂછ બધું જોઈ લો.
ઇવન અસલમ ચૌધરીના જુનિયર ઓમાર શાહીદનું પણ સાચુ નામ છે અને કલાકાર-રિયલ પોલીસ બંનેની સામ્યતા જોજો. એટલું જ નહીં, ઓમાર શાહીદ (સિંધના સાચા પોલીસ અધિકારી)એ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ભારતની જાસૂસી સંસ્થા ‘રા’એ લ્યારીની અપરાધી ગેંગોમાં પોતાના એજન્ટોને ઘૂસાડી સાંપ્રદાયિક હિંસા ભડકાવી હતી. (૧૭ નવેમ્બર ૨૦૨૦નું પાકિસ્તાનનો સમાચારપત્ર ‘ધ ડાન’)
હિન્દુ વિરોધી એજન્ડા ચલાવનાર કાદર ખાનની સુનિલ ગ્રોવર દ્વારા મિમિક્રી (એ સારી જ હતી)માં એક કારણ તેના મેકએપ કલાકારની કમાલ પણ છે. તેનો મેકઅપ અદ્દલ જેવો કરે છે. સંવાદ લેખક પણ એ જ પ્રકારના સંવાદ લખે છે. સુનિલ ગ્રોવરની પ્રશંસા કરતા લોકો ‘ધૂરંધર’ માટે મોઢું ફેરવી લે છે. આ બંને ફિલ્મોમાં દરેક મુખ્ય કલાકારનો ગેટ અપ, અભિનય તે પાત્ર જેના પરથી પ્રેરિત હોય તેના જેવું જ હોય, ચહેરોમહોરો કુદરતી રીતે મળતો આવતો હોય. દા. ત. એસ. પી. અસલમ ચૌધરી અને સંજય દત્તનો ચહેરોમહોરો કેટલો મળતો આવે છે. સાચો અજમલ કસાબ  અને પડદા પરનો અજમલ કસાબ કેટલો બધો મળતો આવે છે ! આ જ રીતે મશહૂર અમરોહીને નવાબ શફીક તરીકે જોઈને નવાઝ શરીફ પોતે પણ વિસ્મય પામી જાય કે મેં ક્યારે આ ફિલ્મમાં અભિનય કર્યો? ઉઝૈર બલોચને દુબઈ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પરથી ઇન્ટરપાલ દ્વારા પકડવામાં આવ્યો, અને ૨૦૨૦માં તેને બાર વર્ષની જેલની સજા થઈ અને તેના પર ઈરાન અને ભારત માટે જાસૂસીના આક્ષેપો લાગ્યા, તે પણ પાકિસ્તાનવાળાએ ‘ધૂરંધર ૨’ને સાચી પાડવા માટે જ અગાઉથી કહી દીધું હશે ને?
અતીક અહમદ વિધાનસભા અને સંસદમાં પહોંચી ગયો તેનો અર્થ એ નથી કે તેના અપરાધો પર પડદો પડી ગયો. અતીક અહમદે પોતે પોલીસ પૂછપરછમાં તેના આઈએસઆઈ જોડાણ વિશે સ્વીકારેલું. પરંતુ સેક્યુલર રિવ્યૂખોરો તો તેમના આકા કહેશે તોય નહીં સ્વીકારે.
કાસ્ટિંગ એમ ને એમ નથી કરી દેવાયું. માધવનનો મેળ અજિત દોભાલના પાત્ર માટે બધી રીતે ખાતો હતો પરંતુ હજુ કંઈ ખૂટતું હતું. પછી ખબર પડી કે તેનો હોઠ જાડો છે. આથી હોઠને પાતળા કરી દેવાયા.
ફિલ્મની કથા ભલે કાલ્પનિક રંગોથી મિશ્રિત હોય, પરંતુ વાસ્તવિક પાત્રો પર આધારિત કથાને વાસ્તવિકતાનો ઢોળ ચડાવવા દાઉદ ઇબ્રાહિમના ઘરનો નંબર પણ ૧૩ બતાવાયો છે. આમ તો ઝડપથી ચાલતા દૃશ્યોમાં કોઈને બરાબર ધ્યાને પણ ન પડે, પરંતુ હવે તો પાઝ કરીને ઝૂમ કરીને જોઈ શકાય છે. આટલું ઝીણું કાંત્યું છે આદિત્ય ધરે. ૧૮ ડિસેમ્બર ૨૦૨૩નો ઇકાનામિક ટાઇમ્સનો રિપાર્ટ કહે છે કે દાઉદ ઇબ્રાહિમને ઝેર અપાતાં તેને હાસ્પિટલમાં દાખલ કરવો પડ્‌યો હતો. કંદહાર અપહરણ કાંડના ત્રાસવાદી ઝહૂર મિસ્ત્રીને અજાણ્યા બંદૂકધારીએ મારી નાખ્યો તેવું તો પાકિસ્તાનનું મીડિયા પણ સ્વીકારે છે,
જાવેદ ખનાની અને અલ્તાફ ખનાની, ‘ખનાની ઍન્ડ કાલિયા ઇન્ટરનેશનલ’ (કેકેઆઈ) નામનું વૈશ્વિક હવાલા નેટવર્ક ચલાવતા હતા જેને અમેરિકાએ ત્રાસવાદીઓને ફંડ આપવા માટેની સંસ્થા ગણાવી હતી. અને એવું રાતોરાત શું બન્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૮ નવેમ્બર ૨૦૧૬એ નોટબંધી જાહેર કરી અને તેના ૨૬ જ દિવસમાં જાવેદ ખનાની એક બાંધકામ હેઠળના ભવન પરથી પડીને મરી ગયો અને પાકિસ્તાની સત્તાવાળાઓએ તેને આપઘાત જાહેર કર્યો. ‘ધૂરંધર ૨’માં તેને હમઝા (ભારતીય એજન્ટ જસકિરત) દ્વારા મારી નખાયો બતાવવામાં આવે છે, પણ માનો કે તેણે આપઘાત કર્યો તો આપઘાત શું નોટબંધીના કારણે તેનું ભારતના કાંગ્રેસી ‘લુંગી’ પ્રધાન અને તેમના દીકરાના સહયોગથી ચાલતા ફૅક કરન્સીનું કામ બંધ પડી જવાથી પૈસા ડૂબી જવાના કારણે આપઘાતનો વારો આવ્યો હશે ને?
અને સપ્ટેમ્બર ૨૦૧૬માં જ જાવેદના અપરાધી ભાઈ અલ્તાફ ખનાનીની અમેરિકામાં ડ્રગ વિભાગે કાળાં નાણાંને ધોળાં કરવા માટે ધરપકડ કરી એ સમાચાર પણ ખોટા ને? મોદી તો અમેરિકાના મીડિયાને પણ મેનેજ કરી ખોટા સમાચાર છપાવતા હશે ને? પણ અહીંના બચુડાઓને અને આરફા ખાનમ શેરવાની અને તેમની ઇંક વગરના મશીનમાંથી કઢાયેલી ગુજરાતી ઝેરાકસ કાપીઓને માત્ર મોદીનો વિરોધ કરવો છે એટલે બધું પ્રાપેગેન્ડા લાગે છે.
હમઝા જ્યારે તેના મિત્રને મારે છે ત્યારે તેને પોતાનો કાળ સિંહ તરીકે જસકિરત દેખાય છે. આર્ટ અને કામર્શિયલ સિનેમાનું અદ્ભુત મિશ્રણ. દાઉદના ઘરમાં એકલો સિંહ આજુબાજુના લોકો પર ભારે પડે છે તે દાઉદની મનોસ્થિતિનું ચિત્રણ છે. દાઉદ નજીકના અને બાલિવૂડના લોકો સાથેની વાતચીતમાં પોતાને સિંહ કહેતો અને કહેતો કે તે શહેરમાં કૂતરા તરીકે રહેવા કરતાં જંગલમાં સિંહ તરીકે રહેવાનું પસંદ કરશે. પણ જ્યારે હમઝા દાઉદના ઘરમાં જાય છે અને આ ચિત્ર જુએ છે ત્યારે માર્મિક હસે છે. હમઝાનો અર્થ પણ સિંહ થાય છે. આ છે આદિત્ય ધરનો કમાલ ! આર્ટ ફિલ્મ જેવી ‘સાંવરિયા’માં રણબીર કપૂરના ડાન્સ વખતે પડદા પર મોનાલિસા છે તેમ જણાવી પેટ ભરીને વખાણ કરનારા કલમઘસુઓને આદિત્ય ધરની આ આર્ટિસ્ટિક કમાલ નથી દેખાઈ.
અને છેલ્લે કઈ એવી ફિલ્મ હતી જેમાં આવા કમાલના ચોટદાર સંવાદ આવ્યા હતા? ‘અબ હિન્દુસ્તાન પાકિસ્તાન કા મુસ્તકબિલ તય કરેગા’થી લઈને ‘આપ કે પટાખે ખત્મ હો ગયે હો તો મૈં ધમાકા શુરૂ કરું?’ અનેક આવા સંવાદો છે. અને ઝહૂર મિસ્ત્રીની પાસે ‘ભારત માતા કી જય’ બોલાવવાનું દૃશ્ય તો અદ્ભુત, અદ્ભુત, અદ્ભુત.
‘ધૂરંધર’ અંગે પણ આદિત્ય ધર સામે કોઈ ફરિયાદ કરવી હોય તો તે કરી શકાય કે ‘બડે સાહબ’, ‘બડે સાહબ’ કરીને તેમણે પણ દાઉદ ઇબ્રાહિમનું વધુ પડતું ગ્લારિફિકેશન કરી નાખ્યું. પાકિસ્તાને તેને સાચવ્યો, આશ્રય આપ્યો, તેનો ઉપયોગ કર્યો, પણ ભારતમાં ત્રાસવાદી
પ્રવૃત્તિઓ માટે આઈએસઆઈનો વડો તેની પાસેથી સૂચના અને માર્ગદર્શન મેળવે? તેને બડે સાહબ કહે? આમ છતાં દાઉદની જે સ્થિતિ બતાવાઈ છે તે પણ વાસ્તવિક છે અને તેની મનોદશા જોઈને દેશભક્ત દર્શકોને મજા પડે છે. દાઉદની આ દશા બતાવાઈ તેથી તો ઉર્દૂવુડવાળા આ ફિલ્મ અંગે મૌન નથી ને?
દર્શકો પણ કેવું-કેવું શોધી કાઢે છે? હમઝાનો પાસપાર્ટ બતાવાયો તેનો સ્ક્રીનશાટ લઈ તેમાં હમઝાની તારીખ આદિત્ય ધરે બહુ વિચારીને ૨૬ નવેમ્બર (૧૯૭૯) રાખી છે તેવું કહી રહ્યા છે ! ફિલ્મમાં હમઝા અને આલમભાઈ જ્યાં ચા પીવે છે તે દુકાનનું નામ ‘Washma Butt’ રાખ્યું છે. આદિત્ય ધર સાશિયલ મીડિયા પણ કેટલું જોતા હશે કે પાકિસ્તાનની એક છોકરી (કદાચ છોકરો પણ હોઈ શકે)નું એકાઉન્ટનું નામ આ હતું અને ૨૦૧૯માં તેનું મીમ શૅર થયું હતું જેમાં કોઈ ટીખળ કરી હતી- Wash my butt. . એટલે આ ફિલ્મની ઝીણામાં ઝીણી વાત પણ જેન-ઝીના સાશિયલ મીડિયા અને મીમ પ્રેમી દર્શકોને મજા કરાવી રહી છે.
ફિલ્મમાં ઇન્ટરવલ પણ મસ્ત જગ્યાએ પડે છે. (કદાચ છેલ્લાં ઘણાં વર્ષોમાં બહુ ઓછી ફિલ્મોમાં આવો દિલધડક ઇન્ટરવલ આવ્યો હશે.) જસ્સીને તેનો બાળપણનો ખાસમખાસ મિત્ર પિંડા પાકિસ્તાનમાં મળે છે જે ભારતમાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓ વધારવા શસ્ત્ર લેવા આવ્યો છે. આ પાત્ર પણ વાસ્તવિક છે. તેનું સાચું નામ હરવિન્દરસિંહ સંધુ છે જે રિંડા તરીકે જાણીતો હતો. પહેલાં તે માત્ર અપરાધિક પ્રવૃત્તિઓ કરતો હતો પરંતુ પછી તે બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સાથે સંકળાઈને ત્રાસવાદી બની ગયો. ફિલ્મની જેમ જ તે સાચી જિંદગીમાં પણ વધુ પડતું ડ્રગ લેવાથી પાકિસ્તાનમાં મરી ગયો હતો.
આદિત્ય ધરે અનેક ભ્રમણાઓ ખોટી પાડી છે. ૧. પાકિસ્તાનની સચ્ચાઈ ખુલ્લી પાડો તો પાકિસ્તાનના દર્શકોને (અને ભારતના પાકિસ્તાની પ્રેમીઓને) ન ગમે એટલે ફિલ્મ ન ચાલે. ૨. પાકિસ્તાનની અવળચંડાઈ અને મુસ્લિમ ત્રાસવાદી બતાવવા હોય તો સામે સારાં મુસ્લિમોનાં પાત્રો પણ ફરજિયાત બતાવવા પડે અને દરેક મુસ્લિમ ત્રાસવાદી નથી હોતા તેવો નેરેટિવ બતાવવો પડે. ૩. લાંબી ફિલ્મો ન ચાલે. તંત્રીઓ અને સાશિયલ મીડિયામાં વિડિયો બનાવવાનું નક્કી કરતા પણ કહે છે કે લાંબા લેખો કોઈને વાંચવા નથી ગમતા, હવે લોકોને રીલ જોવી જ ગમે છે. પણ આ વાત ખોટી છે. આ લેખકના લાંબા લેખોય વંચાય છે અને નાના લેખોય. સાશિયલ મીડિયામાં આમિર ખાનનું છ કલાકનું પાડકાસ્ટ છે. ૪. સ્પાય, આર્મી, પોલીસ, સીઆઈડી વગેરેની ફિલ્મો/વેબશ્રેણીમાં બધું ભેદી-ભેદી અને અડધુંપડધું જ બતાવવાનું. લોકોને સમજ પડે કે ન પડે. આદિત્ય ધર દરેક મહ¥વના પાત્રનો પરિચય નામ અને તેની ઓળખ સ્ક્રીન પર આપે છે. તેનો ફ્‌લેશબેક પણ વ્યવસ્થિત બતાવે છે.
૫. પોલીસ, સીઆઈડી, સ્પાય, આર્મી પરની ફિલ્મો હોય એટલે તેમાં હીરોના કુટુંબીજનોને હીરોની વિરુદ્ધ બતાવવાના. અહીં એવું નથી. અહીં હિરોઇન તેને ભરપૂર સાથ આપે છે. જ્યારે તેની ઓળખ છતી થાય છે ત્યારે પણ હમઝા સમજાવે છે ત્યારે સમજી જાય છે. ૬. પોલીસ, સીઆઈડી, સ્પાય, આર્મી કે ભારત-પાકિસ્તાનની (ગદર પ્રકારની ફિલ્મ) ફિલ્મ હોય તો તેમાં જ્યારે દેશવિરોધી બાબત આવે કે કુટુંબીજન/સાથી ભારતીયને પકડી લે એટલે લાગણીમાં આવીને હીરો છતો થઈ જાય અને મિશન જોખમમાં મૂકી દે. (‘કર્મા’ યાદ છે?) અહીં એવું નથી. અહીં હીરો- હમઝાને ૨૬ નવેમ્બરના ત્રાસવાદી આક્રમણો જોઈને કમકમાટી આવે છે, ક્રોધ આવે છે, રડવું આવે છે, તેના મિત્રને જોઈને લાગણી થાય છે, પરંતુ તે લાગણીમાં આવીને ઓળખ છતી કરતો નથી.
આદિત્ય ધર એ ’૭૦-‘૮૦ના દશકના કેટલાક નિર્દેશકોનું અનોખું મિશ્રણ લાગે છે. ‘શોલે’ ખ્યાત રમેશ સિપ્પીનું લાકેશન, સાઉન્ડ, રામગોપાલ વર્માની પેસ (ગતિ) અને ક્રૂરતાસભર હિંસા, યશ ચોપડાની ફિલ્મોની સિનેમેટોગ્રાફી ને સુભાષ ઘઈની ફિલ્મોની નાટકીયતા. ‘ધૂરંધર’ની બંને ફિલ્મોમાં આ બાબતો ઠાંસીઠાંસીને ભરી છે. ‘ધૂરંધર’ પર અત્યાર સુધીમાં ઘણું લખાયું છે, હજુ ઘણું લખાતું રહેશે. યે નયા હિન્દુસ્તાન હૈ, યે નયે હિન્દુસ્તાન કા સિનેમા હૈ. ‘શોલે’ની જેમ જ ‘ધૂરંધર’ પર વર્ષોવર્ષ ચર્ચા થતી રહેશે.